કર્મચારીઓએ ઈન્ડીયા બુલ્સ કન્ઝયુમર ફાયનાન્સના મેનેજર ઉપર હુમલો કર્યો

અમદાવાદ : ઈન્ડીયા બુલ્સ કન્ઝયુમર ફાયનાન્સના રિજીઓનલ મેનેજર ઉપર કંપનીના જ ત્રણ કર્મચારીઓએ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હુમલાખોરોએ મેનેજરનું લેપટોપ જમીન ઉપર પછાડીને તોડી નાંખ્યું છે.
વસ્ત્રાપુર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા યોગેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા ચિંતન મધુભાઈ શુકલ પંચવટી સર્કલ થર્ડ આઈ-2માં આવેલી ઈન્ડીયા બુલ્સ કન્ઝયુમર ફાયનાન્સ કંપનીમાં રિજીઓનલ મેનેજર તરીકે નોકરી કરે છે. કંપનીમાં નોકરી કરતા પ્રવિણ દેસાઈ (રહે. રબારી કોલાની), જીગર દેસાઈ અને વસીમ ગત શુક્રવારે રાતે ચિંતનભાઈ પાસે આવ્યા હતા અને ઈન્સ્યોરન્સના 70 હજાર રૂપિયા માંગ્યા હતા. ચિંતનભાઈએ હું રૂપિયા ના આપી શકુ તેમ કહેતા ત્રણેય જણાએ ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરી હુમલો કરી દીધો હતો.