કડી થોળ રોડ ઉપર આવેલ લાખોના ખર્ચે બનેલ અંડરબ્રિજમાં સળિયા દેખાયા

કડી, તા.૦૯

કડી શહેરમાં આ વર્ષે અવિરત ચાલું રહેલા વરસાદથી રસ્તાઓ બિસ્માર થવાની સાથે જોખમી બન્યા છે. કડીના થોળ રોડ ઉપરના આવેલ અન્ડરબ્રિજ, બાલાપીર, હાઇવે અને નંદાસણ રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. સારા વરસાદના પગલે પ્રવાસીઓનો ધસારો આ રોડ પર વધુ રહે છે. જેમાં તાજેતરમાં નિતિન પટેલે ઉદ્ઘાટન કરેલ બ્રિજ ઉપર લોખંડના સળિયા બહાર આવી જતાં જાનહાનિ થઇ શકવાની સંભાવના બની છે. વાહનચાલકો માટે અંડરબ્રિજ પરથી પસાર થવું ભારે જોખમી બન્યું છે.

રાજય સરકાર દ્રારા કરોડના ખર્ચે કડી શહેરમાં તૈયાર કરાયેલા વિવિધ રસ્તા અને અંડરબ્રિજ સહિતના કામો કેટલા ઉચ્ચ કક્ષાનાં થયા તેની પોલ ઉઘાડી પડી છે. પાછલા ત્રણ દિવસના વરસાદમાં ધોવાઇ ગયા છે. અગાઉ પડેલા વરસાદને કારણે જે રોડ પર વધારે ખાડા હતા તેનું સમારકામ પાલિકા દ્રારા કરવામાં આવ્યું હતું. જોકે ફરી વરસાદના આગમનથી મોટાભાગના રોડ પરનું સમારકામ હલકી ગુણવત્તાનું હોય તેમ નિષ્ફળ ગયું છે. વરસાદે પોલ ખોલી નાખતા પાલિકાની ઘોર બેદારકારી જોવા મળી રહી છે.

સૌથી મહત્વની વાતમાં કાળજી રાખવી પડે તેવી વિગતો સામે આવી છે. કડી-થોળ રોડ પર આવેલો અંડરબ્રિજ એટલી હદે બિસ્માર છે કે, તેની અંદરથી લોખંડના સળીયા બહાર આવી ગયા છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, કડી-થોળ રોડ ઉપર આવેલા અન્ડરબ્રિજનું લોકાપર્ણ થોડા વર્ષો પહેલા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કર્યું હતુ. અન્ડરબ્રિજમાંથી લોખંડના સળીયા બહાર આવતાં વાહનચાલકોની જિંદગી સામે સંકટની સ્થિતિ બની છે. કડી શહેરમાં અનેક જગ્યાએ બિસ્માર રસ્તાના દ્રશ્યો જોઈ 15મી સદીની યાદ આવી જાય છે.