કલ્પસર : યોજના એક વાયદા અનેક

કલ્પસર યોજનાનો પહેલો વિચાર એરિક વિલ્સન નામના યુ.એન.ડી.પી.ના નિષ્ણાતને આવ્યો. તેમને લાગ્યું કે ખંભાતનો અખાત ભરતી અને ઓટ જન્યવીજ ઉત્પાદન માટે ઉત્તમ છે. તેમણે યોજનાનું સ્થળ નક્કી કરી ઘોઘાથી હાંસોટ સુધી એક ૬૪ કી.મી. લાંબો બાંધી ૨૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં મીઠા પાણીનો સંગ્રહ કરવાની કલ્પના કરી.
આ સરોવરમાં ૧૭,૦૦૦ મિલિયન ઘન મીટર પાણી સમાય, પ્રોજેકટ મારફત ૫,૮૮૦ મેગા વોટ વીજળી ઉત્પાદનનું લક્ષ્ય રખાયું.
કલ્પસર યોજનાનું મંડાણ “ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના” ડો. અનીલ કાણે અને એ જી.એસ.એફ.સીના ચેરમેન મુસા રઝાએ કર્યું. મુસા રઝાને કલ્પસરનો વિચાર ખુબ ગમ્યો. તેમણે બે લાખ રૂપિયા યોજનાની પ્રાથમિક તપાસ માટે ફાળવ્યા.

૧૦-૧૫ વરસના વહાણા વહી ગયા. ૧૯૮૫-૮૬-૮૭ ના ત્રણ વરસ ચોમાસુ નબળું રહ્યું. ત્યારે બી. જે. વસોયા નામના સિંચાઈ વિભાગના સચિવ અને ઈજનેરે ભરૂચ અને ભાવનગર વચે પુલ-કમ-પાઈપ લાઈનનો રૂ.૫૦૦ કરોડનો અન્ય પ્રોજેક્ટ સરકાર સમક્ષ મુક્યો આ યોજનામાં તેમણે ખંભાતના અખાત ઉપર એક પુલ બનાવવાનું સુચન કર્યું. આ પુલ ઉપરથી ચાણોદ ગામ પાસેથી નર્મદાનું પાણી પાઈપ મારફત ભાવનગર સુધી પહોંચાડવાની ભલામણ કરી. રોજના ૧૦ કરોડ ગેલન પાણીનો હિસાબ મંડાયો. જંબુસર તાલુકાના દેવલા ગામથી ખંભાતનો અખાત અને ત્યાં થી બગોદરા – વલ્લભીપુર વચ્ચેના ગુનાડા ગામ સુધી. ત્યાં થી પાળીયાદ-વિંછીયા-ચોટીલા. ૨૩૨ કી.મી લાંબી ૨ પાઈપ લાઈન સઘળો ખર્ચ ટોલ ટેક્સમાં થી વસુલ કરવાનું સૂચન થયું.

સરકારે નિમેલી શેલત સમિતિનો એક અહેવાલ પ્રસિધ્ધ થયો. સમિતિએ પોતાના અહેવાલના તરણોમાં જણાવ્યુ કે “ ખંભાતના અખાત ઉપર પુલ બાંધવાનો વિકલ્પ ઘણો સારો છે. પુલ ના પૈસા ટોલ ટેક્સમાંથી ઉભા થઈ શકે, પુલ કમ પાઈપ લાઈન યોજના ગુજરાતનું ભાગ્ય ખોલનારી યોજના છે.
આમ ખંભાતના અખાત ઉપર પુલ અને પાઈપ લાઈન તેમજ કલ્પસર નામની બે યોજનાઓનો ઉદય અમરસિંહ ચૌધરી અને સનત મહેતાના સમયમાં ૧૯૮૯ થયો
એક બાજુ ગુજરાતના ૧૫,૦૦૦ ગામડાઓ અછતગ્રસ્ત જાહેર થયા અને બીજી બાજુ કલ્પસરની અને પુલ-કમ પાઈપની યોજનાઓની ચર્ચાઓ થવા લાગી.

—પછી પાંચ વરસ સુધી ચીમનભાઈ જીવાભાઇ પટેલ ગુજરાતનાં મુખ્ય મંત્રી રહ્યા. કલ્પસરની ફાઇલ અભેરાઈ ઉપર પડી. કેશુભાઈ સાવદાસ પટેલની ૧૯૯૫ના માર્ચમાં સરકાર બની. નવનિર્મિત ભાજપા સરકારે નર્મદાની કેનાલ આધારિત પીવાના પાણી યોજનાને આગળ ધપાવવાની જાહેરાત કરી.
મુખ્યમંત્રીએ નર્મદા મારફત ૧૩૫ નગર અને ૮,૨૧૫ ગામડાઓની ત્રણ કરોડની વસ્તીને સત્વરે પાણી પહોંચાડવાન બાંહેધરી આપી.
આ ઉપરાંત કલ્પસર પ્રોજેક્ટ આગળ વધારવાની જાહેરાત કરવામાં આવી.
સનત મહેતા સૂચિત રૂ. ૭૦૦ કરોડની ચાણોદ-ચોટીલા પાઇપલાઇન મોંઘી લાગવાથી રદ્દ કરી પણ ૫૪૦૦૦ કરોડની કલ્પસર યોજનાને મંજૂરી આપી.

કેશુભાઈ પટેલ, જયનારાયણ વ્યાસ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ૧૯૯૮ના મે માહિનામાં ફરીવાર ગુજરાત સરકારનો ભાગ બન્યા. ભાજપ સરકારે કલ્પસર યોજનાની જાહેરાત કરવાની નવેસરથી શરૂઆત કરી.
૧ લી મે ૧૯૯૮ની માહિતી અને પ્રસારણ ખાતાની એક જાહેરાત :

તરસી ધરતીની તૃપ્તિ : કલ્પસર યોજના : ખર્ચ એક અને ફાયદા અનેક
રૂ.૧૯,૫૯૭ કરોડ : મીઠા પાણી નું સરોવર
રૂ.૨૪,૯૫૮ કરોડ : ૧૫૦૦ મેગાવોટ
રૂ.૨૯,૨૭૭ કરોડ :૩૦૦૦ મેગાવોટ,
રૂ.૩૪,૯૬૧ કરોડ : ૫૦૦૦ મેગાવોટ

૬,૧૪,૦૦૦ હે.ને સિંચાઈ
૧,૧૯,૦૦૦ હે જમીન નવસાધ્ય
મત્સ્ય ઉદ્યોગને આવક, બંદર નિર્માણના નવા ફાયદાઓ થાશે.

મેસર્સ હેસ કોનીંગ નામની નેધરલેન્ડની કંપનીએ કલ્પસરનો પ્રીફીઝીબીલીટી રીપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપાયું. રાજ્ય સરકારે કલ્પસર યોજના માટે ૨૦ તજજ્ઞોએ બનાવેલા ૬ અહેવાલ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ અને નર્મદા નિગમના ભુતપૂર્વ અધ્યક્ષ સી સી પટેલને સોંપ્યા. આ અહેવાલના આધારે સરકારે ખંભાતના અખાત ઉપર ૬૪ કી.મી લાંબો બંધ બંધાવાની નવેસરથી જાહેરાત થઈ. .
યોજનાના ફાયદા ગણાવતા કહ્યું કે દહેજ ઘોઘનું અંતર ૨૨૫ કી.મી ઘટી જશે. તાંત્રીક અને આર્થીક રીતે કલ્પસર શક્ય છે. સરકારે “ કલ્પસર ડેવલપમેંટ ઓથોરીટી’ ની રચના કરી. પ્રોજેક્ટ પાછળ થનારા ખર્ચનો અંદાજ રૂ. ૫૩,૯૧૬ કરોડ નક્કી થયો.

૨૦૦૧ના એપ્રિલ માહિનામાં ભાજપા સરકારે ૨૦૦૧ના એપ્રિલમાં કલ્પસર યોજના માટે એક એક્શન પ્લાન બનાવ્યો. જયનારાયણ વ્યાસને તેના ચેરમન બનાવ્યા. નેડકો જર્મની ( NERDKO– GERMANY) સાથે સહયોગ કરાયો. રૂ ૪૫ કરોડ સંશોધન માટે ફાળવવામાં આવ્યા. માત્ર ૩ અઠવાડિયામાં અહેવાલ તૈયાર કરાવવાની જાહેરાત થઈ. ડેટા એકઠા કરવામાં ૨ વરસનો સમય ફાળવવામાં આવ્યો.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની પ્રજાની સિંચાઇ – પાણીની સમસ્યાઓ દુર કરવા માટે ૨૦૦૩માં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ કલ્પસર યોજનાનો પ્રિ ફિઝીબીલીટી રિપોર્ટ બનાવવા માટે રૂ ૮૪ કરોડના ખર્ચને મંજુરી આપી.
આ રીપોર્ટ ૨૦૦૮ ના ડીસેમ્બર પહેલા જમાં કરાવવો એવું નક્કી થયું .
ત્યારબાદ ગુજરાત સરકારે કલ્પસર યોજનાનો અમલ કરવાની જાહેરાત કરી.
યોજનાના ફાયદાઓ ગણાવતા મુખ્ય મંત્રીએ કહ્યું કે માત્ર કલ્પસરને કારણે ખંભાતના અખાતની બંજર બની ગયેલી ૧.૨૫ લાખ હે. જમીન હરિયાળી બનશે.
ખંભાતનો ખારો પાટ હરિયાળા વૃક્ષોથી લહેરાતો હશે અગામી ચાર વરસમાં તમામ જમીન સારી થઈ જશે.
રૂ ૧૨,૦૦ કરોડનું ખેત ઉત્પાદન થશે, હરિયાળી ક્રાંતિ આવશે. ૧.૨૫ લાખ હે. જમીન હરિયાળીમાં ફેરવાશે,

૧૪ મી લોકસભાની ૨૦૦૪ની ચુટણી ટાણે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ રૂ.૫૪,૦૦૦ કરોડના ખર્ચે કલ્પસર યોજનાની જાહેરાત કરી. તેમણે ભાવનગરના દરિયાકાંઠે યોજનાઓ શુભારંભ કરાવ્યો અને રેકર્ડ સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ કવાની ખાતરી આપી. નવેસરની જાહેરતમાં મુખ્ય મંત્રીએ કહ્યું કે “ અમરેલી થી સુરત અંતર ૨૨૫ કી.મી ઘટી જશે. ૨૦૦૦ ચોરસ કિમીનું મીઠા પાણીનું જળાશય બનશે. ૯૦ કરોડ ઘનમીટર પાણી ઘરવપરાશ માટે મળશે. ૧૦,૫૪,૦૦૦ હે. જમીનને સિંચાઈ મળશે. બંદરોનો વિકાસ થશે. માછલીઓનું ઉત્પાદન વધશે. ભાવનગર જીલ્લો વિકાસનું કેન્દ્ર બનશે.
તેમણે સૌરાષ્ટ્રના આખા દરિયાકાંઠાને લીલો છમ્મ કરનારી રૂ.૫૪,૦૦૦ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટને ‘રેકોર્ડ ટાઈમમાં’ પૂર્ણ કરવાની ખાતરી આપી.

કલ્પસર યોજનાનો પ્રિ ફીઝીબીલીટી ૨૦૦૮ના ડિસેમ્બરમાં જમા કરાવવાનો હતો અને તેના માટે સરકારે ૮૪ કરોડ મંજૂર કર્યા હતા. આજે આ વાતને નવ વરસ વીતી ગયા.
તે સમયે ૨૦૦૭ નું ડો. વિદ્યુત જોશીનું એક અવલોકન નોંધવા જેવુ છે.

“સરદાર સરોવર નર્મદા યોજના : હમ લાયે હેં તુફાન સે કશ્તી નીકાલકે …..
ગુજરાતમાં ૩૦ % જમીન સિંચાઈ હેઠળ છે. નર્મદા બીજા ૧૮ % સિંચાઈ આપશે.
કલ્પસર અને જલસ્રાવ – બધું મળીને ગુજરાત ની સિંચાઈ ૫૬ % પહોંચી જશે
નર્મદાના વિશાળ જળરાશીમાંથી કોણ કેટલો જથ્થો લઇ જાય તેની લડાઈ અત્યાર સુધી આપણે મેધા પાટકર અને નર્મદા બચાઓ અંદોલન સામે લડ્યા.
આ બાબતે ગુજરાત એક બનીને લડ્યું. અડીખમ ઉભું રહ્યું. અનેક પરિસંવાદ, વાદ-વિવાદ, ની લડાઈ આપણે લડ્યા અને ધીરજ –કુશળતાથી
તથા લોકશાહી રીતરસમથી જીત્યાં. ગુજરાત છેવટે બધી કસોટીમાં થી ઉજળું થઈને બહાર આવ્યું છે .
ત્રીજા વિશ્વના દેશો નું શ્રેષ્ઠ એવું પુનર્વસન કરીને અપને એક દાખલો બેસાડ્યો છે
નર્મદા યોજનાની સફળતાના સર્વતોમુખી પ્રયાસોનો ઈતિહાસ લખાય તો ભવિષ્યની પ્રજાને આપણી વિકાસની મથામણ નો સાચો ખ્યાલ આવે” (૨૦૦૭ જાન્યુઆરી ૧૯)

મુસા રઝા થી માંડી ડો. વિદ્યુત જોશી સુધી અનેક જણાએ કલ્પસર યોજનાને રમાડી.
મુખ્યત્વે સનત મહેતા, જયનારાયણ વ્યાસ, કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. ડો. અનિલ કાણે, દિગંત ઓઝા, વિષ્ણુ પંડ્યા જેવા જાણકારો આલોચનાઓ સમર્થન અને એક બીજા ઉપર દોષા રોપણ કરતાં રહ્યા.

મોરલ ઓફ ધ સ્ટોરી : પાણીનો પુરતો લાભ રાજ્ય આપી શકે તેમ નથી. રાજ્ય કાયમ પ્રસિદ્ધી રાચતું રહેવાનુ. તે સ્થાપિત હિતોની રખેવાળી જ કરતું રહે.
કેન્દ્રિત અને સરકાર આધારિત આયોજન ક્યારેય સફળ ન થાય. આવા આયોજનના દુષ્પ્રાભાવ છેવાડાના નાગરિકોના ભાગે ભોગવવાના આવે.
ચુટણી આવે ત્યારે સમારંભો, ખાતમુહુર્ત અને ઉદ્ઘાટન કરી પ્રચાર-પ્રસિદ્ધિ મારફત લોકોને કેવા છેતરવામાં આવે === કલ્પસર તેનું ઉત્તમ ઉદાહરણ છે. – ભરતસિંહ