અતિ સંવેદનશીલ કચ્છ સરહદે ભુજ નજીક મધરાત્રે ભુજના આકાશમાં ચકરાતા એરફોર્સના ફાઇટર વિમાનો અવાજ સાંભળીને લોકો આકાશમાં જોવા લાગ્યા હતા. હવાી જહાજ જોઈને લોકોમાં ઉચાટ ફેલાયો હતો. સતત બે કલાક સુધીના હવાઈ જહાજના આંટાફેરા અને મોટા ધડાકા સાંભળાયા હતા.
પાકિસ્તાનની સરહદના કચ્છમાં સેના અને હવાઈ દળની કવાત ચાલી રહી છે ત્યાં રાતના સમયે બનેલી આ ઘટનાથી લોકોમાં ચિંતા જોવા મળતી હતી. કાશ્મીરમાં ઊભી કરાયેલી સ્થિતિના પગલે કચ્છમાં પણ હીલચાલ વધી છે. સોમવારે રાત્રે 12 થી 2 વાગ્યા સુધી એરફોર્સના ફાઇટર પ્લેનના આંટાફેરા થયા હતા. તેથી શહેરીજનોમાં કૌતુક ઉભું થવાની સાથે ઉચાટ ફેલાયો હતો. ભુજ નજીકના વિસ્તારમાં બે ધડાકા પણ કેટલાક લોકોને સાંભળાતા ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા.
થોડા દિવસ પહેલા ડ્રોન તોડી પડાયું હતું
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય વાયુસેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી ત્યારે ગુજરાતની કચ્છ સરહદે અબડાસા તાલુકાના નૂનધાતડ ગામે જાસૂસી કરવા આવેલા પાકિસ્તાની યુએવી ડ્રોનને એરફોર્સે તોડી પાડ્યું હતું. ભારતીય વિસ્તારમાં જાસૂસી કરવા મોકલાયેલા પાકિસ્તાની ડ્રોને વહેલી સવારે સાડા 6 વાગ્યે તોડી પડાયું હતું. જેને પગલે ઘટનાસ્થળે ગામલોકો અને સેનાના અધિકારી દોડી ગયા હતા.
ગામ લોકોએ ધડાકો સાંભળ્યો, ભંગાર પણ જોયો હતો. રેકી કરવા આવેલા તોડી પડાયેલા પાકિસ્તાની યુએવી ડ્રોનનો ભંગાર ગામલોકોએ જોયો હતો. વહેલી સવારે એરફોર્સે ડ્રોનને તોડી પાડ્યું તેનો ધડાકો પણ આસપાસના લોકોએ સાંભળ્યો હોવાનું કહી રહ્યા છે. જ્યારે કચ્છની સરહદે દેશની સુરક્ષા કરતાં અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.