કડીમાં 49 વર્ષ જૂની પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી

કડી, તા. 28

કડીના ખાખચોક વિસ્તારમાં બનાવેલી 49 વર્ષ જૂની નવ લાખ લિટરની ઓવરહેડ પાણીની ટાંકી જર્જરીત બની જતા પાલિકાએ જમીનદોસ્ત કરી હતી. શહેરના ખાખચોક અને કસ્બા વિસ્તારના રહીશોની પાણીની સમસ્યા હલ કરવા 1971માં નવ લાખ લિટરની 15 મીટર ઊંચી પાણીની ટાંકી બનાવી પીવાના પાણીની સમસ્યા જેતે સમયે પાલિકાએ હલ કરી હતી. 49 વર્ષ બાદ ઓવરહેડ ટાંકી જર્જરીત થઈ જતા બિનઉપયોગી બનતાં રાજ્ય સરકારે તે વિસ્તારમાં પીવાનાં પાણીની સમસ્યા વિકટ ન બને તે માટે વર્ષ અગાઉ 10 લાખ લિટરની ઓવરહેડ 20 મીટર ઊંચી પાણીની ટાંકી બનાવી મુખ્યત્વે કસ્બા વિસ્તાર સહિતના અંદાજે પાંચ હજાર મકાનોમાં પાણી પૂરૂં પાડવાનું આયોજન કર્યું હતું.

પાલિકાએ 49 વર્ષ જૂની બિનઉપયોગી બનેલી ટાંકીને જમીનદોસ્ત કરવા માટેની એક વર્ષ અગાઉ કાર્યવાહી હાથ ધરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા મંગળવારે પાલિકાના ઈજનેર મહેશ પરમાર,કિરણ પ્રજાપતિ સહિતની ઉપસ્થિતિમાં ટાંકી જમીનદોસ્ત નાખી હતી. વિસ્તારના રહીશોને પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે અગાઉ 10લાખ લિટરની ટાંકી બનાવી જર્જરીત ટાંકીને જમીનદોસ્ત કરવાનો કોન્ટ્રાકટ આપતા મંગળવારે કોન્ટ્રાકટરે તેના ખર્ચે અને જોખમે તોડી પાડી હતી. ટાંકીને નીચેથી તોડી ઉપરથી દરોડા વડે બાંધી મશીનથી ખેંચતા ટાંકી ધરાશાયી થઈ ગઈ હતી. પાસેની કંમ્પાઉન્ડ દિવાલ ઉપર ટાંકી તૂટી પડતા દિવાલ પડી ગઈ હતી. જોકે કોન્ટ્રાક્ટર કંમ્પાઉન્ડ દિવાલ બનાવી આપશે.