દ્વારકાના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે દ્વારકામાં કલેક્ટર રાજ નહીં પણ કંપનીઓનું રાજ ચાલે છે. રિલાયન્સ પેટ્રોલિયમ રિલાયન્સ વીમા કંપની, ટાટા કંપની, પવનચક્કી કંપની, રોડ બનાવતી કંપનીઓ, જમીન સરવે કરતી કંપની, વીજ કંપની સાથે હવે કંપની રાજ શરૂ થયું છે. અહીં ખેડૂતોને કંપનીઓ દબડાવી રહી છે. તેથી આ પ્રશ્નો ઊકેલી આપો. એવી લેખિતમાં રજૂઆત કરી હતી.
દ્વારકા જિલ્લો કુદરતી ભૌગોલિક સ્થિતિએ રાજ્યનો છેવાળાનો જીલ્લો છે પણ સરકાર અને તંત્રની કામગીરીએ સાબિત કરી દીધું છે કે આ જિલ્લો માત્ર ભૌગોલિક રીતે જ છેવાડે નથી પણ સરકારી કામગીરી, સરકારી યોજનાઓમાં પણ એનાથી 1000 ગણું વધારે પછાતપણુ છે સરકારની દરેક ખેડૂતલક્ષી યોજનાઓમાં ખેડૂત નામનો જ રહે છે જિલ્લાના 2 લાખ કરતા પણ વધારે ખેડૂતોના પ્રશ્નો ઠેરના ઠેર રહે છે જ્યારે સરકાર અને તંત્ર ગણીગાંઠી કંપનીઓને હંમેશા લાલ જાજમ બિછાવી પાળતી પોસતી આવી છે જીલ્લાના ખેડૂતો અનેક પ્રશ્ને પીડાઈ રહ્યા છે જેમ કે
1) પ્રધાનમંત્રી પાકવીમાં યોજના મુજબ પાકવિમો ખેડૂતોનો હક્ક છે ખેડૂતોએ સમય મર્યાદામાં વીમા પ્રીમિયમ ભર્યું છે, વીમા કંપનીઓ ક્રોપ કટિંગ કરી દરેક ગામ મુજબ એના આંકડા પણ સરકારમાં અને સરકારે વીમા કંપનીમાં અરસપરસ જમા કરાવી દીધા બાદ વીમા કંપની દ્વારા જિલ્લામાંથી કુલ 269 ક્રોપ કટિંગ શંકાસ્પદનું નાટક કરી વીમો ન આપવાનું તરકટ રચ્યું જેમાં ખેડૂતોની જાગૃતતાના કારણે વીમા કંપની ખુદ ફસાઈ અને સરકારને વીમા કંપનીના દાવા રદ્દ કરવાની ફરજ પડી. દ્વારકા જિલ્લામાં અછતગ્રસ્ત પરિસ્થિતિ છે દ્વારકા અને કલ્યાણપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે જ્યારે ભાણવડ તાલુકાને સ્પેશિયલ પેકેજ આપી ખેડૂતોને આર્થિક સહાય આપી છે પ્રધાનમંત્રી પાકવીમાં યોજનાની જોગવાઈઓ મુજબ અછતગ્રસ્ત પરિસ્થિતિમાં 25% રકમ 15 દીવસમાં જ ખેડૂતોના ખાતામાં જમા કરાવવાની હોય છે જે અછતગ્રસ્ત લાગુ પડ્યા પછીના 3 મહિના વીતવા છતાં પાકવીમાની આ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી નથી
જિલ્લાના ભાણવડ તાલુકાના 5 ગામ, ખંભાળિયા તાલુકાના 6 ગામ, કલ્યાણપુર તાલુકાના 2 ગામ અને દ્વારકા તાલુકાના 3 ગામ એમ જિલ્લાના માત્ર 16 ગામનો પાકવિમો જાહેર થાય અને બીજા ગામોનો પાકવીમાંના કોઈ સગડ જ ન મળે એ કેમ શક્ય છે….???? જિલ્લામાં એકજ વીમા કંપની છે તો માત્ર 16 ગામોમાં વીમો જાહેર કરવો, ખેડૂતોના ખાતામાં જમા પણ કરાવી દેવો અને જિલ્લાના 223 ગામોમાં વીમો જાહેર ન કરવામાં આવે આવો તફાવત શા માટે….??? વીમા કંપનીએ આખા જિલ્લામાં એક સાથે પાકવિમો આપવો જોઈએ કટકે કટકે નહિ
2) દ્વારકા જિલ્લામાં આ વર્ષ નહિવત વરસાદના કારણે સંપૂર્ણ દુષ્કાળગ્રસ્ત છે તેમ છતાં તંત્રની નબળાઈના કારણે કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલ 2016 ને ઘોળીને પી જવામાં આવ્યો, 2016ના અછતગ્રસ્તના મેન્યુઅલ મુજબ વરસાદના વિસ્તરણ, વરસાદની સરેરાશ, અને વરસાદના ગાળાને ધ્યાનમાં લીધા વગર માત્ર તાલુકા મથકે એક જ જગ્યાએ પડેલા વરસાદના આંકડા ધ્યાનમાં લઈ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો, જિલ્લા તંત્ર દ્વારા અછતગ્રસ્ત અંગે અહેવાલ તૈયાર કરી દરખાસ્ત કરવાની હતી તેઓએ યોગ્ય સમય મર્યાદામાં આવી કોઈ દરખાસ્ત પણ ન મોકલી, જેની જવાબદારી યોગ્ય સમયમાં આનાવારી કરી આનાવારી રીપોર્ટ મોકલવાનો હતો તેઓએ યોગ્ય સમયે આનાવારી પણ ન કરી જેના કારણે દ્વારકા જિલ્લાના ભાણવડ અને ખંભાળિયા તાલુકાનો અછતગ્રસ્ત માં સમાવેશ કરવામાં નથી આવ્યો જેના માટે સંપૂર્ણ જવાબદાર લગત વિભાગના કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા આનાવારી અને અછતગ્રસ્તના મેન્યુઅલ મુજબ રિપોર્ટ, દરખાસ્ત અને અહેવાલ યોગ્ય સમયે તૈયાર કરી સરકારમાં જમા ન કરાવવો એ એક માત્ર કારણ છે. આ લગત વિભાગના કર્મચારીઓ/અધિકારીઓની આળસ, ફરજમાં બેદરકારીના કારણે ખંભાળિયા અને ભાણવડ તાલુકાના નાગરિકો ભોગ બન્યા છે. જાણવા મળતી માહિતી મુજબ જિલ્લામાં આનાવારી રિપોર્ટ જાન્યુઆરી મહિનાથી ખોટા પત્રકોમાં ખોટી સહીઓ કરાવી કરવામાં આવી રહી છે જિલ્લાના કેટલાક ગામોની આનાવારી રિપોર્ટ આજે પણ તૈયાર નહિ હોય એવી શંકાઓ ખેડૂતો સેવી રહયા છે
કલ્યાણપુર અને દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે એમાં કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને કૃષિ ઇનપુટ સહાય જમા કરાવવાની 95% ગામોમાં બાકી છે ભાણવડ અને દ્વારકા તાલુકામાં પણ કેટલાયે ગામોમાં કૃષિ ઈનપુટ સહાય ચુકવવાની બાકી છે જેને અછતગ્રસ્ત જાહેર કર્યા છે તેવા દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં કેટલકેમ્પ, ઢોરવાળા અને 5 કિલોમીટરની ત્રિજ્યમાં ઘાસચારા વિતરણ કેન્દ્રો પણ માત્ર કાગળ પર જ ચાલે છે, રજીસ્ટર ગૌશાળાઓમાં પ્રતી પશુદીઠ પ્રતીદિન 35 રૂપિયા જમા કરાવવાના હોય છે એમાં પણ ઠાગાથૈયા થઈ રહ્યા છે.
3) જિલ્લામાં વર્ષ 2010-11 થી પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે જમીન માપણી કરવામાં આવી આ યોજનાના 492 પાનાના મેન્યુઅલમાં નક્કી થયેલા તમામ નિયમો નેવે મૂકી દેવામાં આવ્યા. આખી કામગીરી માત્ર કાગળ પર જ કરી નાખવામાં આવી જાગૃત નાગરિકો અને જાગૃત ખેડૂત સંગઠનોએ સતત વિરોધ કરી સરકાર સામે સિંગડા ભરાવ્યાં જેના કારણે સરકારે જિલ્લાના સામોર ગામને સેમ્પલ ટેસ્ટ તરીકે સ્વીકારી સામોર ગામના તમામ સર્વે નમ્બર સરકારી સર્વેયર દ્વારા ફરીથી માપણી કરાવી રિપોર્ટ તૈયાર કર્યો આ રિપોર્ટ મુજબ કંપની દ્વારા થયેલી માપણી સંપૂર્ણપણે ભૂલભરેલી સાબિત થઈ તેમ છતાં આ ભૂલભરેલી જમીન માપણી શા માટે રદ્દ કરવામાં નથી આવતી તે ખેડૂતોને મુંજવતો મોટો પ્રશ્ન છે. સરકાર વાંધા અરજીઓના આધારે જેવી રીતે નિકાલ કરવા માંગે છે તે યોગ્ય પદ્ધતિ નથી વાંધા અરજીના આધારે એક ખેતર સુધરે છે તો તેની આસપાસના બીજા 4 ખેતર બગડે છે જો આ માપણી રદ્દ કરી ફરીથી કરવામાં ન આવે તો ભવિષ્યમાં ગુજરાતમાં સિવિલ વોર થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે
4) રાજ્ય સરકારે 90 દિવસમાં જિલ્લામાંથી અંદાજે 86000 મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નીર્ધાર કર્યો હતો સરકારની ઢીલી નીતિના કારણે માત્ર 50% જેટલી મગફળીની ખરીદી થઈ શકી છે ટેકાના ભાવે મગફળી વેચનાર ખેડૂતના ખાતામાં મોડામાં મોડા 20 દિવસમાં રૂપિયા જમા કરાવવાની સરકારે અનેક વખત જાહેરાત કરી છે પરંતુ જિલ્લામાં અંદાજે 100 જેટલા ખેડૂતોના રૂપિયા આજે પણ બાકી છે આ ખેડૂતોએ હવે કોને ફરિયાદ કરવી એ જ ખબર પડતી નથી અત્યારે ટેકાના કેન્દ્રો બંધ છે. ખરીદી કરનાર કર્મચારીઓ/અધિકારીઓ પોત પોતાના વિભગમાં જતા રહ્યા છે આવા ખેડૂતોનું અત્યારે કોઈ સાંભળનાર નથી.
5) જિલ્લામાં વિન્ડફાર્મ કંપનીઓ ફૂલીફાલી છે સરકાર આ કંપનીઓને ભાડાપટે જમીન આપે છે અને તંત્ર એમને બધા જ નિયમો તોડવાની છૂટછાટ આપે છે અને તેને પોલીસ રક્ષણ આપે છે જિલ્લામાં આવેલી વિન્ડફાર્મ કંપનીઓએ બધા જ નિયમો નેવે મૂકી પોલ ઉભા કર્યા છે ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન અને પોલ માટે ખેડૂતોને ધાક ધમકી આપી, દબાવી, ખોટા પોલીસ કેસ કરી, માનસિક રીતે હેરાન પરેશાન કરી જબરજસ્તી વીજ લાઈન અને પોલ નાખવામાં આવે છે તેવી જ રીતે આ વિન્ડફાર્મ કંપનીઓ દ્વારા ઉત્પાદિત વીજ વહન કરવા માટે જિલ્લામાંથી અલગ અલગ ચાર મોટી લાઈન 1 રાણાવાવ થી ભોગત, 2 ભાટીયા થી ભોગત, 3 કાલાવડ થી ભોગત અને 4 ગોપ થી ભોગત પસાર કરવામાં આવી રહી છે જેટકો કંપની દ્વારા પોલ નાખવાની કામગીરી અલગ અલગ ખાનગી વ્યક્તિ કે કંપનીઓને આપવામાં આવી છે જેટકો દ્વારા નાખવામાં આવતી આ લાઈન બાબતે અત્યાર સુધીમાં જિલ્લાના બન્ને પ્રાંત અધિકારીઓએ ખેડૂતોને અનેક વખત આદેશ કરી અપીલ સાંભળી છે પરંતુ જેટકો કંપની અને તેના દ્વારા અપાયેલ કોન્ટ્રાક્ટરને એકપણ વખત બોલાવી નિયમો મુજબ કામ થાય છે કે નહીં તે પૂછવામાં નથી આવ્યું. નિયમો મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે છે કે નહીં એ પૂછવામાં નથી આવ્યું. ખેતરે ખેતરે અને ખેડૂતે ખેડૂતે વળતરના નિયમો બદલે છે, વળતરની રકમ બદલે છે. પ્રાંત અધિકારીઓએ અનેક વખત હિયરિંગ રાખ્યું છે પણ ક્યારેય આમ કરવા પોતે કાયદા મુજબ સક્ષમ છે કે નહીં એ ક્યારેય તપાસ કરી નથી, કોઈપણ હિયરિંગમાં વળતર અંગે નક્કી થયેલા નિયમો, પરિપત્ર ખેડૂતને આપ્યા નથી જરૂર પડે ત્યારે પોલીસ આ ખાનગી કંપનીઓની એજન્ટ હોય તેમ આવી ખેડૂતોને દબાવે છે, માનસિક ટોર્ચર કરે છે ત્યારે સવાલ એ થાય છે કે શું વળતર અંગે કોઈ ચોક્કસ નિયમો સરકારે બનાવ્યા જ નથી…..???? જો બનાવ્યા છે તો જેટકો કંપની કે પ્રાંત અધિકારીઓ આ વળતર અંગેના ચોક્ક્સ નિયમો શા માટે જાહેર કરતા નથી….??? પોલીસ શું માત્ર કંપનીઓના રક્ષણ માટે જ છે….??? ખેડૂતોના કોઈ બંધારણીય હક્ક અધિકાર નથી…..??? અને જો હોય તો એનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસની નથી…..???? જેટકો કંપની દ્વારા જે ખેડૂતના ખેતરમાં પોલ આવે છે, જે ખેતર પરથી તાર પસાર થાય છે તમને ચૂકવવાનું વળતર અંગેના ચોક્કસ નિતીનિયમો જાહેર કરવા જેથી દરેક ખેડૂત માહિતગાર થાય
6) સરકારે ખેડૂતોના વ્યાજ માફીની જાહેરાત કરી દીધી હમણાં રજુ થયેલા અંદાજપત્રમાં એ રૂપિયાની ફાળવણી પણ કરી દેવામાં આવી વર્ષ 2016-17ના કેન્દ્ર સરકારના 1% અને વર્ષ 2017-18ના રાજ્ય સરકારના 3% વ્યાજમાફીના રૂપિયા દરેક બેન્કમાં જમા પણ કરી દેવાની સરકારશ્રીએ જાહેરાત કરી દીધી છે ત્યારે બેન્કો ખેડૂતોના ખાતામાં આ રૂપિયા શા માટે જમા નથી કરતી….?? બેન્કો ખેડૂતોના રૂપિયા વાપરવા માંગે છે….???? જ્યારે રાજ્ય સરકારે રૂપિયા છુટા કરી દીધા છે તો બેન્કોએ આ રૂપિયા ખેડૂતોના ખાતામાં તાત્કાલિક જમા કરવા જોઈએ
7) ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત દ્વારકા જામનગર હાઈવે ને ફોરટ્રેક કરવાનો પ્રોજેક્ટ અત્યારે કાર્યરત છે જેમાં 4.7 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપનો સમાવેશ થાય છે આ એરસ્ટ્રીપ રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અતિ મહત્વનો પ્રોજેક્ટ છે એનાથી અમો અભણ ખેડૂતો સારી રીતે વાકેફ છીએ જો અભણ ખેડૂતો રાષ્ટ્રીય સુરક્ષાને સમજી શકતા હોય તો સરકારના અધિકારીઓ આ પ્રોજેક્ટમાં બેદરકારી શા માટે દાખવે છે….??? આ પ્રોજેક્ટમાં જોઈન્ટ મેજરમેન્ટ જમીન પર જઈને શા માટે કરવામાં ન આવ્યું…..??? જે ખેડૂતોની જમીન કપાતમાં જતી નથી એવા ખેડૂતોને નોટિસ શા માટે આપવામાં આવી…..???? જે ખેડૂતોની ખરેખર જમીન કપાતમાં જાય છે એને નોટિસ કેમ આપવામાં ન આવી….??? એવી જ રીતે જેની જમીન કપાતમાં જતી નથી એના જમીન સંપદાનના એવોર્ડમાં નામ છે ને જેની જમીન ખરેખર કપાતમાં જાય છે એવા ખેડૂતોના જમીન સંપાદન એવોર્ડમાં ક્યાંય નામ જ નથી…..???? રાષ્ટ્રીય સુરક્ષાના આવા અતી મહત્વના પ્રોજેક્ટમાં આટલા મોટા છીંડા ….??? આવડી મોટી બેદરકારી…..???? તેમ છતાં એકપણ કર્મચારી, અધિકારી સામે કોઈ કાનૂની પગલાં પણ લેવામાં ન આવ્યા…..!!!!! આ દેવરિયા – કુરંગા આખા પ્રોજેક્ટમાં જે ખેડૂતોની જમીન કપાતમાં જાય છે તેમને પાણીના ભાવે વળતર આપવાનું સરકારે જાહેર કર્યું છે. 2013ના જમીન સંપાદનના કાયદાની જોગવાઈઓને દરકિનાર કરી જમીનની કિંમતની આકારણી કરવામાં આવી છે. ખેડૂતોને જંત્રી મુજબ નહિ પણ માર્કેટ વેલ્યુના ચારગણા ભાવ આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે અન્યથા દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોએ લડત કરી અને સરકારને જેવી રીતે ભારતમાલા પ્રોજેક્ટને સ્થગિત કરવાની જાહેરાત કરવી પડી છે તેવી રીતે અહીં પણ ખેડૂતો ગાંધી ચીંધ્યા માર્ગે લડત કરશે અને સરકારે મજબૂરન પ્રોજેકટ સ્થગિત કરવાની ફરજ પડશે.
8) ખાનગી કંપનીઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો પર અજગર ભરડો લીધો છે અને સરકાર, તંત્ર અને પોલીસ જાણે કંપનીઓ માટે જ હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે ઉદાહરણ તરીકે સુરજકરાળીના ખેડૂત બોદાભાઈ જેશાભાઈ ની 1-02-79 હેકટર જમીન એમની ખુદની માલિકીની છે તેમ છતાં ટાટા કંપનીએ એ ખેતર ફરતે દીવાલ ચણીને પોતાના કબ્જામાં લઇ લીધી છે આ ખેડૂત પોતાની માલિકીની જમીન પરત મેળવવા ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.
સાહેબ ઉપરોક્ત તમામ મુદ્દાઓ ખેડૂતના છે ખેડૂત હેરાન પરેશાન થાય છે અને દરેક મુદ્દે ખાનગી કંપનીઓ સરકાર, તંત્ર અને પોલીસનો સહારો લઇ ખેડૂતોનો ભોગ લઈ રહી છે ત્યારે ખેડૂતનો મોટો પ્રશ્ન એ છે કે આ દેશમાં સરકાર, તંત્ર અને પોલીસ માત્ર ખાનગી કંપનીઓ માટે જ છે….??? ખેડૂતો આ દેશના નાગરિક છીએ કે નહીં…??? અમને અભણ ખેડૂતોને કોઈ બંધારણીય હક્ક અને અધિકાર મળે કે નહીં…??? અમારે માત્ર દમન જ સહન કરવાનું…??? આપ સાહેબને વિનંતી છે કે ઉપરોકત તમામ મુદ્દે ખાનગી કંપનીઓના જ ખેડૂતો ભોગ બન્યા છે ત્યારે ખાનગી કંપનીઓએ આચરેલા અત્યાચારમાંથી મુક્તિ અપાવી ખેડૂતોને તાત્કાલિક પાકવિમો આપવો, અછતગ્રસ્તમાં બાકી તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરો અને જેને જાહેર કર્યા છે એવા તાલુકાઓમાં અછતગ્રસ્તના તાત્કાલિક લાભો આપો, જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરી ફરીથી કરવામાં આવે, ટેકાના ભાવે વેચેલી મગફળીના બાકી નાણા તાત્કાલીક આપવામાં આવે, વ્યાજ રાહતના ખડુતોના રૂપિયા બેન્કો વાપરે છે તે તાત્કાલિક ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે, વિન્ડફાર્મ કંપનીઓ અને જેટકો કંપનીઓમાં ઉલટ તપાસ કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને બજારભાવ કરતા ચાર ગણા ભાવ આપવામાં આવે, અને જે ખેડૂતની જમીન ટાટા કંપનીએ ભુમાફિયા થઈ પચાવી પાડી છે તેને તાત્કાલિક પરત આપવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે
લી. આપનો વિશ્વાસુ
પાલભાઈ આંબલિયા
ચેરમેન
કિસાન કોંગ્રેસ ગુજરાત