મહેસાણા શહેરના કસ્બા વિસ્તારના બે મહોલ્લામાં સાંજે નગરપાલિકા દ્વારા સપ્લાય કરાતું પીવાનું પાણી લાલરંગનું દુર્ગંધયુક્ત આવતા નળ ચાલુ કરતા જ મહિલાઓ ચોંકી ઉઠી હતી. પાલિકાની પાઇપલાઇન મારફતે આવતુ પાણી પીવાલાયક નહોતુ એટલે ખુલ્લા નળથી ગટરમાં આ દુષિત પાણી નિકાલ કર્યા પછી પણ વાસ મારતી હોવાની રહીશોમાં બુમરાડ ઉઠી હતી. સાંજે રહિશો પાણી સેમ્પલ લઇને પાલિકા પહોચી પ્રમુખને રજૂઆત કરી હતી.
કસ્બાના ખારાકૂવા પમ્પિંગ સ્ટેશનથી વિસ્તારમાં સાંજે નર્મદાના સપ્લાય કરાયેલ પીવાનું પાણી પટેલવાડી આસપાસ તેમજ અલ્લારખીની ચાલી વિસ્તારના 80 થી વધુ ઘરોમાં દુષિત આવ્યુ હતું. બોટલમાં પાણી સેમ્પલ લઇને નગરપાલિકા પહોંચી પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી. વિસ્તારના રહીશ અતહારભાઇ અંસારીએ કહ્યુ કે, સાંજે 5 વાગ્યે નળથી લાલરંગનું પાણી આવ્યુ હતું. ગટરમાં પાણીનો નિકાલ થયા પછી પણ આ દુષિત પાણીની ગંધ મારતી હતી.
ટાંકી સફાઇ કરતાં કાટવાળુ પાણી આવ્યાની શક્યતા
કસ્બામાં 5 લાખ લિટર પાણી ક્ષમતાની ટાંકીથી રોજીંદા વિસ્તારમાં પાણી સપ્લાય થાય છે. આ ટાંકીની સોમવારે સફાઇ કરાઇ હતી. જેમાં લાંબા સમયથી સફાઇના અભાવે જામેલો કાટ લાલાશ પકડીને સપ્લાય પાણીમાં ભણ્યો હોવાની શક્યતા છે. જેમાં આ બે વિસ્તાર છેડા હોઇ પાઇપલાઇનમાં ભરાયેલ શરૂઆતનું પાણી લાલાસવાળુ આવ્યુ હોઇ શકે. જોકે આ અંગે વોટરવર્કસના સુત્રોએ કહ્યુ કે, રજૂઆત મળતા વિસ્તારમાં ક્યાંય લીકેજ હોય તો તપાસ કરાવી રહ્યા છીએ. ફોલ્ટ શોધી નિરાકરણ લવાશે.
ગુજરાતી
English




