હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની તળાવ અને ચેકડેમ કૌભાંડમાં પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી દીધા બાદ તેમને જેલમાંથી છોડાવવા માટે ભાજપે શોદાબાજી શરૂ કરી છે. તે જો કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તો તેમને જેલમાંથી છોડાવવા માટે પૂર્વ પંચાયત પ્રધાન અને ભાજપના હળવદના નેતા જયંતી કવાડીયાએ જેલમાં દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.
ધ્રાંગધ્રાના કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય દિનેશ પટેલ જેલમાં ગયા હતા. ત્યારે સાબરીયા કહ્યું હતું કે, મને જેલમાં મોકલતાં પહેલાં ભાજપના જયંતી કાવડીયા અને બીજા એક નેતાઓ મને મળવા માટે આવ્યા હતા. તેમણે દબાણ કર્યું હતું કે જો તે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દે તો કેસની પતાવટ કરી આપશે. પણ હવે જામીન મળી જશે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની કોઈ વાત ન હોવાનું સાબરીયાની કહ્યું હતું. તેમને ભાજપમાં લેવા માટે કવાયત ચાલી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપના નેતા કાવડિયાએ તેમને લોકસભાની ટિકિટ આપવાની અને ચૂંટણી ખર્ચ ભાજપ આપશે એવી વાત કરી હતી. જોકે કાવડિયાએ આવી કોઈ વાત ન થઈ હોવાનું જાહેર કર્યું છે.
મોરબી જિલ્લાની સાથે હળવદ, વાંકાનેર,ટંકારા, માળિયા સહિતનાં ગામોમાં નાની સિંચાઈ યોજના હેઠળ રૂ. 20.31 કરોડનાં ચેકડેમ અને રીસ્ટોરેશન સહિતનાં 334 કામ મંજૂર થયાં હતાં. તેમાં હળવદ તાલુકામાં થયેલા ભ્રષ્ટાચારના પ્રશ્નો વિધાનસભામાં ન પૂછવા તથા તેની રજૂઆત ન કરવા હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ મળતિયા વકીલ ભરત દેવજી ગણેશિયા મારફત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂ. 40 લાખ માગ્યા હતા. અંતે રૂ. 35 લાખમાં ડિલ નક્કી રૂ. 10 લાખ લીધા હતા. બાકીના રૂ. 25 લાખ માટે સિક્યુરિટી પેટે ચેક મેળવી લીધો હતો.
મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ તળાવો ઉંડા કરવા મોરબી જિલ્લાના વિવિધ તાલુકામાં રૂ.20 કરોડથી વધુ રકમના કામો મંજૂર કર્યા હતા. સિંચાઇ યોજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ પોલીસ મથક માં 46 કામોની તપાસ કરવામાં આવી હતી. જેમાં રૂ.66.91 લાખની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં થઈ હતી.
ભાજપના નેતા જ ભ્રષ્ટાચારી નીકળ્યા
હળવદમાં રૂ.20 કરોડના સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા જેલમાં ગયા બાદ ભાજપના બે નેતાઓના નામ રૂ.20 કરોડના સરકારી કામમાં નામ 3 જાન્યુઆરી 2019માં બહાર આવ્યા હતા. જેમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહિલ કે જે હળવદમાં રહે છે. મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વલ્લભ પટેલ કે તેઓ હળવદમાં રહે છે. તેમના નામ FIRમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપના આ બંને નેતાઓને ભાગેડુ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં કુલ 14 આરોપીઓ છે.
ગેંગ ભ્રષ્ટાચાર
ભાજપ સરકારના પૂર્વ પંચાયત પ્રધાન અને તલાટી કૌભાંડમાં તેમની કચેરીનું નામ બહાર આવ્યું હતું. જયંતી કાવડીયાની ખાસ વ્યક્તિ છે. ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય ધ્રર્મેન્દ્ર પટેલ, હળવદ તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ કોળી તથા બીજા રાજકીય અને બિનરાજકીય લોકોના નામ એફઆઈઆરમાં રજૂ કરવામાં આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગેંગ ભ્રષ્ટ્ચારમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.
ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા પછી પાછા ખેંચ્યા
મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ એમ ગોહિલે રૂપાણી સરકારના સિંચાઈ રાજ્ય પ્રધાન પરબત પટેલને પત્ર લખ્યો હતો કે, હળવદ તાલુકાની નાની સિંચાઈ યોજનામાં 309 કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે. કામ કર્યા વગર નાણાં ચૂકવી દેવામાં આવ્યા હતા. 5 દિવસમાં તપાસ કરો, જો નહીં કરો તો જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે મારે મામલતદાર કચેરી સામે ઉપવાસ પર બેસવું પડશે. અધિકારી સામે પગલાં ભરો નહીંતર આપણી સરકારને એક નવી ભ્રષ્ટાચારની નોબતનો સામનો ન કરવો પડે તે માટે આપને જાણ કરું છું. તેમણે 12 જૂલાઈ 2018મા આ પત્ર લખ્યો અને દોઢ મહિના પછી તેમણે બીજો પત્ર લખ્યો હતો. 30 સપ્ટેમ્બર 2018ના દિવસે મોરબીના કાર્યપાલક ઈજનેરને ભાજપના લેટર હેડ પર પત્ર લખીને કહ્યું કે ના આવો કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. તેથી મેં જે પ્રધાનને પત્ર લખેલો તે દફતરે કરી દેવામાં આવે.
20 કરોડનો ભ્રષ્ટાચાર
આ કામમાં 20 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યા બાદ અધિકારી કાનાણી હાલ જેલમાં છે. જેને છોડાવવા માટે ભાજપના મંત્રીએ કાળું કર્યું હોવાનો આરોપ તેમના પર મૂકવામાં આવે છે. એક ભ્રષ્ટાચાર થયો હોવાનું કહીને પછી ભ્રષ્ટાચાર થયો ન હોવાનું તેઓ કહે છે. જે ભાજપના નેતાઓની ભ્રષ્ટાચારમાં કેવી સંડોવણી છે તે બતાવે છે. જિલ્લા પંચાયતમાં ભાજપના પૂર્વ પ્રધાનના ખાસ કહેવાતાં અધિકારી દ્વારા આ ભ્રષ્ટાચાર થયો હતો. 51 કામોમાં કુલ રૂા.1.12 કરોડનો ભ્રષ્ટાચાર તેમાં થયો હતો.
કોંગ્રેસનો વિરોધ
હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરષોતમ સાબરીયાની નાની સિંચાઈના કામો માટે કૌભાંડમાં લાંચ માંગવા મામલે પોલીસે કરેલી ધરપકડ ના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. ધારાસભ્યની ઓડિયો ક્લિપના પુરાવા સાથે જ્યારે ભ્રષ્ટાચાર કરતાં પકડાયા તેનો બચાવ કરવા માટે કોંગ્રેસના બીજા ધારાસભ્ય બ્રિજેશ મેરજા પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેઠા હતા. જે ધારાસભ્યનું રાજીનામું લેવું જોઈએ તેને બચાવવા માટે કોંગ્રેસ બચાવવા માટે ધરણાં કર્યા હતા.
વિધાનસભામાં પ્રશ્ન નહીં પૂછવાના રૂ.40 લાખ
હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયાએ ગુજરાત વિધાનસભામાં તળાવ કૌભાંડનો પ્રશ્ર્ન નહીં ઉઠાવવા તેમના વચેટિયા એવા વકીલ ભરત ગણેશીયા મારફતે રૂ.40 લાખમાં ડીલ થઈ હતી. જે પેટે રૂા.10 લાખ ધારાસભ્યને ચૂકવાયા હતા. અને બાકીની રકમના ચેક સંડોવાયેલી મંડળીના હોદ્દેદારો દ્વારા આપવામાં આવ્યા હતા જેમાં મોરબી પોલીસે હાલમાં તળાવ કૌભાંડમાં પુરાવા મેળવી ધારાસભ્ય અને તેમના મિત્ર એવા વકીલની ધરપકડ કરી હતી. તેની વાતચીતની ઓડિયો રેકોર્ડંગ પણ બહાર આવ્યું છે.