ભર શિયાળામાં પીવાના પાણીની રામાયણ ગામડે-ગામડે શરૂ થઈ છે પણ જનતા સાથે જંગલના રાજા સિંહોને પણ ભર શિયાળે પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ અમરેલી જિલ્લાના રેવન્યુના બૃહદગીરનાં જંગલમાં જોવા મળી રહી છે.
અમરેલીના ચાંદગઢથી લઈને છેક ભાવનગર જિલ્લાના ગારીયાધારના પાદર સુધીના વિસ્તારમાં 30થી 3પ સિંહોનો વસવાટ છે પણ ખાટલે મોટી ખોટ કે જંગલના રાજા ગણાતા સિંહો પણ પીવાના પાણી માટે ઓશિયાળા બની ગયા છે. ઓણસાલ ઓછા વરસાદને કારણે આ બૃહદગીર જંગલના વિસ્તારમાંથી પસાર થતી શેત્રુંજી નદી સુકીભઠ થઈ ગઈ હોય. ત્યારે આ શેત્રુંજી નદીના કાંઠે જ વિહરતા સાવજોની દશા માઠી બેઠી છે. સિંહોના પીવાના પાણીના પોઈન્ટો જે વનવિભાગે બનાવ્યા છે જે પાણીના પોઈન્ટ એકદમ ખાલીખમ હોવાથી સિંહોને ના છુટકે પાણી માટે ગ્રામીણ વિસ્તારમાં આવવું પડે છે. ત્યારે સિંહોની પણ ભરશિયાળે પાણી માટે દશા કફોડી થઈ છે.ત્યારે આ ક્રાંકચના વિસ્તારોમાં 1998થી સિંહોનો નવો વસવાટ શરૂ થયોને બુહદગીરનું જંગલ સ્થપાયું ત્યારથી સિંહો માટે જાગૃત્ત સિંહપ્રેમી શેત્રુંજી નદીના પટ્ટમાં વીરડો ગાળીને સિંહ માટે પાણી ભરી રહૃાા છે.
જે કામ વનવિભાગનું છે તે કામ સિંહપ્રેમી સિંહોને બચાવવા કરી રહૃાા છે પણ સિંહોના પીવાના પાણીના પોઈન્ટમાં પાણી ભરતા નથી તે વાસ્તવિકતા છે. ત્યારે સિંહો પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે પણ વનવિભાગની ઉદાસીનતાને કારણે સિંહોને ભરશિયાળે પાણી માટે વલખા મારવા પડે છે પણ વનતંત્રના અધિકારી સિંહોના પાણી માટે અઠવાડીયાનો સમય કહી રહૃાા છે.
જેનું કામ જ ફકત સિંહોનું ઘ્યાન રાખવું, સિંહોને સગવડતા આપવાનું છે તે વનવિભાગ સિંહોના વિસ્તારમાં સિંહો પ્રત્યે ગંભીર નથી.