કાયદા પ્રધાને હાઈકોર્ટની કાર્યવાહી સામે ઉઠાવેલા વાંધા બાદ માફી માંગી

અમદાવાદ, તા. 09

રાજ્યનાં કાયદા પ્રધાન સામે થયેલી ઈલેક્શન પિટીશન મામલે આજે તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. પિટીશન કર્યા બાદ તેને કાઢી નાખવાની ચૂડાસમાની દાદને હાઈકોર્ટે ફગાવ્યા બાદ કાયદા પ્રધાને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે હાઈકોર્ટની કામગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો. આ અંગે આજે દલીલો થઈ હતી અને કોર્ટના આદેશના પગલે કોર્ટમાં હાજર થયા બાદ તેમણે હાઈકોર્ટની કાર્યવાહીનાં વાંધા મામલે કોર્ટમાં માફી માંગી હતી. અને હવે આ અરજીની વધુ સુનાવણી ગુરૂવારે હાથ ધરાશે ત્યારે પણ કાયદાપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

કાયદાપ્રધાને હાઈકોર્ટની માફી માંગી

ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જુબાની આપવા હાજર થયા હતા. હાઇકોર્ટે જુબાની માટે ભૂપેન્દ્ર ચૂડાસમા સામે સમન્સ ઈશ્યુ કર્યું હતું. પોતે ગુજરાતીમાં જવાબ આપશે તેવી ચૂડાસમાએ કોર્ટમાં રજૂઆત કરી હતી. ચૂડાસમાએ કોર્ટમાં કહ્યું હતું કે, સોગંદનામું તેમના આસિસ્ટન્ટે તૈયાર કર્યું હતું. કોર્ટમાં માફી માંગીને તેમણે કહ્યું હતું કે, કાયદાપ્રધાન હોઉં તો પણ કોર્ટ અને કાયદાની મર્યાદા મારે જાળવવી જોઈએ.

કોર્ટમાં કાયદાપ્રધાનની ઉલટતપાસ

ગુજરાત હાઈકોર્ટમાં ધોળકા વિધાનસભા બેઠક જીતવાના મામલે થયેલી અરજી સંદર્ભે કાયદાપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા જ્યાં તેમની અરજદારના વકીલ દ્વારા ઉલટ તપાસ કરવામાં આવી હતી. જે અક્ષરશઃ અત્રે પ્રસ્તુત છે.

વકીલઃ મતગણતરી સમયે જાવ છો?

ચૂડાસમાઃ મતગણતરી સમયે હું ક્યાંય જતો નથી. મતગણતરીની પ્રકિયાથી હું વાકેફ છું.

વકીલઃ તે સમયના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની સામે મળેલા પુરાવા અને જુબાનીમાં 298 પ્રશ્ન પૂછાયા હતા, જે જોતા વારંવાર બે દસ્તાવેજનો ઉલ્લેખ થાય છે, જેમાં ઇલેક્શન કમિશનની ગાઇડ લાઈન અને વીડિયો રેકોર્ડિંગ જેવા મહત્વના બે દસ્તાવેજનો ખ્યાલ છે?

ચૂડાસમાઃ ધવલ જાનીની જુબાની મેં વાંચી છે વીડિયો નથી જોયા.

વકીલઃ ચૂડાસમાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટીશન બાબતે કોર્ટમાં ગુણદોષ પર દલીલો થઈ હતી, પરંતુ કોર્ટે  ફગાવી દેવાનું વલણ દાખવતા પરત ખેંચી હતી?

ચુડાસમાઃ હું કોર્ટમાં હાજર ન હતો. પરંતુ મારી લાગણી હતી કે તે વિથડ્રો થાય એટલે પરત ખેંચી.

શું છે સમગ્ર મામલો?

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણપ્રધાન અને કાયદાપ્રધાન છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા. ધોળકા વિધાનસભા બેઠક પર માંડ 327 મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે તેમની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ, ચૂંટણી પંચે પણ કબૂલ્યું હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલાં લેવા પણ જણાવ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર મામલો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરવામાં આવી હતી.