કપાસનું ઉત્પાદન કરતાં ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારનો પણ ફટકો (હેડિંગ)

અમદાવાદ, તા. 26

ખેડૂતોને એક તરફ ભારે વરસાદના કારણે પાક બગડી જવાથી મોટો ફટકો પડ્યો છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના ઘટી રહેલા ભાવથી આ માર બેવડાયો છે. ભારતીય માર્કેટ કરતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂનો ભાવ ઓછો રહેતાં નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો છે.

આ સંજોગોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે એકમાત્ર સરકારી ખરીદીની જ રાહ જોવી પડશે. આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવૉરના કારણે કપાસના ભાવમાં 20 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટ કરતાં ભારતીય બજારમાં ભાવ ઊંચા રહેતાં નિકાસમાં ઘટાડો નોંધાયો છે. જો કે ભારતના માર્કેટમાં પણ કપાસના ભાવ ગતવર્ષ કરતાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો છે. ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર ગત સોમવારનો ભાવ 60.82 સેન્ડ પ્રતિ પાઉન્ડ હકો, જ્યારે સપ્ટેમ્બરના અંતમાં 76.38 સેન્ટ પ્રતિ પાઉન્ડનો ભાવ નોંધાયો હતો.

ઘરેલુ વાયદા બજારમાં મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ પર કપાસનો ભાવ રૂ.19,930 પ્રતિ ગાંસડી એટલે કે 170 કિલોનો ભાવ હતો, જ્યારે ગત સપ્ટેમ્બર મહિનાના અંતમાં એમસીએક્સ પર કપાસનો ભાવ રૂ.21,840 પ્રતિ ગાંસડીનો ભાવ હતો.

વિશ્લેષકોના માનવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારની સરખામણીએ ભારતીય બજારમાં કપાસના ભાવ ઊંચા રહેવાના કારણે નિકાસ ઓછી નોંધાઈ છે. આ કારણથી જિનર્સ અે વેપારીઓ માત્ર સ્થાનિક મિલોની માગ પ્રમાણે જ ખરીદી કરશે. આ સ્થિતિમાં ખેડૂતો સારા ભાવ માટે માત્ર સીસીઆઈ દ્વારા ખરીદીની જ અપેક્ષા રાખી રહ્યા છે.