વંશપરંપરાગત રીતે હસ્તકળા સાથે સંકળાયેલી કચ્છના 62 ગામની બારસો મહિલાઓના કસબની નોંધ લઈ ભારત સરકારે આ મહિલાઓએ સ્થાપેલી કસબ કચ્છ ક્રાફ્ટ્સ વુમન પ્રોડ્યુસર કંપની લિમિટેડને નારી શક્તિ પુરસ્કાર-2018થી સન્માનિત કરી છે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ગઈકાલે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિને આ એવોર્ડ એનાયત કરાયો હતો. રાષ્ટ્રપતિના હસ્તે વિવિધ 44 મહિલાઓ-સંસ્થાને આ એવોર્ડ અપાયો હતો.
કસબ-કચ્છ ક્રાફ્ટસ વુમન પ્રોડ્યુસર કંપની લિમિટેડ વતી કંપનીના ડાયરેક્ટર મેઘુબેન બુધા રબારીએ ઉપસ્થિત મહાનુભાવોની તાળીઓના ગડગડાટ વચ્ચે આ સન્માન સ્વીકાર્યું હતું. ભારતમાં સ્ત્રીઓ માટે નારી શક્તિ પુરસ્કાર સૌથી ઊંચું નાગરિક સન્માન છે. જે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. આ એવોર્ડ મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સતત કામગીરી કરનાર વિશિષ્ટ મહિલા કે સંસ્થાને આપવામાં આવે છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વિવિધ 6 શ્રેણીઓમાં આ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં પુરસ્કારરૂપે રૂપિયા એક લાખ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. એવોર્ડ સમારોહ બાદ આજે નારી શક્તિ એવોર્ડ વિજેતા મહિલાઓ સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. વડાપ્રધાને મહિલાઓને તેમની ઉપલબ્ધિઓ માટે અભિનંદન પાઠવી તેમની કામગીરી અન્યો માટે પ્રેરણારૂપ હોવાનું જણાવી સર્વોત્તમ કામગીરી કરતાં રહેવાની શુભેચ્છા પાઠવી હતી.
કસબઃ હસ્તકળામાં નિપુણ નારીશક્તિના ઉત્થાનની ગાથા
કારીગર બહેનો સંગઠિત રીતે પોતાના સામાજિક-આર્થિક વિકાસ અને પરંપરાગત કળા-કારીગીરીની જાળવણી સાથે નિયમિત પુરક રોજગારી મેળવી શકે તે માટે 1997માં કસબની શરૂઆત કરાઈ હતી. આજે કસબએ કચ્છની મહિલા કારીગરોની સંપૂર્ણ માલિકી ધરાવતી સામાજિક-સાંસ્કૃતિક સંસ્થા છે, જે એક ઉત્પાદક કંપની તરીકે કામ કરે છે. સંસ્થામાં 11 અલગ અલગ પરંપરાગત સમુદાયોની બારસો જેટલી મહિલા કારીગરો જોડાયેલી છે અને તેમના ઉત્પાદનનું સીધી રીતે વેચાણ કરે છે. કસબનું કાર્યક્ષેત્ર કચ્છના 62 જેટલા અંતરિયાળ ગામોમાં ફેલાયેલું છે. કસબ કચ્છના વિવિધ સમુદાયોના પરંપરાગત ભરતકામ અને પેચવર્કની ઉચ્ચ ગુણવતાયુક્ત ચીજવસ્તુઓ માટે જાણીતું નામ છે. કસબની પહેલનું લક્ષ્ય દરેક પરંપરાગત સમુદાયોના ભરતકામની વિશિષ્ટતાને કલાત્મક કાર્ય દ્વારા ઉજાગર કરવાનું રહ્યું છે. જેથી આ વિવિધ કળા ફક્ત સામાન્ય કચ્છી ભરતકામ કે આભલાની ઓળખ પુરતી સીમિત ના રહી જાય.
વિશિષ્ટ ભરતકામ શૈલી સાથે વિવિધ સમાજોની સંસ્કૃતિનું દર્શન
કસબ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ કાછી તથા ઢેબરીયા રબારી, સોઢા-રાજપૂત, મુત્તવા, મેઘવાળ, દાણેટા જત, સિંધી-મેમણ, નોડે, આહીર વગેરે સમુદાયોની વિશિષ્ટ ભરતકામ શૈલી અને તેમની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. ઉત્પાદિત વસ્તુઓના ભાવ ગ્રામીણ કારીગરો દ્વારા જાતે સ્પર્ધાત્મક અને વ્યાજબી રીતે નક્કી કરવામાં આવે છે. ઉત્પાદનોના વેચાણમાંથી મળતું વળતર કારીગરોને સીધું મળે છે અને વધારાની રકમ કસબના વિકાસની પ્રવૃત્તિઓમાં ફરી રોકવામાં આવે છે. 2018માં સંસ્થાને ફેડરેશન ઑફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. નારી શક્તિ પુરસ્કાર પ્રસંગે સરકારે લીધેલી નોંધ મુજબ ‘કસબે ખરા અર્થમાં ગ્રામ્ય મહિલા કારીગરો અને તેમની કળાનું ઉત્થાન કર્યું છે. એટલું જ નહીં, આ મહિલાઓને સામુહિક રીતે સંગઠિત થઈ આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક નેતૃત્વ લેવા સક્ષમ બનાવી છે’