કર્મચારીઓ શ્રીમંત બનતાં 9 ભથ્થા અને પેશગી સરકારે બંધ કરી

રાજ્ય સરકારે કર્મચારીઓના પ્રવાસ ભથ્થાંથી લઈને રજા પગાર પેશગી સહિત નવ જેટલી પેશગી બંધ કરી છે. આ પેશગીઓની બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે, પરંતુ વર્ષના અંતે ગ્રાન્ટ પરત કરવી પડે છે. જેથી ઓડીટ પેરા પણ ઉપસ્થિત થાય છે.

તેમજ ૭માં પગારપંચનો અમલ થતાં કર્મચારીઓના પગારમાં થયેલા વધારાને ધ્યાને લેતા કેટલીક પેશગીઓ હાલના સમયે અસ્થાને લાગે છે. જેથી આ પ્રકારની પેશગીઓ રદ કરવાની બાબત અંગે સરકાર વિચાર કરી રહી હતી. જે અંગે વિચારણા કર્યા બાદ રાજ્ય સરકારે આ પેશગીઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજય સરકારના આ નિર્ણયને પગલે સરકારી કર્મચારીઓમાં થોડી નારાજગીની લાગણી ફેલાઇ છે. સરકાર દ્વારા જે પેશગી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, તેમાં સાયકલ ખરીદવા માટેની પેશગી, પંખા ખરીદવાની પેશગી, અનાજ પેશગી, તહેવાર પેશગી, રજા પગાર પેશગી, નોકરી દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને તાત્કાલિક નાણાંકીય રાહત પુરી પાડવા માટેની પેશગી, નોકરી દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને વતન પ્રવાસ ખર્ચને પહોંચી વળવા માટેની પેશગી, પ્રવાસ-ભથ્થાં પેશગી અને ખાતાકીય હેતુ માટેની પેશગી એમ કુલ નવ ખર્ચનો સમાવેશ થાય છે.

જા કે, સરકારે પુખ્ત વિચારણાના અંતે આ નિર્ણય કર્યો હોવાનું મનાઇ રહ્યું છે. તેનુ એક અને મુખ્ય કારણ એ પણ છે કે, ઉપરોકત નવ પેશગી-ખર્ચમાંથી મોટાભાગમાં તો, કર્મચારીઓ તેનો ઉપયોગ જ નથી કરતા તેના કારણે સરકારને બિનજરૂરી ગ્રાન્ટ વર્ષના અંતે પરત કરવી પડતી હોય છે, તેથી સરકારે આ કડાકૂટમાંથી મુકિત મેળવવા નવ પેશગી ખર્ચ જ બંધ કરવાનો નિર્ણય લીધો છે.