કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહને કાયદા પર વિશ્વાસ નથી – વડી અદાલત

ફરી એક વખત કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો ઉધડો ગુજરાત વડી અદાલતે લીધો છે. 2017ની ગુજરાત વિધાનસભાની ધોળકા બેઠકની ચૂંટણી અંગે થયેલી જાહેર હીતની અરજીમાં રીટર્નિંગ ઓફિસર ધવલ જાનીની જુબાની ચાલી રહી હતી. ત્યારે કોર્ટે એ બાબતને લઇને ટકોર કરી છે કે, ખુદ કાયદા પ્રધાન કાયદા પર વિશ્વાસ નથી, તેવા સોગંદનામા અને એફિડેવિટ તેઓ સુપ્રીમ કોર્ટમાં કરે છે, તો આવા સંજોગોમાં તેઓ કોઈપણ પ્રકારના ડિસ્ક્રિપશ્નરી રીલિઝને લાયક નથી. જેથી રીટર્નિંગ ઓફિસર ધવલ જાનીને ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તુલનામાં ન મૂકી શકાય, એટલા માટે તેમને કાયદામંત્રી કરતા વધારે વિશ્વાસ રીટર્નિંગ ઓફિસર પર છે.

રાજયની ભાજપ સરકારના કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં કરેલાં શોગંદનામાને લઈ વડી અદાલતના ન્યાયાધિશ પરેશ ઉપાધ્યાય અગઉ પણ ભારે નારાજ થયા હતા. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે શિક્ષણમંત્રી ચુડાસમાના વલણથી નારાજ થતાં તીખી આલોચના કરતાં જણાવ્યું કે, હું પાર્લામેન્ટ સામે મહાભિયોગનો સામનો કરવામાં ઓછો અપમાનિત થઈશ. પરંતુ  જો કોઈ એવો આક્ષેપ કરે કે, કોર્ટ કોઈની પાછળ કામ કરે છે તો તે ચલાવી લેવાશે નહીં. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે ભૂપેન્દ્રસિંહના વકીલ ચિત્રજીત  ઉપાધ્યાયને કહ્યું કે, શું તમે ચીફ જસ્ટિસને રજૂઆત કરીને આ મેટર અન્ય બેન્ચ સમક્ષ મુકવા રજૂઆત કરવા માંગો છો? આ કોર્ટમાં પુરી પારદર્શિતાથી  કાર્યવાહી થાય છે. તેની બધાને ખબર છે, મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, નક્કી કરી લો. હું આ મેટરને નોટ બિફોર મી નહીં કરું.

હાઇકોર્ટ જજના  આકરા મિજાજને પગલે ગુજરાતના ન્યાયતંત્રમાં, સરકારમાં અને વકીલઆલમમાં જબરદસ્ત પ્રત્યાઘાત પડયા છે. હાઇકોર્ટ જજની તીખી ટિપ્પણીઓને લઇ ભારે ચકચાર  મચી ગઇ છે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ચૂંટણીમાં મેળવેલી જીતનો કેસ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક  પરથી ભૂપેન્દ્રસિંહની 327 મતે જીત થઈ હતી. ત્યારબાદ તેની સામે લડેલા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે તેમની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. અશ્વિન  રાઠોડે દાવો કર્યો હતો કે, મત ગણતરીમાં કરાયેલી અનિયમિતતાને કારણે જ ભૂપેન્દ્રસિંહ જીત્યા છે. પોસ્ટલ બેલેટ પેપર દ્વારા કરવામાં આવેલા 429 મતોને રિટર્નીંગ ઓફિસરે ગેરકાયદે રીતે ફગાવી દીધા હતા. જેના કારણે ચુડાસમા જીત્યા છે, અન્યથા તેઓ હારી જાત. મત ગણતરીમાં કેટલીક અનિયમિતતા આચરવામાં આવી છે. મત ગણતરીમાં કરાયેલી અનિયમિતતાને કારણે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગેરરીતિ આચરીને ચૂંટણી જીત્યા છે.

ઈવીએમમાં 29 મતો હતા, છતાં તેને ગણતરીમાં લેવાયા નહોતા. તેમણે એમ પણ કહ્યું છે કે, ધોળકા બેઠક પર 1,59,946 મત પડ્યા હતા જ્યારે, મત ગણતરીમાં 1,59,917 મત જ ગણતરીમાં લેવામાં આવ્યા છે, અને તેના પર જ પરિણામ જાહેર કરાયું હતું.  મૂકતા રાઠોડે માંગ કરી છે કે, દરેક રેકોર્ડ કોર્ટ સામે રજૂ થવા જોઈએ અને કોર્ટે ફેર મત ગણતરીનો આદેશ આપવો જોઈએ.

સર્વોચ્ચ અદાલતે ભૂપેન્દ્રસિંહની જીતને પડકારતી અશ્વિન રાઠોડની અરજી રદ કરવાનો ઈન્કાર કર્યા બાદ આ કેસ વડી અદાલતમાં હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.

આ મામલે કોર્ટ મતગણતરી સમયના વીડિયો રેર્કોડિંગની પણ તપાસ કરશે. આગામી દિવસોમાં આ કેસની સુનાવણી ઘણી મહત્વની બની રહેશે.

આ ઉપરાંત રીટર્નિંગ ઓફિસર ધવલ જાનીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, વડાપ્રધાનના કાર્યક્રમમાં વહિવટી વિભાગ વ્યસ્ત હોવાના કારણે કોર્ટે માંગેલા CCTV ફૂટેજ રજૂ નથી થઈ શક્યા, જેના કારણે તેમને CCTV ફૂટેજ મેળવવા માટે થોડો સમય આપવામાં આવે. રીટર્નિંગ ઓફિસર ધવલ જાનીની રજૂઆતના આધારે કોર્ટે આગામી સુનાવણી માટે 8 માર્ચની તારીખ આપી છે. રીટર્નિગ અધિકારી કેમેરાના ફૂટેજ મેળવવા અંગે કંઈક રહસ્ય ઊભું કરી રહ્યા છે.

ન્યાયની દેવડીઓ પણ રાજકીય આટાપાટાનો ભોગ બની રહી હોય તેમ જણાય છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ આ મુદ્દો ચર્ચામાં છે, તેથી ન્યાયાલયોની વિશ્વસનિયતા જાળવવાના પ્રયાસો કરવા જરૃરી હોવાના પ્રત્યાઘાતો પડી રહ્યા છે.