અમદાવાદ, તા.04
આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના દિગગજ નેતા અમીત શાહના ગળાની પાછળ થયેલી ગાંઠની સર્જરી એસ જી હાઇવે ખાતે આવેલી કે.ડી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આ ઓપરેશન માટે આજે સવારે અમીત શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લીપોમ તરીકે ઓળખાતી ગાંઠને માઇનોર સર્જરીથી દૂર કરવામાં આવી છે. અમીત શાહની સર્જરી સફળ રહેતા તેમને રજા પણ આપી દેવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના દિગગજ નેતા અમીત શાહને ગળાની પાછળના ભાગે ગાંઠ થઈ હતી. અગાઉની તપાસ મુજબ આ ચરબીની ગાંઠ હતી. જેને તબીબી ભાષામાં ‘લીપોમા’ તરીકે ઓળખવામાં આવે છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ લીપોમાની ગાંઠ શરીરમાં કોઈપણ ભાગે થઈ શકે છે. જેમાં કોઇ પ્રકારનો દુઃખાવો કે સંવેદના થતી નથી. ઘણાં લોકો લીપોમાને કેન્સરની ગાંઠ માની લેતા હોય છે.
અલબત્ત, લીપોમા એ ખૂબ જ સામાન્ય પ્રકારની ગાંઠ હોય છે. જે શરીરના કોઈપણ ભાગે થઈ શકે છે. જેનું મુખ્ય કારણ ચરબી હોય છે. વળી આ ગાંઠને દબાવવાથી શરીરમાં એક જગ્યાએથી સરકી પણ જતી હોય છે.
એસ જી હાઇવે પર આવેલી કે.ડી હોસ્પિટલના મેનેજીંગ ડિરેક્ટર ડો. અદિત દેસાઈએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ‘કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહને ગળાની પાછળના ભાગે થયેલી ગાંઠની સર્જરી માટે આજે સવારે ૯ વાગે દાખલ કરવામાં આવ્યા હતા. કે.ડી હોસ્પિટલમાં લોકલ એનેસ્થેસિયા આપ્યા બાદ ઓપરેશન કરી ગાંઠને દૂર કરવામાં આવી છે. આ પ્રકારની સર્જરી ખૂબ સામાન્ય હોય છે. તેમનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયા બાદ અમીત શાહને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.
‘લીપોમા’ શું છે?
ડોકટરો ના જણાવ્યા મુજબ ‘લિપોમા’ ચરબીની ગાંઠને કહેવામાં આવે છે. આ ગાંઠ મગના દાણાના આકારથી માંડીને અખરોટના આકારની થઈ શકે છે. જેમાં કોઈપણ પ્રકારની સંવેદના કે દુઃખાવો થતો નથી. લીપોમાની ગાંઠ શરીરની ચામડીની નીચે થતી હોવાથી તેને આંગળીથી દબાવવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી જતી હોય છે. જેનાથી અન્ય કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી.