કર્મચારીઓનો પગાર ન કાપવા કે છટણી ન કરવા અનુરોધ

નોવેલ કોરોના વાઈરસના સંક્રમણના કારણે કામ પર ગેરહાજર રહેનાર કોઇપણ શ્રમયોગી કે કર્મચારીઓ પગાર ન કાપવા તથા તેઓની છટણી ન કરવા રાજ્યના શ્રમ નિયામકશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યની જાહેર/ખાનગી સંસ્થાઓ, કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓને આર્થિક તેમજ નૈતિક ટેકો આપીને શ્રમયોગીઓ/કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને આ કટોકટીના સમયમાં સહાય કરવાની સામાજિક જવાબદારી નિભાવવા માટે કટીબદ્ધ થવા શ્રમ નિયામકશ્રીએ અપીલ કરી છે.

તાજેતરમાં ફેલાયેલા નોવેલ કોરોના વાઇરસ સંબંધમાં ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા નાગરિકોએ લેવાની થતી તકેદારીઓ અન્વયે માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે મુજબ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને શકય હોય તો ઘરેથી કામ કરવાની અને લોક સંપર્ક ટાળવાની સલાહ આપવામાં આવી છે. ભારત સરકારના શ્રમ મંત્રાલય તરફથી પણ આ પરિસ્થિતિમાં શ્રમિકોને નોકરી પરથી દૂર કરવા કે પગાર વગર રજા ઉપર રહેવાની ફરજ પાડવાના બનાવો બને તેવી શક્યતા ધ્યાને લઇ આ સંજોગોમાં કોઇ શ્રમયોગીકે કર્મચારીનો પગાર ન કાપવા અપીલ કરવામાં આવી છે.

શક્ય હોય તેટલા કામદારો કર્મચારીઓને ઘરેથી કામ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા તથા આ માટે કર્મચારીઓને લેપટોપ-ટેબલેટ જેવી સગવડ આપવાની વ્યવસ્થા આપતો એક્શન પ્લાન પણ સંબંધિત સંસ્થાઓ દ્વારા બનાવવા જણાવાયું છે.

જાહેર/ખાનગી સંસ્થાઓના માલિકો તથા કારખાનેદારોએ તેઓની સંસ્થા/કારખાનામાં કામ કરતા શ્રમયોગી/કર્મચારીઓ પૈકીના રોજમદાર અથવા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સહિતના કોઇપણ શ્રમયોગી/કર્મચારીઓ કોરોના વાઇરસથી અસરગ્રસ્ત થયેલા હોય કે અસરગ્રસ્ત હોવા અંગેના શંકાસ્પદ વ્યક્તિ તરીકે Identify થયા હોય કે આ મહામારી સંલગ્ન અન્ય કારણોસર જો તા.૧૫/૦૪/૨૦૨૦ સુધી ગેરહાજર રહે અથવા પ્રવર્તમાન મહામારીના કારણે જો સંસ્થા/કારખાનું બંધ રાખવાના સંજોગો ઊભા થાય તો પણ તેઓ નોકરી/કામ પર હાજર છે તેમ ગણવા તથા તેઓના પગારમાંથી કોઇ કપાત ન કરવા કે તેઓની છટણી ન કરવા અનુરોધ કરવામાં આવ્યો હોવાનું રાજ્યના શ્રમ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.