મોરબી,તા:૨૬
મોરબીના અણિયારી ગામે મુંબઈના દંપતી પાસેથી રૂ.4 લાખની લૂંટ કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. મોરબીના પાંચ શખ્સો દ્વારા મુંબઈના દંપતીને ઓનલાઈન કપડાં બતાવી સસ્તા ભાવે ખરીદી કરવા અણિયારી ગામે બોલાવ્યાં હતાં. દંપતી જ્યારે કારમાં અણિયારી ગામે પહોંચ્યું ત્યારે અણિયારીના ટોલનાકા પાસે તેમની પાસેથી લૂંટ કરવામાં આવી હતી. ટોલનાકા પાસે કેટલાક આરોપીઓએ કારમાં આવી દંપતીનું ધ્યાન ભટકાવ્યું હતું અને રૂ.4 લાખ રોકડા લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે મુંબઈના વેપારી દંપતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની વિગત મુજબ મુંબઈમાં ગાર્મેન્ટનો વ્યવસાય કરતા નિશાબહેનને ફેસબુક પર બિપીનસિંહ ઉર્ફે વિક્કી અને અન્ય શખ્સો દ્વારા ઓનલાઈન કપડાં બતાવવામાં આવ્યાં હતાં અને ઓછા ભાવે ખરીદી કરવા માટે મોરબીના અણિયારી ટોલનાકા પાસે બોલાવ્યાં હતાં.
અણિયારી ટોલનાકા પર પહોંચેલા દંપતીને જ્યારે આ શખ્સ દ્વારા કપડાં બતાવવામાં આવી રહ્યાં હતાં, તે સમય દરમિયાન એક કારમાં 5 જેટલા શખ્સો આવ્યા હતા અને મુંબઈના વેપારી દંપતીનું ધ્યાન ભટકાવી રૂ.4 લાખ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે નિશાબહેન અને તેમના પતિ દ્વારા મોરબી ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.