કલેક્ટરનો સ્ટાફ હડતાલ પર જશે

મહેસુલી કર્મચારીઆેના લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નો અંગે અવારનવાર લેખિત-મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં આગામી તા.29થી બેમુદતી હડતાલ પર જવાનો નિર્ણય ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા લેવામાં આવેલ છે અને આ અંગેની સત્તાવાર જાહેરાત મહામંડળના પ્રમુખ વિરમભાઈ દેસાઈ અને મહામંત્રી આશિષ બાખલડિયાએ કરી છે.

મહેસુલમંત્રી ને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયા મુજબ બઢતી-બદલી જેવા અવારનવાર રજૂઆતો કરી છે. સરકારને તા.21-5-2018ના પરિપત્રથી કલાર્ક સંવર્ગના કર્મચારીઆેને નાયબ મામલતદાર કક્ષામાંથી પ્રમોશન જિલ્લામાં ખાલી જગ્યા હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવેલ છે. આવા કર્મચારીઆેને મુળ મહેકમના જિલ્લામાં મુકવાની મહામંડળની માગણી છે. આ ઉપરાંત કલાર્ક-રેવન્યુ તલાટી સંવર્ગમાંથી નાયબ મામલતદારના પ્રમોશન આપવા, 2009ની કલાર્કની બેચના તમામ કલાર્કનો સમાવેશ કરવા, નાયબ મામલતદારથી મામલતદારની સિનિયોરિટી યાદી તૈયાર કરવા માગણી કરવામાં આવી છે.

મહામંડળના પ્રમુખ વિરમભાઈ દેસાઈના જણાવ્યા મુજબ રાજ્યના નાયબ મામલતદારોની 2400 જગ્યા ખાલી છે. આવા મુદ્દાઆે અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નકકર કાર્યવાહી ન થતાં તા.17ના રોજ તમામ જિલ્લા મથકોએ ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આમ છતાં જો પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો તા.19ના કર્મચારીઆે કાળીપટ્ટી ધારણ કરી વર્ક ટૂ રુલનો કાર્યક્રમ આપશે. તા.26ના માસ સીએલ અને જિલ્લા કચેરીએ સૂત્રોચ્ચાર તથા તા.29ના અચોકકસ મુદતની હડતાલ શરૂ કરાશે.