કચ્છમાં સિંધુનું પાણી પાકિસ્તાનથી લાવવા મોદી કેમ મૌન બની ગયા, ગુજરાતને એક થપ્પડ

મુખ્ય પ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મોદીએ 2002માં દાવો કર્યો કે પાકિસ્તાન સાથી ભારત સરકારે કરેલા ‘સિંધુ કરાર’ હેઠળ સિંધુ નદીનું પાણી મેળવવા માટે ગુજરાત હકદાર છે. વડા પ્રધાન અટલબિહારી વજપાઈને તેમણે ‘સિંધુ કરારનો’ અમલ કરાવવાનો અનુરોધ એપ્રિલ 2002માં કર્યો હતો. ઉપરાંત કેન્દ્ર સરકારને રાજસ્થાનની ઇન્દિરા કેનાલને કચ્છ સુધી લંબાવવાની માંગણી કરી હતી. નર્મદા ઉપરાંત સિંધુ નદીના પાણીને ગુજરાતમાં લાવવાની હિમાયત કરી હતી.

હવે વડાપ્રધાન કચ્છ માટે મૌન બની ગયા છે. તેઓ કચ્છને સિંધુના પાણી આપવા માટે કંઈ કરવા તૈયાર નથી. ભારતને આઝાદી મળી તેના થોડા સમય પહેલાં કચ્છના મહારાવે સિંધ પ્રાંત સાથે સિંધુના પાણી કચ્છમાં લાવવા માટે કરાર કર્યા હતા. જેનો અમલ થઈ શકે તેમ હોવા છતાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી હવે ગુજરાતને ન્યાય કરાવવા માટે કંઈ કરવા તૈયાર નથી.

2003માં વડાપ્રધાન વાજપેયી

વાજપેયી સરકારે 8 એપ્રિલ 2003ના રોજ કચ્છને સિંધુ નદીનાં જળ પૂરાં પાડવાનું શક્ય નથી, એવું સંસદમાં સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે આ સંધિમાં કચ્છનો સમાવેશ નથી. આટલું  કહ્યા છતાં એ પછીનાં વર્ષોમાં પણ મોદીએ એ માગણી ચાલુ રાખીને ગુજરાતની પ્રજાને દિલ્હીની કોંગ્રેસી સલ્તનત અન્યાય કરી રહ્યાનું દર્શાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.

26 સપ્ટેમ્બર 2016માં મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંધુ નદીના પાણીના સમજૂતીને લઈને સમીક્ષા બેઠક 26 સપ્ટેમ્બર 2016માં કરી હતી.  આ બેઠકમાં મોદીએ અધિકારીઓને કહ્યું કે લોહી અને પાણી સાથે નથી વહી શકતા. આપણે સમજૂતી પર પુનર્વિચાર કરવા માટે ગંભીર છીએ. અધિકારીઓએ કહ્યુ કે સમજૂતી તોડ્યા વગર પણ ભારત પોતાના ભાગનું પાણી લઈ શકે છે. આપણા ભાગનું 3.6 મિલીયન એકર ફીટ પાકિસ્તાનને આપી રહ્યા છીએ તેને રોકી શકાય છે. તેનાથી 6 લાખ હેક્ટર લૈંડમાં સિંચાઈ થઈ શકશે. આ પાણીથી 18000 મેગાવોટ વીજળીનુ ઉત્પાદન કરી શકાય છે. હાલ 3 હજાર મેગાવોટ વીજળીનુ ઉત્પાદન થાય છે. તેનાથી જમ્મુ કાશ્મીરમાં વીજળી અને સિંચાઈની સમસ્યા ખતમ થઈ જશે.

2018માં રૂપાણી

ગાંધીનગર ખાતે 6 જુન 2018માં કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી અને પૂર્વ ધારાસભ્ય મહેશ ઠક્કરે મુખ્યમંત્રી રૂપાણીને મળીને 1960ના સિંધુ જળ કરાર ઇસ્ટર્ન રિવર્સનો આ વિપુલ જથ્થો બાડમેરથી કચ્છ સુધી નેવિગેશન કે ઇરિગેશનના વિકલ્પે મોટા ડાયામીટરની પાઇપ લાઇન દ્વારા કચ્છને પહોંચાડી શકાય તેમ છે.  ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડમાર્શલ અય્યૂબ ખાન વચ્ચે કરાંચીમાં 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાર થયા હતા. એને ‘ઇન્ડસ વોટર ટ્રીટી’ (સિંધુ જળસંધિ) કહેવાઈ.  અગાઉ કચ્છને પણ સિંધુ નદીનાં જળ અપાવવા માટે ચૂંટણીલક્ષી જાહેરાત મુખ્યમંત્રી મોદીએ કરી હતી. હવે વડાપ્રધાન છે, ત્યારે કચ્છને ભૂલીને પંજાબ ભણી વચનોની લ્હાણી કરતા થયા હતા.

કચ્છમાં સિંધુ વહેતી હતી

તિબેટમાં માનસરોવર પાસેથી નીકળતી ૩૨૦૦ કિ.મી લાંબી સિંધુ નદીએ પાકિસ્તાનની સૌથી લાંબી નદી છે. જમ્મુ-કાશ્મીર, પાકિસ્તાનના ઉત્તર ભાગમાં પ્રવેશી દક્ષિણ તરફ વહેતી અરબી સમુદ્રમાં કરાચી બંદર પાસે કચ્છની સરહદ પાસે ભળી જાય છે. તેનો જલ વ્યાપ 4.5 લાખ ચોરસ માઇલમાં ફેલાયેલો છે. વાર્ષિક 2017  ઘન કિ.મી. જેટલો જલ-પ્રવાહ વહે છે. સિંધ પ્રદેશમાં સિંધુમાં ચેનાબ, રાવી, સતલજ, જેલમ, બિયાસ અને લુપ્ત થઇ ગયેલી સરસ્વતી મળે છે. 20 ફાંટા પૈકી એક ફાંટો કચ્છમાં સિંધુ નદીનો આવતો હતો જે એક સમયે ધરતીકંપ આવતાં જમીન ઊંચી આવી ગઈ અને નદી આવતી બંધ થઈ હતી.