કુંવરજી બાવળિયાએ હોસ્પિટલમાં લીધી સારવાર, કેબિનેટ મિનિસ્ટર પણ ડેન્ગ્યૂના ડંખની ઝપેટમાં

રાજકોટમાં કોર્પોરેશનની બેદરકારીનો ભોગ લાખો લોકો બની રહ્યા છે, પરંતુ હવે ખુદ જસદણ-વીંછિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ડેન્ગ્યૂના ડંખનો ભોગ બન્યા છે.

કુંવરજી બાવળિયાને સામાન્ય તાવ આવતાં તેમણે તાત્કાલિક નિદાન કરાવ્યું હતું, જેમાં ડેન્ગ્યૂની અસર જણાતાં તેમને રાજકોટની સદભાવના હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ડોક્ટર્સ દ્વારા તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. બાવળિયાને ડેન્ગ્યૂની અસર થઈ હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલતાં તેમની અંગત વ્યક્તિ દ્વારા આ અંગે ચોખવટ કરવામાં આવી હતી. જેમણે જણાવ્યું કે કુંવરજી બાવળિયાને ડેન્ગ્યૂના તાવની કોઈ અસર નથી, સામાન્ય તાવ હોવાથી સદભાવના હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે રાજકોટમાં હજારો લોકો ડેન્ગ્યૂની ઝપેટમાં આવી ગયા છે, જેમાંથી અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. શહેરના નાગરિકોમાં કોર્પોરેશન દ્વારા યોગ્ય સફાઈ અને રોગચાળાને ડામવા માટે યોગ્ય કાર્યવાહી ન કરાઈ હોવા અંગે ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે.