કોંગ્રેસના જુથવાદના કારણે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ છે. તાલુકા પંચાયતના કોંગ્રેસના 7 સભ્યોએ કોંગ્રેસની સાથે છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.
કાંકરેજ તાલુકા પંચાયતમાં હાલ કોંગ્રેસનું શાસન છે, પરંતુ કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાતા તાલુકા પંચાયતમાં હવે ભાજપનો ભગવો લહેરાય તો નવાઈ નહીં. ધારાસભ્ય કીર્તિસિંહ સાથે 7 સભ્યો ભાજપમાં જોડતા કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા મોટો ફટકો પડ્યો છે. આ 7 સભ્યો ઉપરાંત બીજા કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે.
લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં આંતરિક જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસમાં એક પછી એક નેતાઓ બળવો કરી રહ્યા છે. કોંગ્રેસના આંતરિક વિખવાદના કારણે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન થાય તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે કોંગ્રેસના નેતાઓમાં લોકસભાની ટિકિટની લાલચ સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. જો આવી જ રીતે કોંગ્રેસની અંદર જુથવાદ ચાલશે તો તેનો મોટો ફાયદો ભાજપને થશે.
એક તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે ચાલી રહેલા કોલ્ડવોરના કારણે ગુજરાત કોંગ્રેસના મોટાભાગના નેતાઓ સંગઠન સામે પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે.