કિડની હોસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં અંગદાન કરનારના 60 દાતાના પરિવારજનોનું બહુમાન કરાયું

ગુજરાત મેડીકલ સેવાઓને કારણે દેશ-વિદેશમાં ઘણી નામના ધરાવે છે. પરંતુ અંગદાનના મુદ્દે આપણે હજુપણ ઘણાં પાછળ છીએ. દર વર્ષે આપણે દર વર્ષે કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટના 350 થી 400 દર્દીઓનું લાબુંલચક વેઈટીંગ લીસ્ટ હોય છે. જેની સામે માત્ર 200 250 જેટલા અવયવદાન મળે છે. આમ આ દિશામાં આપણે હજુ ઘણી લાબીં મજલ કાપવાની છે. મંગળવારે કિડની હોસ્પિટલ ખાતે આયોજીત વિશ્વ અંગદાન દિન નિમિત્તે અંગદાન કરનાર દાતાઓના પરિવારજનોના બહુમાન માટે યોજાએલ  એક કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે આમ જણાવ્યું હતું.

ભાવનગરમાં રહેતા એડવોકેટ હિમાંશુ વોરા તેમની પત્ની અને 10 વર્ષના દિકરા મનન સાથે દિવ ખાતે ફરવા ગયા હતાં. જયાં હોટલની અંદર ઓશિકા નીચે છુપાયેલો સાપ તેમના દિકરા મનનને કરડયો હતો. જ્યાંથી તેઓ તુરંત જ મનનને લઈને ભાવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલમાં લાવ્યા હતાં. પરંતુ ડોકટરોએ મનનને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. આવા સંજોગોમાં હિમાંશુભાઇ અને તેમના પરિવારે મનનનું અંગદાન કરવાનું નક્કી કર્યું હતું.

આવા જ એક અન્ય કિસ્સામાં જૂનાગઢના વિસાવદર ખાતે રહેતા અલ્પેશભાઈ લાખાણીની 1 વર્ષની દિકરી ગ્રેસીએ રમતાં રમતાં  સીંગદાણો નાકમાં નાંખતા તે સીંગદાણો શ્ર્વાસનળીમાં ફસાઈ ગયો હતો.. જેથી અલ્પેશભાઈ ગ્રેસીને લઈને તુરંત જ રાજકોટની મા શારદા હોસ્પિટલમાં લઈ ગયા હતાં. પરંતુ ડોકટરોએ તેને બ્રેઈન ડેડ જાહેર કરી હતી. ત્યારે લાખાણી પરિવારે પણ ભારે હ્રદયે ગ્રેસીના અંગદાન કરવાનું નકકી કરતાં કિડની હોસ્પિટલ ખાતે તેના અવયવનું દાન કરવામાં આવ્યું હતું.

આજે વલ્ડ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે કિડની હોસ્પિટલ દ્વારા આ પ્રકારે અવયવદાન કરનાર 60 દાતાઓના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડો.વિનીત મિશ્રા કહે છે કે, અમારી હોસ્પિટલમાં કિડની અને લીવરના 300 થી 400 દર્દીઓનું લાંબુ વેઈટીંગ લીસ્ટ છે. પરંતુ તેની સામે અમને માત્ર 100 જેટલા કેડેવર ઓર્ગન ડોનેશનમાં મળે છે. આ દિશામાં વધુ જાગરૂકતા લાવવાની જરૂર છે. આથી વધુ મહત્વની વાત છે કે મોટેભાગે અમારે દર્દીને જરૂરી અવયવ આપવા માટે તેના પરિવારજનોમાંથી જ કોઈનું અવયવ દાન લેવું પડે છે. જો કેડેવર ડોનેશન પ્રત્યે લોકોમાં જાગરૂકતા આવે તો જીવીત વ્યકિતમાંથી અંગદાન લેવાની જરૂર પડે નહિ.

તેઓ ઉમેરે છે કે છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો વર્ષ 2016માં 241 અંગદાન જીવીત વ્યકિતમાંથી જ્યારે 103 ઓર્ગન કેડેવરમાંથી મેળવ્યા છે. 2017માં 239 ઓર્ગન જીવીત વ્યકિતમાંથી અને 106 ઓર્ગન કેડેવરમાંથી મેળવ્યા હતા. જ્યારે વર્ષ 2018 256 ઓર્ગન જીવીત વ્યકિતમાંથી અને 94 ઓર્ગન કેડેવરમાંથી મેળવ્યા હતા. આમ હજુપણ મોટાભાગનું અંગદાન જીવીત વ્યકિતમાંથી મળે છે.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે કહ્યુ છે કે, કિડની હોસ્પિટલ દેશના મોટા ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરોમાંથી એક છે. ઓર્ગન ડોનેશનની દિશામાં જાગરૂકતા લાવવા સરકાર ભરચક પ્રયત્નો કરી રહી છે. આજકાલ ઓનલાઈનનો જમાનો છે. જો લોકો અંગદાન કરવાનો નિશ્રય કરે તો તેનું ફોર્મ પણ ઓનલાઈન ઉપલબ્ધ છે. તબીબી ક્ષેત્રે આટલા આગળ વધ્યા છતાં આપણે જીવીત વ્યકિતના શરીરમાંથી અંગ મેળવીને દર્દીનો જીવ બચાવવો પડે એ ચિંતાનો વિષય છે.

વર્ષ જીવીત વ્યકિતમાંથી મળેલ ઓર્ગન ડોનેશન કેડેવરમાંથી ઓર્ગન ડોનેશન
2016 241 103
2017 239 106
2018 256 94

………………………………