આવતીકાલ સોમવાર તા. 9મી એપ્રિલે કેન્દ્રીય અનામત પોલીસદળ (સીઆરપીએફ)નો વીરતાદિન છે. 1965ની 9મી એપ્રિલે કચ્છના રણની સરદાર ચોકી પર પાકિસ્તાને લશ્કરી બ્રિગેડ સાથે નિર્લજ્જ આક્રમણ કર્યું ત્યારે ત્યાં કેન્દ્રીય દળના મુઠ્ઠીભર પોલીસ જવાનો હાજર હતા, પણ તેમણે ગભરાયા વિના ભારે બહાદુરીથી હુમલાનો સામનો કર્યો અને આખી રાત ચોકી બચાવી રાખી. આપણા પાંચ જવાન શહીદ થયા તો દુશ્મનના 34 સૈનિકોનો ખાતમો કરી દેવાયો. ’65ના રણ જંગની આ અજોડ ઘટના હતી. એક તરફ પોલીસ અને સામે લશ્કર છતાં લશ્કર માટે નીચાજોણું થયું. એ સમયે કચ્છે શહીદ જવાનોને પૂરેપૂરા સન્માન સાથે ઉચિત અંજલિ આપી હતી તેમ વિધાનસભા અને લોકસભામાં પણ તેમની વીરતાની નોંધ લેવાઇ હતી. આમ છતાં આ ઘટનાને લશ્કરી ઇતિહાસમાં સ્થાન અપાયું નહીં. કારણ?કે કચ્છના રણની લડાઇ અને ભારત-પાક પૂર્ણ યુદ્ધ વચ્ચે પાંચ મહિનાનો ફેર-ગાળો હતો. કચ્છ પરનું આક્રમણ?એપ્રિલમાં થયું હતું, જ્યારે ભારત-પાક યુદ્ધ બાકીના કાશ્મીર-પંજાબ સહિતના મોરચે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ખેલાયું હતું. આ એક એવો મુદ્દો છે જે આજે પણ ચર્ચાસ્પદ છે. આજેય ભારતીય લશ્કરી નિષ્ણાતો કચ્છના રણની 1965ની ઘટનાને એક નાની એવી લડાઇ કે છમકલું સમજે છે, નહિ કે યુદ્ધ. ખેર, પણ ઇતિહાસ પ્રત્યે આંખમીંચામણા કરવાથી ક્યારેય ભૂંસાતો નથી. યોગ્ય સમયે એ ફરી ઉજાગર થાય જ છે. કચ્છના કિસ્સામાં પણ એવું જ બન્યું. સાડાત્રણ દાયકા સુધી વીરતાની કથા વિસરાયેલી રહી. 37 વર્ષ પછી છેક 2002માં આ કથા કેન્દ્રીય દળના નવા ડિરેક્ટર જનરલના ધ્યાને આવી. તેમણે તેનું વ્યવસ્થિત દસ્તાવેજીકરણ?કરાવ્યું. એક સચિત્ર બુકલેટ સુદ્ધાં પ્રસિદ્ધ થઇ. એ સાથે જ એવો નિર્ણય પણ લેવાયો કે દર વર્ષની 9મી એપ્રિલે સરદાર ચોકીની એ શૌર્યભરી કથાની સ્મૃતિમાં વીરતાદિન કેન્દ્રીય દળ ભારતભરમાં મનાવશે. બસ ત્યારથી રણગાથા ફરી પ્રચાર-પ્રસાર માધ્યમો અને ન્યૂઝ ચેનલો પર ચમકવા લાગી. કેન્દ્રીય પેલીસ દળના સર્વોચ્ચ વડા જાતે કચ્છના રણની સરદાર ચોકી પર આવ્યા અને શહીદોને અંજલિ આપી. એટલું જ નહીં ત્યાંની ધરતીની ધૂળ કળશમાં ભરીને દિલ્હી લઇ ગયા. આજે સીઆરપીએફની દિલ્હી સ્થિત મુખ્ય કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ધાતુના મોટા કળશમાં એ ધૂળ મુકાયેલી છે અને નવમી એપ્રિલે ત્યાં ખાસ કાર્યક્રમ યોજાય છે. ડિરેક્ટર જનરલની મુખ્ય કચેરી ભણી દોરી જતા દાદરા પર પગ મૂકતાં જ સામે સરદાર ચોકી સ્થિત શહીદ સ્મારકની 15ડ20 ફૂટ જેટલી મહાકાય રંગીન તસવીર નજરે પડે છે. ટૂંકમાં કચ્છની ઐતિહાસિક ઘટનાનો માન, મરતબો ગૌરવ જળવાય અને દળના જવાનોનો નૈતિક જુસ્સોયે વધે એવો માહોલ ત્યાં ઊભો કરાયો છે. 2005માં એ સમયના ગૃહપ્રધાન શિવરાજ પાટિલે વીરતાદિને યોજાયેલા સમારંભમાં કચ્છના રણની લડાઇને અને પોલીસ જવાનોની વીરતાને ભારતના લશ્કરી ઇતિહાસમાં સ્થાન આપવા અનુરોધ કર્યો હતો. આમ છતાં 2015માં 1965ના યુદ્ધની સુવર્ણ જયંતીના પ્રસંગે લશ્કરે સરદાર ચોકીના જંગનો વિશેષ ઉલ્લેખ ક્યાંયે કર્યો નહીં, પણ એ જ અરસામાં કચ્છમાં એક એવી ઘટના બની જેણે બતાવી આપ્યું કે, લશ્કરી નિષ્ણાતો સ્થાન આપે કે ન આપે પણ કચ્છની પ્રજાના હૃદયમાં શહીદોનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું છે. એ ઘટના એટલે કચ્છના સત્યાગ્રહી મંડળની અનેરી અંજલિ. 1968ના સત્યાગ્રહમાં ભાગ લેનારા કચ્છ તેમજ ગુજરાતના અન્ય વિસ્તારના સત્યાગ્રહીઓ કે જેઓ આજે વરિષ્ઠ નાગરિક છે અને 70 વર્ષ પાર કરી ચૂક્યા છે, તેઓ સાથે મળી ધર્મશાલા ચોકી નજીક આવેલા યુદ્ધ સ્મારક પર જમા થયા. મંડળના મોભી કાંતિભાઇ ભાવસારના નેતૃત્વ હેઠળ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથેસાથે છાડબેટ, કંજરકોટ અને ધાર બન્ની પાકિસ્તાન પાસેથી પાછા મેળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને પ્રયાસો કરવાની હાકલ પણ કરાઇ. આ નોંધ લેવા જેવી ઘટના છે. શહીદોને અંજલિ આપવી એક વાત છે અને જમીન-કચ્છની ધરતીનો કપાયેલો અંગ-ટુકડો પાછો માગવો એ બીજી વાત છે. સાચું કે 1965માં કચ્છની સલામતી પ્રત્યે કેન્દ્ર સરકારે બેદરકારી સેવી હતી અને રણયુદ્ધ તો જવાનોની વીરતાની સાથેસાથે સરકારની નિર્માલ્યતાનું પ્રતીક હતું. તેને લીધે જ કચ્છને પોતાના વિસ્તારો ગુમાવવા પડયા. પણ પ્રવર્તમાન સંજોગોમાં છાડબેટ-કંજરકોટ પાછા મેળવવા શક્ય છે ખરા ? કાનૂની અને રાજકીય નિષ્ણાતોના મતે સરહદી વિવાદ ઉકેલવા રચાયેલી ટ્રિબ્યુનલનો ચુકાદો એકવાર સ્વીકારી લઇને તેનો અમલ થયા પછી ઘડિયાળના કાંટા પાછા?ફેરવવા અશક્ય નહીં તોયે ભારે મુશ્કેલ તો છે જ. જાણકારોના મતે યુદ્ધમાં એ વિસ્તાર ભારત કબ્જે કરે તો થઇ શકે પણ ભૂતકાળ પર દૃષ્ટિપાત કરીએ તો 1971માં છાડબેટ તો ઠીક છેક નગરપારકર સુધીનો સિંધનો પ્રદેશ ભારતીય સેનાએ કબ્જે કર્યો હતો. તોયે સિમલા કરાર હેઠળ પાકિસ્તાનને પાછો સોંપી દીધો, એટલે મૂળ પ્રશ્ન રાજકીય મનોબળનો છે. નરેન્દ્રભાઇ મોદીના નેજા હેઠળની પ્રવર્તમાન એન.ડી.એ. સરકારમાં એવું મનોબળ છે ખરું ? કાશ્મીર મોરચે આક્રમક મિજાજ દેખાય છે. પણ કચ્છમાં શું ? અહીં બે વર્ષ પહેલાંની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ સિંહાની ભુજની વિચારગોષ્ઠી યાદ આવી જાય છે. 31 જુલાઇ, 2016ના રોજ ભુજના ખીચોખીચ ભરાયેલા અદાણી હોલમાં વૈચારિક આતંકવાદ વિષય પર રાકેશજીએ પ્રવચન કર્યું હતું. સમારંભના આરંભે સ્થાનિક યુવા નેતાએ સરહદી કચ્છનો પરિચય આપતાં કહેલું કે અહીંથી (ભુજથી) પાકિસ્તાનની સરહદ દોઢસો કિ.મી. દૂર છે. રાકેશજીએ પોતાના પ્રવચનના આરંભે આ વાક્યનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, સરહદ 150 કિ.મી. જેટલી દૂર નહીં પણ દોઢ સો કિ.મી. જેટલી નજીક છે. પછી તેમણે કહેલું કે, પાકિસ્તાનનું ભારતીયકરણ થવાનું જ છે, એ ભારતનો એક હિસ્સો બનવાનો જ છે. એના પુન: ભારતીયકરણની શરૂઆત ભુજની ભુજાઓથી થશે. રાકેશજીના આ વાક્યોનું અર્થઘટન કરીએ તો એક જ મુદ્દો ઉપસે છે કે, આજે નહીં તો કાલે પાકિસ્તાનનું વધુ વિભાજન થવાનું જ છે. એનું વજૂદ ભારતમાં સમાઇ જવાનું છે કે કેમ, પુન: ભારતીયકરણ થશે કે કેમ એનો જવાબ સમય આપશે. પાકિસ્તાનમાં લશ્કર, આઇ.એસ.આઇ. અને આતંકવાદી તત્ત્વો વચ્ચેની સાઠગાંઠ એની બરબાદી સર્જવાની છે, એવું નિરીક્ષણ તો આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો પણ કરી ચૂક્યા છે. મૂળ મુદ્દા પર પાછા ફરીએ તો આવતીકાલે સોમવારે કચ્છના રણમાં સીમાસુરક્ષા દળની ધર્મશાલા ચેકપોસ્ટ નજીકના યુદ્ધ સ્મારક પર કચ્છ સત્યાગ્રહી મંડળ?(1968)ના ઉપક્રમે વીરતાદિને શહીદોને અંજલિ અપાશે. આ વખતે બેવડો પ્રસંગ છે. વીરતાદિનની સાથેસાથે કચ્છની ધરતી પાછી મેળવવાના ઉદ્દેશ સાથે થયેલા ઐતિહાસિક કચ્છ સત્યાગ્રહની પચાસમી જયંતીનીયે ઉજવણી થશે. આ સત્યાગ્રહ ઐતિહાસિક હતો. એની ભૂમિકા 1956ની છાડબેટ પરની નાપાક ઘૂસણખોરી, 1965નું યુદ્ધ અને 1968ના કચ્છ ટ્રિબ્યુનલના ચુકાદાને પગલે ઘડાઇ હતી. એના વિશે છેલ્લા બે મહિનામાં આ કટારમાં અલગ અલગ ચાર લેખમાં વિગતે વાત કરી ગયા છીએ. કચ્છની ભૂગોળ બદલી નાખતી ઘટનાઓની પરાકાષ્ટા સમી ઘટનારૂપે ઐતિહાસિક કચ્છ સત્યાગ્રહની વાત હવે પછી કરીશું અને તેમાં સમગ્ર ઘટનાના રાજકીય, પ્રાદેશિક અને પ્રજાકીય સૂચિતાર્થોનેય આવરી લઇશું. બાકી આજે વીરતાદિને સવાલ એ થાય છે કચ્છને સ્પર્શતી આવી ગંભીર અને સંવેદનશીલ બાબતમાં સત્તાપક્ષ, વિપક્ષ કે કચ્છના હિતચિંતકો હોવાનો દાવો કરનારાઓ કેમ સામેલ નથી ? એક નિવૃત્ત સરકારી કર્મચારી પોતાના પેન્શનની રકમ ખર્ચીને સરહદે કાર્યક્રમ એકલા હાથે યોજે છે. છાશવારે નાની એવી ઘટનાના ચૂંથણા કરીને રાષ્ટ્રવાદ, માનવતાવાદ કે લોકશાહી આપખુદશાહીની સામસામી દલીલો કરનારાઓને ખરેખર જે કરવાનું છે તે કેમ દેખાતું નથી ? છેલ્લે, તમામ સત્યાગ્રહીઓને અને વીરતાદિને ભાગ લેનારા સૌ કોઇને સલામ !
સાત સાત પોપટને કંજરીનાથે બાળીને ભસ્મ કર્યા ત્યારે બન્યો એ… કંજરકોટ કચ્છે છાડબેટ, ધાર બન્ની અને કંજરકોટ ટ્રિબ્યુનલના ચુકાદાની રૂએ ગુમાવ્યા છે. છાડબેટ વિશે તો કચ્છનો તાજો ઈતિહાસ છે અને તેના દસ્તાવેજી આધાર છે તે બધાને ઉવેખવામાં આવ્યા છે પરંતુ કંજરકોટ પણ કચ્છનો છે અને તેના વિશે અનેક લોકકથાઓ કચ્છના ઈતિહાસમાં પડેલી છે. સરહદો ઈતિહાસ અને ભૂગોળના સંમિલનથી સ્થિત થતી હોય છે એ દૃષ્ટિએ કંજરકોટ કચ્છની ઈતિહાસ અને ભૌગોલિક પરંપરાથી સ્થિત છે. કંજરબેટ એ કચ્છનાં રણનો સિંધ સરહદ તરફથી પહેલો અને કચ્છના રણ તરફથી છેલ્લો ઉત્તર પશ્ચિમ સરહદનો બેટ છે અને તેનું નામ કંજરકોટ કંજરીનાથ નામના અવધૂત તપસ્વીના ત્યાંના વસવાટ ઉપરથી પડયું છે. કંજરીનાથ અથવા તો કંજરનાથ ઊંચા ધૂળના ઢગલા ઉપર એક અવધૂત સમા અઘોર તપસ્વી હતા. તપમાં ધ્યાનમગ્ન રહેતા અને દિવસો સુધી તપમાં રહેતા. ઘણા યોગીઓ હોય છે તેમ તેઓ ઘણા જ ક્રોધિત અને તમસ સ્વભાવના હતા. એટલે લોકો તેમના દૂરથી જ દર્શન કરીને ચાલ્યા જતા. તે વખતના જમાનામાં કચ્છમાંથી કંજરની બાજુમાંથી સિંધુ મળતી એટલે તે વિસ્તાર લીલો કુંજાર રહેતો અને કુંજાર પ્રદેશનો આ નાથ એટલે તેનું નામ પણ કંજરીનાથ પડયું હોવું જોઈએ એમ મનાય છે. આ કંજરનાથના ચાર-પાંચ ચેલાઓ પણ હતા અને આકરા ગુરુની આજ્ઞાને આધીન રહીને તેઓ ત્યાં પોતાની તપ સાધના ચાલુ રાખતા. તે સમયે સિંધ તરફથી કચ્છ ઉપર આક્રમણ થતું એટલું જ નહીં પણ ગુજરાતને સર કરવું હોય તો પણ કચ્છમાં પ્રવેશવા સિવાય બીજો રસ્તો ન હતો. જામ મોડના સમયની આ વાત છે. સિંધના આક્રમણને ખાળવા માટે કંજરના ધૂળના ઢગલા ઉપર એક કિલ્લો બાંધવાનું નક્કી કર્યું. જામ મોડે કિલ્લાનું બાંધકામ શરૂ કર્યું તેથી કંજરનાથ ખૂબ ક્રોધિત થયા. સવારના જેટલું કિલ્લાનું બાંધકામ થતું તે તપના પ્રભાવથી કંજરનાથ રાત્રે જમીનદોસ્ત કરી નાખે. જામ મોડે કંજરનાથને ખુશ કરવા ખૂબ પ્રયત્ન કર્યા, પ્રાર્થના કરી પણ હઠયોગી એમ કોઈનું માને તેવા નહોતા. પરિણામે જામ મોડ જીવ્યા ત્યાં સુધી કંજરકોટ બાંધવાનું કાર્ય સિદ્ધ થયું નહીં. છેવટે પોતાની એ આશા અધૂરી રાખીને જામ મોડ મૃત્યુ પામ્યા. તેમના પછી જામ શાતા રાજ્યગાદીએ બિરાજ્યા અને તેમણે પોતાના પિતાનું અધૂરું કાર્ય આગળ ધપાવવા માટે સંકલ્પ કર્યો. તેઓએ આ માટે કોઈ પણ ભોગે તપસ્વી કંજરીનાથને મનાવવાનો નિર્ણય કર્યો અને તે માટે જાતે તેઓ ત્યાં ગયા. જ્યારે કંજરીનાથ તપશ્ચર્યામાં હતા ત્યારે તેમના ચેલાઓને સાધ્યા અને ખૂબ વિનંતીઓ કરી કે કોઈપણ ભોગે કંજરીનાથને મનાવીને કંજરકોટ બાંધવાની તેમણે રજા મેળવી દેવી. આ ઉપરથી કંજરીનાથના ચેલાઓએ જામ શાતાને 7 પોપટ પાળવા અને તેને `જામ આપને વિનંતી કરે છે’ એ શબ્દ બોલતા શીખવવાની આજ્ઞા કરી. જામે ખૂબ પ્રયત્ન કરીને 7 પોપટ પાળ્યા અને સાતેય પોપટને ઉપરનું વાક્ય બોલતા શીખવ્યું અને પછી ચેલા પાસે આવ્યા. ચેલાએ દર બે દિવસે એક પોપટને કંજરીનાથનાં બારણે ઉપરના શબ્દો બોલવા માટે મૂકવાની સલાહ આપી. પોપટ જેવું ઉપરોક્ત વાક્ય બોલ્યો કે ક્રોધમાં કંજરીનાથે તેને બાળીને ભસ્મ કર્યો. દર બે દિવસે એક પોપટ આ રીતે તપશ્ચર્યાના બળે બળીને ભસ્મ થઈ ગયા અને બીજી બાજુ તપસ્વીનો ક્રોધ પણ ઠંડો પડતો ગયો. આઠમી વખતે તો જામ શાતા કેટલાક દરબારીઓ અને ચેલાઓ તપસ્વીના ચરણે ઢળ્યા, તપસ્વી શાંત થયા અને કિલ્લો ચણવાની આનંદથી રજા આપી. છ મહિના પછી કિલ્લો ચણાઈને તૈયાર થઈ ગયો અને તેનું નામ કંજરીનાથના નામ ઉપરથી કંજરકોટ પડયું. વળી કંજરીનાથના આશીર્વાદથી એક કૂવો પણ ત્યાં તૈયાર કરવામાં આવ્યો, જ્યાં તપના પ્રભાવથી અખૂટ પાણી નીકળી પડયું. તેનું નામ પણ કંજરકૂવા પડયું. આમ ઈતિહાસ સાથે કચ્છ અને કંજરકોટનો પરાપૂર્વનો સંબંધ છે અને તેની ઘણી ગાથાઓ લોકસાહિત્યમાં પણ સંગ્રહાયેલી પડી છે. તે પછી વર્ષો સુધી પેઢીઓ સુધી પનચરાઈ ઉઘરાવનાર કચ્છનો ધ્રુવ કાનજી ત્યાં રહેતો એટલે પાછળથી આ કંજરકોટ તરીકે પણ ઓળખાતો થયો હતો. જામ લોકો જે કચ્છના આદિ રત્નવંશી હતા, તેમનું એ સ્થળ યાત્રાનું લેખાતું અને વર્ષો સુધી સિંધ પદયાત્રાનો એ રસ્તો હતો. ખાવડાથી બદીન જવાના માર્ગમાં કંજરકોટ વટેમાર્ગુઓનું વિરામસ્થાન હતું અને ત્યાં સારી એવી વસ્તી હતી. કચ્છનું રણ એ તપસ્વીઓનો ડેરો હતું. રણની કાંધીએ ઠેરઠેર હિન્દુ તેમજ મુસ્લિમ સંતો હતા. દાદા મેકણ, હાજીપીર, વરણુ, રવેચીની જેમ કંજરીનાથનો આશ્રમ પણ એવી જ એક તપોભૂમિ હતી. આજે જ્યારે કંજરકોટ એક વિશ્વની જીભે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આવી લોકકથાને યાદ કરવી રહી. સાત પોપટનો ત્યાગ ઘણા બારોટોએ કવિતામાં વણ્યો પણ છે પણ એ કવિતા આજે કોણ જાણતું હશે ? અને હવે જ્યારે કંજરકોટ પાક ભૂમિનો ભાગ બન્યો છે ત્યારે તેને જાણીને પણ શું કરવું ? (તા. 18 માર્ચ 1968ના કચ્છમિત્રમાં પ્રસિદ્ધ થયેલો અહેવાલ)