અમદાવાદના કાર ચાલકને ટ્રાફિક પોલીસ હેલમેટ વગર વાહન ચલાવવાનો મેમો આપી દંડ વસૂલ કર્યો હતો. ટ્રાફિક ઝુંબેશના નામે રસ્તા ઉપર ઉતરી પડતી પોલીસ જાણે આતંકવાદીને પકડવા આવી હોય તેવો વ્યવહાર વાહન ચાલકો સામે કરે છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલ કરો ઝુંબેશમાં પ્રમાણભાન પણ રહેતું નથી.
અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા ચંદ્રકાંત દેસાઈ પોતાની કાર લઈ સેટેલાઈટ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે તમને ટ્રાફિક પોલીસના ધાડાનો ભેટો ઉમિયા હોલ પાસે થઈ ગયો હતો. સ્થળ ઉપર હાજર પોલીસને જ્યારે ચંદ્રકાંત દેસાઈ પોતાની કાર કેમ રોકવામાં આવી તેવો સવાલ કર્યો ત્યારે પોલીસે કહ્યુ કે કારના સાઈડ ગ્લાસ ઉપર કાળી નેટ લાગેલી છે તેનો દંડ ભરવાનો રહેશે. ચંદ્રકાંત દેસાઈએ કહ્યું કે સાઈડ ગ્લાસ ઉપર ફિલ્મ લાગેલી હોય તો તે ગુનો બને છે પણ આ ફિલ્મ નથી પણ નેટ છે. જેને RTOએ પણ માન્યતા આપી છે. જો કે સ્થળ ઉપરના ટ્રાફિક પોલીસના મહિલા અધિકારી કોઈ વાત સમજવા તૈયાર નહોતા અને દંડ ભરી દેવા આગ્રહ કરી રહ્યા હતા.
અન્ય પોલીસ અધિકારીઓ પણ ત્યાં આવ્યા હતા અને તેમણે દંડ ભરી દો કહી ધમકાવવાની શરૂઆત કરી હતી. આખરે ચંદ્રકાંતભાઈને અંદાજ આવ્યો છે ઝુંડમાં નીકળેલી પોલીસ સામે દલીલ કરવાનો કોઈ અર્થ નથી. એટલે તેમણે દંડ ભરી દેવાની તૈયારી બતાડી લાઇસન્સ પોલીસને સોંપ્યુ હતું. જો કે પોલીસ અધિકારીના હાથમાં લાઇસન્સ હોવા છતા પોલીસને અંગ્રેજી વાંચતા આવડતુ નહોતું અને પોલીસ નામ સરનામા સહિતની તમામ વિગતો પૂછી રહી હતી. પણ આશ્ચર્ય ત્યારે થયું કે ચંદ્રકાંત દેસાઈના હાથમાં મેમો આવ્યો તેમાં હેલમેટ વગર વાહન ચલાવવાનો દંડ લેવામાં આવ્યો હતો. ત્યારે તેમણે પોલીસ અધિકારીને કહ્યું કે તેઓ કાર ચાલક છે તેમાં હેલમેટનો દંડ કેવી રીતે હોય.
પણ પોલીસે તેમની કોઈ વાત સાંભળ્યા વગર તેમને ત્યાંથી તગેડી મૂક્યા હતા. હવે આ મેમો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની મુર્ખામી સામે આવી છે.