ટેન્ડર મેળવવા ખાનગી સંસ્થાઓ ભાવની કોમ્પિટીશનમાં નીચા ભાવ ભરી દેશે, પરંતુ દરદીઓને મળનારી સેવાઓ કે ડાયાલિસિસની ક્વોલિટી કથળી જવાની સંભાવનાઃ ધીરે ધીરે તમામ સેન્ટરોની જવાબદારી ખાનગી કંપનીઓને સોંપી દેવાય તેવી શંકા
ગુજરાતમાં 37 સેન્ટર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે, ડાયાલિસિસના સરકાર રૂા.2000 અને દરદીને આવવા જવાના રૂા. 300 ચૂકવે છે. ખાનગી કંપનીઓ આ કામગીરી નિષ્ઠાથી કરી શકે તે અંગે આશંકા
અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં 37થી 45 જેટલા ડાયાલિસિસ સેન્ટરો ધરાવતી ગુજરાત સરકારે નવા પાંચ સેન્ટર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપને ધોરણે ચલાવવાનું આયોજન કર્યું છે. આ માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે પરિવાર કલ્યાણ વિભાગે ટેન્ડર પણ બહાર પાડ દીધા છે. ટેન્ડર ડોક્યુમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ હેઠળ રજિસ્ટ્રેશન ધરાવતી કંપનીઓ સ્પર્ધાત્મક ભાવે ટેન્ડર ભરી શકે છે. આ જ રીતે હોસ્પિટલ, ટ્રસ્ટ, સોસાયટીઓ અથવા સરકારી ગ્રાન્ટ મેળવતા એસોસિયેશનોને ત્રણ વર્ષનો આ કામનો અનુભવ હોય તો તેઓ તે માટે અરજી કરી શકે છે. તેમણે ત્રણ વર્ષ સુધી ડાયાલિસિસ સેન્ટર ચલાવેલું હોવું જરૂરી છે. વડનગર, ગોત્રી, સાવરકુંડલા, વાપી, લૂણાવાડા જેવા વિસ્તારોમાં ગુજરાત સરકાર ડાયાલિસિસ કરી આપવા માટેના નવા સેન્ટરો ચાલુ કરવા માગે છે.
ટેન્ડર ડોક્યુમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (નેશનલ હેલ્થ મિશન) હેઠળ ડાયાલિસિસ સેન્ટર ચલાવવામાં તેઓ મદદ કરી શકે તેમ હોવા જરૂરી છે અને ડાયાલિસિસના સેન્ટરો સ્થાપવાને પણ સક્ષમ હોવા જરૂરી છે. નેશનલ હેલ્થ મિશન હેઠળ ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં તેઓ ડાયાલિસિસ સેન્ટર ચલાવવાને સક્ષમ હોવા જોઈએ. ટેકનિકલ અને ફાઈનાન્શિયલ બંને પ્રકારના બીડ મંગાવવામાં આવ્યા છે. ટેકનિકલ બીડમાં સફળ થનારાઓને જ ફાઈનાન્શિયલ બીડમાં સ્થાન આપવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. આ ટેન્ડર 5મી ઓગસ્ટે સાંજે છ વાગ્યા સુધીમાં ઓનલાઈન બીડિંગ કરી દેવાનું રહેશે. તેમ જ ફિઝિકલ કોપી આપવા માગનારાઓ છ ઓગસ્ટના બપોરે બે વાગ્યા સુધીમાં તેમના ટેન્ડર સબમિટ કરી દેવાના રહેશે.
ડાયાલિસિસ સેન્ટરનો મોડેલ પ્રોજેક્ટ તૈયાર કરીને આખા દેશમાં પણ તે લાગુ કરવાનું આયોજન હોઈ શકે છે. હેલ્થ કમિશનર જયંતિ રવિએ બહાર પાડેલા આ ટેન્ડરમાં ડાયાલિસિસ માટેની મશીનરી સાથેના સેન્ટર તથા મશીનરી વિનાના સેન્ટર ચાલુ કરવા માટે આમંત્રણ આપ્યું છે. આ જ રીતે સેન્ટર ચલાવવા માટેના સ્ટાફ સાથે કેટલો ખર્ચ થાય તે અંગેનું ટેન્ડર મંગાવવામાં આવ્યું છે.
પ્રોબ્લેમ અહીંથી જ શરૂ થવાની સંભાવના હોવાનું જાણકારોનું કહેવું છે. ટેન્ડર મેળવવા માટે કંપનીઓ આરંભમાં કદાચ બહુ જ નીચા ભાવ ભરીને ટેન્ડર મેળવી લે તેવી સંભાવના છે. પરંતુ ટેન્ડર મેળવી લીધા પછી સેન્ટર ચાલુ કરીને દરદીઓને સેવા આપવામાં ગલ્લાંતલ્લાં કરી શકે છે. જાણકારોનું કહેવું છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસ ગઢમાં આ પ્રકારના આયોજનો નિષ્ફળ ગયા છે. ગુજરાત સરકાર તરફથી ડાયાલિસિસ કરી આપનારા સેન્ટરને દરદી દીઠ રૂા. 2000 અને રૂા. 300 પેશન્ટને આવવા જવાના ખર્ચ પેટે ચૂકવવામાં આવે છે. મા કાર્ડ હેઠળની યોજનામાં આ સુવિધા ડાયાલિસિસના દરેક દરદીઓને ગુજરાત સરકાર આપી રહી છે.
ડાયાલિસિસની સારવાર આપવા માટેની દરદીઓની કીટની કિંમત અંદાજે રૂા. 900ની આસપાસની છે. હવે ખાનગી કંપનીઓ ટેન્ડર મેળવવા માટે નીચા ભાવ ભરી દે તેવી સંભાવના છે. પરંતુ દરદીઓ તેમને ત્યાં જાય તો તેમને વ્યવસ્થિત સારવાર જ ન આપે તેવી સંભાવના છે. સરકારી સેન્ટરોમાં પણ એક કીટ પાંચેક વાર ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું કહેવાય છે. પરંતુ ઓછી કિંમતના ટેન્ડર ભરનારાઓ આ જ કીટને 12 વાર ઉપયોગ કરીને તેનું કોસ્ટિંગ નીચે લાવવાની કોશિશ કરશે. પરિણામે ડાયાલિસિસના દરદીઓને ગમે ત્યારે એચઆઈવી કે પછી હેપેટાઈટિસ સી થઈ જવાનો ખતરો રહેલો છે. ભૂતકાળમાં આ પ્રકારે કામ કરતી એક કંપનીને હૈદરાબાદમાં બ્લેકલિસ્ટ પણ કરવામાં આવી હોવાનું ચર્ચામાં છે. ઇન્ડિયન સોસાયટી ઓફ નેફ્રોલોજી આ કીટના પાંચવાર ઉપયોગ કરવાની બાબતને માન્ય પણ રાખે છે. તેમ કરવાથી પેશન્ટદીઠ ખર્ચ ઘટી શકે છે.
ડાયાલિસિસ માટેના એક મશીનની કિંમત અંદાજે રૂા.6થી 7 લાખની છે. તેમ જ કીટની કિંમત રૂા. 900ની આસપાસની છે. તદુપરાંત સેન્ટરમાં નર્સ અને ડોક્ટર રાખવાનો ખર્ચ પણ આવી શકે છે. ડાયાલિસિસની પ્રક્રિયા માટે જોઈતું અને રિવર્સ ઓસ્મોસિસની પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવેલું પાણી પણ જરૂર પડે છે. એક ડાયાલિસિસ માટે આ પાણી મેળવવાનો રૂા. 30ની આસપાસનો ખર્ચ આવે છે. તેવી જ રીતે ડાયાબિટીસના દરદીને ડાયાલિસિસ પર લેતા પહેલા તેના બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. આ બ્લડ ટેસ્ટનો મિનિમમ ખર્ચ રૂા. 200થી 250નો આવી શકે તેમ હોવાનું લેબોરેટરીના જાણકારોનું કહેવું છે. તેવી જ રીતે ડાયાલિસિસ પર લેવામાં આવેલા દરદીઓને એરિથ્રોપોએટીન નામની દવા આપવી પડે છે.ડાયાલિસિસ દરમિયાન તેના હિમોગ્લોબિનનું લેવલ ઘટી જાય છે. તેમાં રિકવરી આવે તે માટેની આ દવા આપવાનો અંદાજે રૂા. 150નો ખર્ચ આવે છે. હિમોગ્લોબિનનું લેવલ વધારવા માટે દરદીને આ પ્રક્રિયા દરમિયાન આયર્ન સુક્રોસના ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. તેની પાછળ પણ અંદાજે રૂા. 50નો ખર્ચ થઈ શકે છે. સેન્ટરના મેનપાવર અને ડોક્ટરની વિઝિટનો ખર્ચ પણ તેમાં ઉમેરો કરશે.
આ તમામ સ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારે નિશ્ચિત કરેલા ભાવથી ઓછા ભાવ ભરનારાઓ વ્યવસ્થિત સેવા પૂરી પાડી શકશે કે કેમ તે અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સેન્ટરને 14થી 15 કલાક ચલાવવામાં આવે તો દિવસમાં એક મશીન પર ત્રણ ડાયાલિસિસ થઈ શકે છે. આ સંજોગોમાં નીચા બિડિંગ કરીને ટેન્ડર ભરનારાઓ યોગ્ય કે વ્યવસ્થિત સેવા આપી શકશે કે કેમ તે અંગે ખાસ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.