કરોડો રૂપિયાના રોડના કામો કોન્ટ્રાકટરોને સિંગલ ટેન્ડરથી અપાતા રોડ તુટયા

પ્રશાંત પંડિત,તા.૨૦
અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭ બાદ આ વર્ષે પણ ભારે વરસાદ અને કોન્ટ્રાકટરોની બેદરકારીના કારણે અનેક રોડ તુટયા છે.ચોકકસ કેટલા કીલોમીટરના રોડ તુટયા છે,નુકસાનીની જવાબદારી વાળા કેટલા રોડ તુટયા છે એ અંગે સ્થાયી સમિતિના ચેરમેન પોતે અજાણ હોવાનુ કહ્યુ છે.આ તરફ હાઈકોર્ટમાં અમપા દ્વારા તાજેતરમાં શહેરમાં રોડને લઈને જે સોગંદનામુ કરવામાં આવ્યુ હતુ અને બાદમાં હાઈકોર્ટે આપેલા નિર્દેશો મુજબ,તંત્રે વર્ષ-૨૦૧૮-૧૯માં બનેલા શહેરના રોડ અંગે જે વિગતો રજૂ કરી છે એ વિગતોમાં સૌથી વધુ રોડના કામો નરનારાયણ ઈન્ફ્રાને આપવામાં આવ્યા હોવાની કબૂલાત કરાઈ છે.શહેરના પુર્વ અને દક્ષિણઝોનમાં આ કોન્ટ્રાકટરને એક જ વર્ષમાં સો રોડના કામો અપાયા છે.આ એજ કોન્ટ્રાકટર છે જેની ગેરરીતી વિપક્ષ નેતા દીનેશ શર્મા દ્વારા પકડવામાં આવ્યા બાદ પણ તંત્રે તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી.

અમદાવાદ શહેરમાં વારંવાર રોડ તુટી રહ્યા છે.જે સામે કરોડો રૂપિયાના ટેન્ડરોની લહાણી પણ કોન્ટ્રાકટરોને કરાય છે.વર્ષ-૨૦૧૭માં શહેરમાં તુટેલા રોડ મામલે હાઈકોર્ટમાં થયેલી પી.આઈ.એલ. સંદર્ભમાં અમપા દ્વારા તાજેતરમાં સોગંદનામુ કરાયુ હતું. હાઈકોર્ટે સાફ આદેશ આપ્યો કે,શહેરમાં કેટલા રોડ,કેટલી લંબાઈ-પહોળાઈના,કયા કોન્ટ્રાકટર દ્વારા બનાવાયા,તેની ડીફેકટ લાયબલિટી કયા સુધીની છે,આસી.ઈજનેર,આસીસ્ટન્ટ સીટી ઈજનેર,એડીશનલ સીટી ઈજનેર સહીતની તમામ વિગતો અમદાવાદના લોકો જાઈ શકે એ રીતે મુકો.

અમપા દ્વારા આ વિગતો જે મુકવામાં આવી છે.તેમાં વર્ષ-૨૦૧૮-૧૯ના વર્ષમાં શહેરના સાત ઝોનમાં રોડના કુલ ૩૧૪ કામો કરાયા હોવાનો ઉલ્લેખ કરાયો છે.જેમા નરનારાયણ ઈન્ફ્રાને ૧૦૦ કામો આપવામાં આવ્યા હતા.

અમપા દ્વારા જે વિગતો મુકવામાં આવી છે તેમાં ડીફેકટ લાયબલિટી પુરી થવાનો સમયગાળો વર્ષ-૨૦૨૦ થી વર્ષ-૨૦૨૨ સુધીનો બતાવવામાં આવ્યો છે.આ અંગે વિપક્ષનેતા દીનેશ શર્માનો સંપર્ક કરતા તેમણે કહ્યુ,અમદાવાદ શહેરના પુર્વઝોનમાં મોટાભાગના રોડના કામો નરનારાયણ ઈન્ફ્રાને આપવામાં આવે છે.બે વર્ષ પહેલા મેં પોતે તેમના દ્વારા બનાવવામાં આવી રહેલા વસ્ત્રાલ વિસ્તારના રોડની વિઝીટ કરી હતી.જેમા પુરતો ડામર વાપરવામા ન આવ્યુ હોવાનુ ધ્યાને આવતા આ બાબતે મેં તંત્ર અને સત્તાધારી પક્ષના જવાબદારોનુ ધ્યાન દોર્યુ હતુ છતાં આજદીન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી
સુરેન્દ્રકાકાનો સપોર્ટ હોઈ કાર્યવાહી થતી નથીઃદીનેશ શર્મા

વર્ષ-૨૦૧૮-૧૯માં રોડના જે ૩૦૦થી વધુ કામો થયા તેમા નરનારાયણ ઈન્ફ્રાને સો કામો અપાયા છે.આ પાછળનુ કારણ એમને સુરેન્દ્રકાકાનુ પીઠબળ છે.વસ્ત્રાલ વિસ્તારમાં આ કોન્ટ્રાકટરની રોડના કામની ગેરરીતી પકડી પુરાવા પણ આપ્યા હોવાછતાં નરનારાયણ ઈન્ફ્રા સામે તંત્ર દ્વારા આજદીન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી.એમ વિપક્ષનેતા દીનેશ શર્માએ એક વાતચીતમાં કહ્યુ છે.

ઢગલાબંધ કામો લઈને કામો અધુરા મુકે છેઃબદરૂદીન

વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરૂદીન શેખે એક વાતચીતમાં કહ્યુ,ભાજપના પીઠબળથી નરનારાયણ ઈન્ફ્રા અમારા દક્ષિણઝોનમાં અને પૂર્વઝોનમા પણ એકસાથે ઢગલાબંધ કામો લઈ પછી ડામર નથી,બીટયુમીન નથી જેવા બહાના કાઢી કામો અધુરા મુકી દે છે છતાં તેની સામે કોઈ કાર્યવાહી કરાતી નથી.

૨૭ મહીનામાં ૪૩૫ કરોડના કામોની સિંગલ ટેન્ડરથી લ્હાણી-

અમપા દ્વારા છેલ્લા ૨૭ મહીનામાં રૂપિયા ૪૩૫ કરોડથી પણ વધુ રકમના રોડના કામો માત્ર સિંગલ ટેન્ડરથી કોન્ટ્રાકટરોને આપવામાં આવ્યા છે.વીસ કોન્ટ્રાકટરોને ૬૫ સિંગલ ટેન્ડરથી અપાયેલા કામોની વિગત આ મુજબ

કોન્ટ્રાકટર ટેન્ડર કમ(કરોડમાં)
નરનારાયણ ઈન્ફ્રા ૦૮ ૯૦.૫
સૂર્યાવોલકેર ૦૮ ૩.૨૫
એલજીચૌધરી ૦૪ ૪૪.૫૭
રચના કન્સ્ટ્રકશન ૦૪ ૩૨.૭૭
ભગીરથ એસોસિએટ ૦૩ ૩૬.૮૮
રોલર સેન્ટર ૦૪ ૧૯.૮૭
કલ્થીયા એન્જી ૦૨ ૧૮.૩૨
પી.દાસ ઈન્ફ્રા ૦૨ ૧૨.૮૭
એનસીસી ઈન્ફ્રા ૦૩ ૨૮.૫૭
દિશા કન્સ્ટ્રકશન ૦૨ ૧૩.૪૯
શ્રી ગણેશ એન્ટરપ્રાઈઝ ૦૨ ૦.૫૬
ધ્રુવી બિલ્ડકોન ૦૪ ૦.૮૪
મહીલા ઈન્ડસ્ટ્રીઝ ૦૩ ૨.૫૭
મોર્ડન પાવર સર્વિસીસ ૦૨ ૩.૭૪
કન્સટ્રકશન મેન્ટેનન્સ કોર્પો. ૦૩ ૨.૧૬
આશીષ ઈન્ફ્રાકોન ૦૨ ૪૫.૦૩
આકાશ ઈન્ફ્રાકોન ૦૨ ૪.૯૮
રણજીત બિલ્ડકોન ૦૧ ૬૧.૧૯
વિજયશ્રી ઈલેટ્રોમેક ૦૨ ૫.૬૪
ઝંખના બિલ્ડર્સ ૦૨ ૭.૮૭
કુલ ૬૫ ૪૩૫.૦૨

વર્ષ-૨૦૧૮-૧૯માં શહેરમાં ઝોન મુજબ થયેલા રોડના કામો

ઝોન કામો
ઉત્તર ૩૭
દક્ષિણ ૬૭
પૂર્વ ૪૮
પશ્ચિમ ૯૨
ઉત્તર-પશ્ચિમ ૩૬
દક્ષિણ-પશ્ચિમ ૨૨
મધ્ય ૧૨
કુલ ૩૧૪

નરનારાયણ ઈન્ફ્રાને અપાયેલા કામો

ઝોન કામની સંખ્યા
દક્ષિણ ૩૩
પુર્વ ૪૭
દક્ષિણ-પશ્ચિમ ૧૦
ઉત્તર-પશ્ચિમ ૦૮
મધ્ય ૦૨