કોંગ્રેસ છોડીને માત્ર ચાર જ કલાકમાં પ્રધાન બનેલા કુવંરજી બાવળીયાનો વિવાદ પીછો છોડતો નથી. તે જ્યાં જાય છે ત્યાં હંમેશને માટે વિવાદ ઊભા થતા હોય છે. થોડા અઠવાડિયા પહેલા તેઓ વરસાદ ગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા ત્યારે મહિલાઓએ તેમને ભગાડયા હતા. મહિલાઓએ તેમને મોઢા પર કહી દીધું હતું કે જ્યારે તમારે કામ હોય ત્યારે મત માંગવા આવો છો. હવે અમારી મુશ્કેલીઓ સાંભળતા નથી. મહિલાઓએ તેમની સામે જોરદાર વિરોધ કર્યો હતો. ખુદ જસદણમાં પણ કુંવરજી બાવળિયા સામે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ વિરોધ કરી રહ્યા છે. કારણ કે તેઓ હવાઈ છત્રીથી સીધા જ અહિયા મિનિસ્ટર બનીને આવી ગયા છે. જે ભાજપના નેતાઓ સહન કરી શકે તેમ નથી.
તાજેતરમાં જસદણ કોળી સમાજ ના આગેવાન અને વેપારી ની હત્યાના પડઘા સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા હોવાથી તેથી ત્યાં દોડી જવું પડ્યું હતું. લોકોનો આક્રોશ જોઈને તેમણે એવું કહ્યું હતું કે હું અંગે સરકારમાં રજૂઆત કરીશ. પરંતુ તેઓ સરકારમાં છે જ અને પોતે જ આ અંગેનો નિર્ણય લઈ શકે છે. છતાં તેમણે ત્યાં આ વાત કરતા લોકોનો રોષ જોઈને એવું પણ કહ્યું હતું કે સત્તા છોડવી પડે તો સત્તા પણ છોડી દઈશ. પણ સરકારમાં રજૂઆત કરીશ. હું તમારી સાથે ઉભો રહીશ. બસ આટલું જ કહેતા લોકોમાં આક્રોશ ઊભો થયો હતો અને લોકો ખાનગીમાં એવું કહેવા લાગ્યા હતા કે 30 વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ પક્ષાંતર કરતા હોય તો પોતાના સમાજ માટે પણ દગો દેતા અચકાશે નહીં. સભામાં બેઠેલા લોકોએ સ્પષ્ટ પણે કહ્યું કે તમે તો સરકારમાં છો તમે કહી શકો છો. ગૃહ મંત્રી પ્રદીપ જાડેજાને કહી શકો છો. તમે પોતે તો સરકાર છો. કેમ કંઈ કરતાં નથી.