કમિશનખોર નેતાઓના કારણે પાણીની પાઇપ લાઇનો 2 વખત બદલવી પડી

મહેશ પટેલ

ખેડા જિલ્લાની કપંડવંજ વિધાનસભામાં હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય છે. ખેડા લોકસભા બેઠક પર સાંસદ ભાજપના છે. છેલ્લા કેટલાક સમયથી કપડવંજ તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણીની તંગી ઉભી થઇ છે. જનતા મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. સાથે છેતરાઇ પણ રહી છે. કપડવંજમાં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કાળુ ડાભી ધારાસભ્ય બન્યાં હતા. ભાજપમાંથી કનુ ડાભીની હાર થઇ હતી. અપક્ષ ઉમેદવાર બિમલ શાહ અંદાજે 47000 મતો લાવ્યાં હતા અને અપક્ષના સમીકરણોને કારણે ભાજપ અહી સત્તામાં આવી શકી ન હતી. બિમલ શાહ જ્યારે કપડવંજ વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી જીતીને મંત્રી બન્યાં હતા ત્યારે તેમને પીવાના પાણીની સમસ્યા દૂર કરવાના અનેક પ્રયાસ કર્યા હતા, તેઓ સફળ પણ થયા હતા. બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. લોકસભાની ચૂંટણી લડ્યાં છે. કપડવંજમાં વર્ષોથી ભાજપ સત્તામાંથી દૂર છે. માટે જ આરોપ લાગી રહ્યાં છે કે કપડવંજની જનતા સાથે ઓરમાયું વર્તન ભાજપ સરકાર કરી રહી છે. કદાચ વોટ ન આપવાની જનતાને સજા આપવામાં આવી રહી છે તેવું કોંગ્રેસનું કહેવું છે. કપડવંજના ગામોમાં પીવાના પાણીની સમસ્યા ખરેખર કેમ ઉભી થઇ છે ? પીવાના પાણીની સમસ્યા આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં છે. પરંતુ કપડવંજ ખેડા જિલ્લામાં એટલે કે ચરોતરની લીલી ભૂમિના વિસ્તારમાં છે. તેમ છંતા અહી પાણીની સમસ્યા છે. અહીયા જનતા દૂર દૂર સુધી જઇને પીવાનું પાણી લાવી રહી છે. પાણી માટે લોકોએ ઉજાગરા કરવા પડી રહ્યાં છે. બધા કામ છોડીને પાણીની સમસ્યા સામે જ લોકોએ ઝઝુમવું પડી રહ્યું છે. આ તમામ પાછળ સૌથી મોટું કારણ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કમિશન ખાતા નેતાઓ છે. સરકારી ગ્રાન્ટનો અહી જે રીતે ખોટો ઉપયોગ થઇ રહ્યો છે તેવો ઉપયોગ કદાચ આખા ગુજરાતમાં તમને જોવા નહીં મળે. ભ્રષ્ટાચારી બાબુઓ-નેતાઓની મિલિભગતથી અહી ગ્રાન્ટ જ્યાં વપરાવાની હોય ત્યાં તેનો ઉપયોગ થતો જ નથી. પાણીની પાઇપ લાઇન સહિતની યોજનાઓનો જો વ્યવસ્થિત રીતે અમલ થયો હોત તો કદાચ અહીના ગામડાઓમાં હાલમાં પીવાના પાણીની સમસ્યા જ ન હોત. અહી અનેક એવા ગામડાંઓ છે કે સરકારી ગ્રાન્ટનો ખોટો ઉપયોગ થયો હોય. વિકાસના કામો માટે નહીં પરંતુ માત્ર ગ્રાન્ટના રૂપિયા વાપરી નાખવા માટે જ કામ કરાતા હોય તેવું લાગી રહ્યું છે. ગામોના સરપંચો, વર્ષોથી અડ્ડો જમાવીને બેસેલા માણીતા કોન્ટ્રાક્ટરો અને કેટલાક અધિકારીઓની મિલિભગતથી આ સમગ્ર રેકેટ ચાલી રહ્યું છે અને તેના અનેક પુરાવા પણ છે. રોડ પર રોડ બનાવવા, કેટલીક જગ્યાઓએ માત્ર કાગળ પર કામો !કપડવંજ તાલુકાના અનેક ગામોમાં પાંચ વર્ષમાં 2-2 વખત આરસીસી રોડ બનાવવામાં આવ્યાંનાં કિસ્સા છે. જેમાં ફાળવણી કરેલી ગ્રાન્ટનાં 50 ટકા રૂપિયા પણ વપરાતા નથી. જે ગામોમાં ધોબીઘાટની જરૂર જ નથી. ત્યા ધોબીઘાટ બનાવી દેવાયાના કિસ્સા છે. પાઇપ લાઇનો પાંચ વર્ષમાં 2-2 વખત બદલવામાં આવે છે. કોન્ટ્રાક્ટરની ભૂલોને કારણે ગણો કે કમિશનરખોર નેતાઓના કારણે. પરંતુ અહી જે પાણીની સમસ્યા છે તેનું ઝડપી નિરાકણ લાવવાના બદલે ગમે તેવા કામો પાછળ પૈસા ખર્ચીને જનતાને મુર્ખ બનાવવામાં આવી રહી છે. કપડવંજ તાલુકા પંચાયતની વાત કરીએ તો અહી નેતાઓ જ કોન્ટ્રાક્ટર બની ગયા છે.પછી તે ગામોમાં પાણીનો બોર બનાવવાની વાત હોય કે આરસીસી રોડમાં મલાઇ મારવાની વાત હોય. જાગૃત નાગરિકો આરોપ કરી રહ્યાં છે કે કેટલીક જગ્યાઓએ તો માત્ર કાગળ પર જ કામો થયા છે. થોડા સમય પહેલા એક જાગૃત નાગરિકે એક નેતા સામે લડત આપી હતી. જેમાં બહાર આવ્યું હતુ કે જ્યાં જરૂર છે તેવા ગામોને ગ્રાન્ટ અપાતી જ નથી. અને એક ગામમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દેવાઇ છે. કેટલાક નેતાઓ માટે પણ કદાચ કમિશન અને માણીતા કોન્ટ્રાક્ટર જ જરૂરી છે. જનતાને તો એમ પણ પાંચ વર્ષમાં એક વખત મુર્ખ બનાવવાની કળા આવા સમાજના ગુનેગારો પાસે હોય જ છે.