કુંભાસણની છાત્રાએ રાજ્ય કક્ષાની જુડોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

પાલનપુર, તા.૧૭

પાલનપુરના કુંભાસણ ગામની ધ્વની રાજેશકુમાર પટેલે 10 વખત રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ અગાઉ પણ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. તાજેતરમાં વડોદરા ખાતે રાજ્યકક્ષાની જુડો કરાટેની મેચમાં ગોલ્ડ મેડલ મેળવી જિલ્લા તેમજ સમાજનું ગૌરવ વધાર્યું છે.

કુંભાસણ ગામની ધ્વની પટેલ ધાણધાની સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. પિતા રાજેશકુમાર પટેલ ધાણધાની સરકારી શાળામાં વ્યાયામ શિક્ષક છે. પિતાની દેખરેખ નીચે તૈયાર થયેલી દીકરીએ પિતાની છાતી ગજગજ ફૂલે તેવું કાર્ય કર્યું છે. વડોદરા ખાતે રાજ્ય કક્ષાની જુડોની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ(પ્રથમ) મેળવ્યો છે. ધ્વનિએ ખેલ મહાકુંભ, સ્કૂલ ગેમ, ફેડરેશન ઓફ જૂડોમાં રાજ્ય લેવલે કુલ-18 ગોલ્ડ મેડલ મેળવેલ છે સાથે નેશનલમાં 10 વખત પાર્ટીસિપેટ કરેલ છે. તેમાં તેણે બ્રોન્ઝ મેડલ, સિલ્વર મેડલ મેળવેલ છે. આગામી સમયમાં મણિપુર ખાતે યોજાનાર નેશનલ જુડો ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જશે.

ધ્વનીના પિતા રાજેશકુમાર પટેલે જણાવ્યું હતું કે ‘હું સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું તે જ શાળામાં મારી દીકરી પણ અભ્યાસ કરે છે. તેની રમત-ગમતની રૂચિ જોતા તેણે તેનું કેરિયર ખેલકૂદ ક્ષેત્રે જ બનાવવાનું નક્કી કર્યું હતું. ધ્વનીએ પોતાનું લક્ષ્ય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓલમ્પિકમાં જુડો કરાટેમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાનું હોવાનું જણાવ્યું હતું.’

કુંભાસણ ગામની ધ્વનીએ 10 વખત રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.