કેન્સરના 31 ટકા દર્દીઓ તમાકુના વ્યસની હોવાનું ચોંકાવનારુ તારણ

અમદાવા,તા.23

કેન્સરના રોગનું મુળ તમાકુ છે. અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં સ્થિત રાજયના સૌથી મોટા કેન્સર હોસ્પિટલ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટના આંકડા બતાવે છે કે તમાકુનું સેવન કોઈ પણ પ્રકારે કરવામાં આવે તે નુકશાનકારક  નિવડે છે. જીસીઆરઆઈમાં દર વર્ષે દાખલ થતા 21000 કેન્સરના દર્દીમાંથી 31 ટકા દર્દીઓ તમાકુના વ્યસની જોવા મળે છે.

જીસીઆરઆઈમાં પ્રતિવર્ષ લગભગ ત્રીસ હજાર જેટલા કેસ આવે છે. આ પૈકી 21 થી 22 હજાર જેટલા દર્દીઓમાં કેન્સરની પૃષ્ટી થાય છે.  જેમાં 45 ટકા કેન્સરો મો, બ્રેસ્ટ અને ગર્ભાશયના હોય છે. કેન્સરના 31 ટકા કિસ્સામાં તમાકુ મુખ્યત્વે જવાબદાર હોય છે. દેશમાં લગભગ 28 ટકા લોકો કોઈને કોઈ પ્રકારે તમાકુનું સેવન કરતા હોય છે. તમાકુ-ગુટખાની લત ધરાવતા 1000 માથી ઓછામાં ઓછા ત્રણ કેન્સરના ભોગ બને છે.

તમાકુ છોડવા માટે મકકમ થયેલા અધિકાંશ લોકો કેટલાક દિવસો કે મહિનાઓ સુધી તમાકુ વગર રહી શકે છે. ખુબ ઓછા લોકો એવા છે કે જેઓ એક વાર તમાકુ છોડયા બાદ ફરીવાર તેનું સેવન કરતા નથી. આથી તમાકુ છોડવા માટે દ્રઢ ઈચ્છાશકિત હોવી ખુબ જરુરી બાબત છે. અમદાવાદની વાત કરીએ તો 19 ટકા પુરુષો અને બે ટકા મહિલાઓ ધુમ્રપાન તો 29.6 ટકા પુરુષો અને 12.8 ટકા મહિલાઓ ધુમ્રપાન રહીત તમાકુનું સેવન કરે છે. કેન્સરના મામલે અમદાવાદમાં સ્થિતી બરાબર નથી જેનું કારણ તમાકુ સેવન છે.

અમદાવાદમાં તમાકુ સેવન બાબતે વિશેષ વાત કરીએ તો શહેરમાં કુલ 25 લાખ લોકો તમાકુનું સેવન કરે છે. દસ વર્ષથી તમાકુ નિયંત્રણનો કાયદો હોવા છતા વર્ષે માંડ 110 લોકોને દંડ થાય છે અને તેમની પાસેથી રુ.200 જેવો મામુલી દંડ લઈ છોડી મુકવામાં આવે છે.

જાહેરમાં ધુમ્રપાન કરવુ કે તમાકુનુ સેવન અથવા ગુટખાનુ સેવન કરવા સામે ૧૯૪ કેસ કરવામાં આવ્યા છે. ૧૮ વર્ષથી નીચેનાઓને તમાકુ સેવન પર પ્રતિબંધ હેઠળ કુલ ૨૧૭ કેસ કરવામાં આવ્યા છે. અહી મહત્વની બાબત તો એ છે કે જયારે 25 લાખથી વધુ લોકો ધુમ્રપાન કરતા હોવાનું અનુમાન છે ત્યારે તેની સામે વસુલાતી દંડની રકમ ખુબ ઓછી છે.

 તમાકુ- ધુમ્રપાનના નિયમો

૩૦ રૂમ ધરાવતી હોટલ અથવા રેસ્ટોરામાં જાહેરમાં ધુમ્રપાન કરી શકાશે નહીં.

એરપોર્ટ પર ખાસ જગ્યામાં જ ધુમ્રપાન કરી શકાશે.
કલમ-પાંચ મુજબ, શહેરમાં તમાકુ કે તમાકુની કોઈ પણ પ્રોડકટની જાહેરાત કરી શકાશે નહીં.

૧-૧૦-૨૦૦૮ થી ૩૧-૫-૨૦૧૯ સુધીની તમાકુ નિયંત્રણ ધારા હેઠળ અમદાવાદમાં થયેલી કાર્યવાહી

 

ઝોન    નોટીસ  વ્યકિતગત દંડ કુલ દંડ

મધ્ય     ૪૧૧     ૦૨    ૩૯૫૫૦

ઉત્તર  ૨૨૪૭   ૧૦     ૧૨૮૧૦૨

દક્ષિણ   ૮૯૯  ૦૦     ૧૦૮૪૯૦

પૂર્વ     ૬૩૧      ૦૦     ૬૪૩૧૦

પશ્ચિ    ૧૯૧૧   ૧૦     ૨૪૯૩૦૦

ઉ.પ.  ૪૪૧      ૦૦     ૨૯૯૬૦

દ.પ.    ૬૭       ૦૦     ૭૩૫૦

ફલાઈંગ  ૧૩૮૮   ૫૭૬   ૨૦૯૭૨૫

કુલ      ૭૯૯૪    ૫૯૮   ૧૦૮૭૮૮૭