કાર હટાવવાના મુદ્દે તોડફોડ કરી 3 લાખ રોકડ ભરેલી બેગ લઈને બે શખ્સો ફરાર લોડિંગ ટેમ્પોચાલક સહિત બે શખ્સો સામે ફરિયાદ

કાર હટાવવાના મુદ્દે તોડફોડ કરી 3 લાખ રોકડ ભરેલી બેગ લઈને બે શખ્સો ફરાર
લોડિંગ ટેમ્પોચાલક સહિત બે શખ્સો સામે ફરિયાદ

અમદાવાદ, તા.8

મેમ્કો કલ્યાણનગરની ચાલી ખાતે કાર હટાવવાના મુદ્દે લોડિંગ ટેમ્પોચાલક સહિત બે શખ્સોએ કારખાનાના માલિક સાથે ઝઘડો કરી કારના કાચ ફોડી નાખી ત્રણ લાખ ભરેલી બેગની લૂંટ કરી ફરાર થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. શહેરકોટડા પોલીસે આ મામલે વિનોદ ખટિક અને અન્ના નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.

નવા નરોડા મિરાજ સિનેમા પાસે સ્પંદન બંગલોઝમાં રહેતા સુમિત અશોકકુમાર ગુપ્તા મેમ્કો કલ્યાણનગરની ચાલી ખાતે શુભલક્ષ્મી મોલ્ડિંગ વર્કસ નામથી ટેક્સટાઈલ મશીનના પાર્ટ્સ બનાવે છે. ગઈકાલે સોમવારે સાંજે સુમિત ગુપ્તાની કાર કારખાના આગળ પડી હતી. આ સમયે વિનોદ નાગજીભાઈ ખટિક લોડિંગ ટેમ્પો લઈને આવ્યો હતો. રસ્તામાં પડેલી કાર હટાવવાના મુદ્દે ઝઘડો થતા વિનોદ ખટિકે ગાળાગાળી કરી મૂકી હતી. દરમિયાનમાં વિનોદની સાથે આવેલા અન્નાએ લાકડી લઈને કાર પર ફટકા મારી તમામ કાચ ફોડી નાખ્યા હતા. સુમિત ગુપ્તા અને તેમનો ભાઈ અક્ષય વિનોદ ખટિકને સમજાવવા ગયા, તે સમયે કારમાં પડેલી બેગ લઈને વિનોદ અને અન્ના નાસી છૂટ્યા હતા. બેગની અંદર 3 લાખ રોકડ, ચેકબુક તેમજ અગત્યના દસ્તાવેજ હતા. આ ઘટના બનતાં સુમિત ગુપ્તાએ પોલીસને જાણ કરતાં શહેરકોટડા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ફરાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે.