કુપોષણ મુક્ત બનાવવાના સપનાઓ વચ્ચે મધ્યાહન ભોજનના રસોડામાં બે માસથી ચણા જ નથી

હળવદ,તા ૧૯
હળવદના ચરાડવા ગામે બે માસ અગાઉ સડેલા ચણા અપતાં હોવાનો ઘટસ્ફોટ થયા બાદ તંત્ર દ્વારા સડેલા ચણાનો જથ્થો જપ્ત કરી નવો જથ્થો આપવાના વચનો આપવામાં આવ્યાં હતાં. જો કે તંત્ર દ્વારા હરહેમેશ અપાતા ઠાલા વચનોની જેમજ ચણા આપવાની ખાત્રી પણ વાતો જ સાબિત થિ છે. આજે બે માસ વિતવા છતાં પણ મધ્યાહન ભોજનમાં ચણા આપવામાં આવતા નથી અને મધ્યાહન ભોજનમાં નાસ્તો હજુ તો બાળકોએ જોયો પણ નથી ત્યારે જવાબદાર તંત્ર એકબીજાને ખો આપી જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું છે પરંતુ ખરેખર આવી જ રીતે કુપોષણ મુક્ત ગુજરાત બનશે ??

ગુજરાતમાં બાળકને કુપોષણ મુક્ત બનાવવાના સરકારના અભિગમ માત્ર કાગળો પર હોય તેવું લાગી રહ્યું છે એકબાજુ તાલુકાના ચરાડવા ગામના ગોકુળિયા વિસ્તારનો બે મહિના પહેલાં સડેલા ચણાનો ભાંડો ફૂટ્યો હતો ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સડેલા ચણાનો જથ્થો જપ્ત કરી સેમ્પલ લેવાયાં હતાં. સેમ્પલ લીધા બાદ નવો ચણાનો જથ્થો આપવાનો ગ્રામજનોને વચન આપવામાં આવ્યું હતું પરંતુ આજે બે માસ વિતવા છતાં મધ્યાહન ભોજનના રસોડામાં ચણાનો જથ્થો મળ્યો જ નથી જ્યારે જવાબદાર તંત્ર દ્વારા ચણા બદલી આપવાના વચનનુ શું ?

મોરબી જિલ્લાના હળવદ ખાતે આવેલા અનાજ પુરવઠા નિગમના ગોડાઉનમાં આજે પણ સડેલા ચણાનો જથ્થો સલામત છે તો સડેલા ચણા બદલાવા માટે કોની લાજ કાઢવી પડે છે.જ્યારે આ સડેલા ચણા અંગે મોરબી એસડીએમ પણ કાગળો લખીને થાક્યાં છતાં પણ ગાંધીનગર ખાતે બે માસ વિતવા છતાં પણ કાગળોનો જવાબ આપવામાં આવ્યો નથી ત્યારે એકબાજુ કુપોષણ મુક્ત બનાવવાના સરકારના નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે મધ્યાહન ભોજનમાં બે માસથી ચણા નથી આપવામાં આવતા અને મધ્યાહન ભોજનમાં નાસ્તો આપવામાં આવતો જ નથી તેવું વાલીએ જણાવી સનસનાટી મચાવી દીધી હતી.