પાટણ, તા.૧૪
રવિ ડુંગળીના તંદુરસ્ત, ફેરરોપણી લાયક અને વધારે ધરુ મેળવવા માટે ડુંગળીના ગાદી ક્યારાને ઉનાળે પાણી આપી પછી ૨૫ માઈક્રોન (એલ.એલ.ડી.પી.ઈ) પ્લાસ્ટિકથી ઢાંકવા. ડુંગળીના બીજને થાયરમ ૭૫ ટકા એસ.ડી.ની ૩ ગ્રામ એક કિ.ગ્રા. પ્રમાણે બીજ-માવજત આપી વાવવા, ધરુ ઊગ્યા બાદ ૧૦ દિવસ પછી થાયરમ ૭૫ ટકા વે પા. ૦.૨ ટકા અથવા કાર્બેન્ડાઝીમ પ૦ ટકા વે.પા. O.૧ ટકા અથવા ટ્રાઇકોડ્રમા હરજીનીયમ ૦.૫ ટકાના દ્રાવણથી ૩ લિટર, ચોરસ મીટર પ્રમાણે નિતારવા. એક હેક્ટરના વાવેતર માટે ૪ થી ૪.૫ ગુંઠા જેટલી જમીન ધરુ ઉછેર માટે પૂરતી છે. આ જમીનમાં બે ટન છાણિયું ખાતર ભેળવી ૩ થી ૪ મીટર લાંબા, ૧ થી ૧.૨૫ મીટર પહોળા અને ૧૫ સે.મી. ઊંચાઈના ગાદી ક્યારા બનાવવા. આ ક્યારામાં ૪ થી પ કિ.ગ્રા. ડી.એ.પી. અને ૩ થી ૪ કિ.ગ્રા. યુરિયા પૂખીને જમીનમાં આપવું. બીજ વાવતા પહેલા એક કિલો બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ થાયરમ ૭૫ ટકા એસ.ડી. દવાનો પટ આપવો. ગાદી ક્યારામાં બે હાર વચ્ચે ૭.૫ સે.મી.નું અંતર રાખી વાવેતર કરવું. વાવેતર બાદ ઝારાથી નિયમિત પિયત આપવું તથા નિંદામણ કરતા રહેવું. બીજના ઉગાવા બાદ ૧૫ થી ૨૦ દિવસ પછી ૧૦ કિ.ગ્રા. એમોનિયમ સલફેટ આપવું. ધરુ જ્યારે ૬ થી ૭ અઠવાડિયાનું થાય ત્યારે અગાઉથી તૈયાર કરેલ ક્યારામાં ૧૦ X ૧૦ સેમીના અથવા ૧૫ x ૧૦ સે.મી.ના અંતરે ફેરરોપણી કરવી. કાંદાની ડુંગળીના પાકમાં મોગરા જોવા મળે એટલે તુરત જ મોગરા ભાંગી નાખવા. મોગરાને કારણે કાંદાની ગુણવત્તા નબળી પડતી હોવાથી અવારનવાર નિયમિત મોગરા ભાંગતા રહેવું.
કાંદામાં આાંતરખેડ અને નિંદામણ કેવી રીતે કરશો? ના સવાલના જવાબમાં ડુંગળીનું વાવેતર ટૂંકા અંતરે થતું હોવાથી આંતરખેડ શક્ય નથી. પરંતુ ૨ થી ૩ વખત હાથ નિંદામણ કરવું. પરંતુ જ્યાં નિંદામણ ખૂબ જ રહેતું હોય અને મજૂરોની અછત હોય તેવા સંજોગોમાં રાસાયણિક રીતે નિંદામણ નિયંત્રણ અસરકારક રહે છે. આ માટે ફલ્યુક્લોરાલીન ૪૫ ઇસી (બાસાલીન) ૪૦ મીલી દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ફેરરોપણીના સાત દિવસ પહેલા જમીનમાં છટકાવ કરવો એટલે કે એક હેક્ટરે ૨ લિટર દવા પ૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જ્ણાય તો એક માસ બાદ ૧ થી ૨ વખત હાથ નિંદામણ કરવું અથવા પેન્ડીમિથાલીન ૩૦ ટકા ઇસી (સ્ટોમ્પ) ૪૦ મિલી દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ફેરરોપણીના ૩૬ કલાકમાં જમીનમાં છટકાવ કરવો અને ફેરરોપણી બાદ ૩૦ દિવસે ક્વિઝાલોફોપ ઈથાઈલ ૫ ટકા ઈ.સી. (ટરગા સુપર) ૧૨.૫ થી ૧૭.૫ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છટકાવ કરવો.