કારના કાચ તોડી કિંમતી સામાન-રોકડ ચોરતી વડોદરાની ગિલોલ ગેંગ ઝડપાઈ

છેલ્લા કેટલાય મહિનાઓથી એસ.જી.હાઈ-વે, બોડકદેવ અને સિંધુભવન રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડી તેમાંથી કિંમતી સામાન-રોકડની ચોરી કરનારી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. વસ્ત્રાપુર પોલીસે વડોદરાના બે કુખ્યાત ગુનેગારોને ઝડપી પાડી તેમની પાસેથી એક લાખ રોકડ, ગુનામાં વાપરેલી બે ગિલોલ, કાર, બે ડીસમીસ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પકડાયલા બંને આરોપીઓ નિર્મલ આહીર ઉર્ફે મંગળ ઉર્ફે પાંડે અને યાકુબ શેખ ઉર્ફે કાજબ ઉર્ફે સલીમ અગાઉ વડોદરા, જુનાગઢ અને પાવાગઢ પોલીસના હાથે ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે.

શહેરના એસ.જી.હાઈ-વે, સિંધુભવન રોડ તેમજ બોડકદેવ વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનામાં કારના કાચ તોડી કિંમતી સામાન-રોકડ ચોરી કરવાના નવ ગુના વસ્ત્રાપુર અને સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. પાંચ મહિનાના ગાળામાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આઠ જેટલા ગુના નોંધાતા પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ હતી. કારના કાચ તોડી ચોરી કરતી ગેંગને શોધી કાઢવા માટે પોલીસે હાથ લાગેલા સીસીટીવી ફૂટેજ અને તપાસના આધારે વડોદરા ખાતેથી એક કાર સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સોને અટકમાં લેવામાં આવ્યા હતા. નિર્મલ ઉર્ફે મંગળ ઉર્ફે પાંડે પ્રવિણભાઈ આહીર (ઉ.41 રહે. પ્રેરણાપાર્ક ફલેટ, સમતા પોલીસ ચોકી પાસે, સુભાનપુરા, વડોદરા) અને યાકુબ ઉર્ફે કાજબ ઉર્ફે સલીમ અહેમદહુસેન શેખ (ઉ.50 રહે. સેફરોન ટાવર, પાદરા રોડ,, તાદલીયા, વડોદરા)ની વસ્ત્રાપુર પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કુલ નવ ગુનાની કબૂલાત કરી છે.

આરોપીઓ પાસેથી પોલીસે લાલ અને કાળા રંગની બે ગિલોલ, કાર, 1 લાખ 750 રૂપિયા રોકડા, બે ડીસમીસ, બે મોબાઈલ ફોન અને ત્રણ પર્સ મળી આવ્યા છે. પોલીસે કબ્જે લીધેલા રોકડ રૂપિયા ચોરીના હોવાનું સામે આવ્યું છે. વસ્ત્રાપુર પોલીસે બંને આરોપીની ચોરીના ગુનામાં ધરપકડ કરી અન્ય મુદ્દામાલ કબ્જે લેવા તજવીજ હાથ ધરી છે.