કુંવરજીના હરીફ બોઘરાનો કાંટો કાઢી માર્ગ સાફ કરવા કાવાદાવા

જસદણના ભાજપના પ્રમુખ દિનેશ હિરપરાએ પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાને સસ્પેન્ડ કરવા પક્ષની બહાર જઈને સોશ્યલ મિડીયામાં જાહેર કર્યું છે. જસદણના પૂર્વ ધારાસભ્ય બોઘરાએ પાર્ટી વિરૂધ્ધ કેટલું અને કેવું કામ કર્યું છે તેનો આ એક પુરાવો જાહેર કર્યો હતો. આવા અનેક પુરાવા તેમની પાસે હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે. રોજ એક પુરાવો રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં લેવામાં આવેલાં કુવરજી બાવળીયાની ચૂંટણીમાં કેટલું અને કેવું પાર્ટી વિરૂધ્ધનું કામ કર્યું છે તેના આ પુરાવા રજુ કરવામાં આવી રહ્યાં છે. બોઘરાના લોકો રોજ રાત્રે કોંગ્રેસના આગેવાનાના સંપર્કમાં હતા. રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જસદણ પાલિકાના કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષ દિનેશ હિરપરાને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા હતા. દિનેશ હિરપરાએ પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાને સસ્પેન્ડ કરવા સોશ્યલ મિડીયામાં જાહેર કર્યું છે.
નગરપાલિકામાં વિખવાદ
જસદણમાં ભાજપ શાસિત નગર પાલિકામાં વધુ એક સભ્યએ રાજીનામું આપી દીધું છે. બે દિવસમા બે સભ્યોનાં રાજીનામા પડ્યા છે. અગાઉ પણ એક સભ્યએ ભ્રષ્ટાચાર અને કૌભાંડનાં આક્ષેપો કરીને રાજીનામું આપ્યું હતું. પૂર્વ ચેરમેને પૂર્વ ધારાસભ્ય સામે તીર તાકયું હતું. જસદણ નગરપાલિકાના ભાજપ સદસ્ય મીઠા છાયાણીના રાજીનામા બાદ સભ્ય કાજલ ઘોળકિયાએ પોતાનું રાજીનામું આપ્યું હતું. ભાજપના સભ્યોના ગ્રુપો બની ગયા છે. ભાજપના 28માંથી 23 સભ્યો ચૂંટાયા છે.
પ્રજાહિતના કામો કરવાના બદલે ભાજપના સભ્યો વચ્ચેના ઝઘડા વધી ગયા છે. પાલિકા પ્રમુખ જીજ્ઞેશ હિરપરા સામે ભાજપના મહિલા સભ્ય વર્ષા સખીયાએ આરોપો મૂક્યા હતા. ચોમાસા દરમિયાન માટીના ફેરામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ ખુલ્લો આક્ષેપ કરાયો હતો.
આમ જસદણ ભાજપમાં કુંવરજીના આવ્યા બાદ આંતરિક વિખવાદો અને રાજકારણ વધી ગયા છે. તેથી તેને આયાતી એવા કુંવરજી બાવળીયા પણ સંભાળી શકતા નથી. લોકો હવે જસદણના ગંદા રાજકારણથી કંટાળી ગયા છે. હવે બોઘરા સામે પણ આવા આરોપો મૂકીને તેમને ભાજપમાંથી દૂર કરીને કુંવરજી બાવળીયાનો કાંટાળો રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે.