ઉમેદવારો અને રાજકીય પક્ષો માટેની આદર્શ આચાર સંહિતા (Model Code of Conduct) તા.૧૦/૦૩/૨૦૧૯ના રોજથી અમલમાં આવે છે. આ આચારસંહિતા લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં સમગ્ર
રાજ્યમાં ચુસ્તપણે અમલ થાય તે માટે સંબંધિત સર્વેને જણાવવામાં આવ્યું છે. આચાર સંહિતા માત્ર આદર્શ છે અને આદર્શને કોઈ ગણકારતું નથી. તે કોઈ કાયદો નથી કે બંધારણનો ભાગ નથી. તેથી આજ સુધી બહું ઓછા એવા બનાવો બન્યા છે કે જ્યાં આચારસંહિતાનો ભંગ કરનારને સજા થઈ હોય કે તેનું બંધારણીય સભ્યપદ જતું રહ્યું હોય.
આ આચારસંહિતા અનુસાર મંત્રીઓ કે સત્તાધિકારીઓની ચૂંટણીલક્ષી જાહેરાત, નાણાંકીય સહાય, પરિયોજના કે શિલારોપણ વિધિ કે સરકારી સેવાઓ કે જાહેર સાહસોમાં નિમણૂક કરી શકશે નહીં. ચૂંટણી દરમિયાન મતદારો પર પ્રભાવ પડે તેવી કોઇપણ પરિયોજના કે યોજના, રાહતો કે અન્ય નીતિવિષયક બાબતો રાજ્ય સરકાર કે સત્તાધારી પક્ષ જાહેર કરી શકશે નહીં.
કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ બોર્ડ/નિગમ/સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ ચૂંટણીઓ જાહેર થયાની તા.૧૦/૦૩/૨૦૧૯થી ચૂંટણી પૂર્ણ થતાં સુધી કોઇપણ લોકસભા મત વિભાગ પેટા ચૂંટણી હેઠળના વિધાનસભા મતવિભાગની કચેરી (Official Work) અર્થે મુલાકાત લઇ શકશે નહીં.
કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓ વગેરેએ ચૂંટણી પ્રચાર કાર્ય માટે સરકારી વાહનોનો ઉપયોગ નહીં કરી શકે. કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓ વગેરેએ ચૂંટણી સંબંધી પ્રવાસ દરમિયાન ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ કે કર્મચારીઓ સાથે બેઠક નહીં યોજી શકે. આદર્શ આચાર સંહિતાના અમલના સમયગાળા દરમિયાન રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ તેમની વ્યક્તિગત કે અંગત મુલાકાત સમયે તેમના અંગત સ્ટાફ પૈકીના એક બિનરાજ્યપત્રિત અધિકારીને સાથે રાખી શકશે. આ બિનરાજ્યપત્રિત અધિકારી કોઇ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઇ શકશે નહીં અગર કેન્દ્રના મંત્રીશ્રી કે મુખ્યમંત્રીને તેમના રાજકીય કામકાજમાં મદદ કરી શકશે નહીં. આદર્શ આચાર સંહિતાના અમલ દરમિયાન અંગત સ્ટાફ લઇ જવા અંગેના નિયંત્રણ અંગેની ઉપરોક્ત સૂચનાઓ ભારતના પ્રધાનમંત્રીશ્રીને લાગુ પડશે નહીં.
ચૂંટણી કામે પ્રવાસમાં આવતા કેન્દ્ર સરકારના કે અન્ય રાજ્યના મંત્રીઓ અને બિનસરકારી પદાધિકારીઓ વગેરેને રાજ્યના અતિથિ ગણી શકાશે નહીં. સરકારી વિશ્રામગૃહ કે અતિથિગૃહ વિગેરેમાં રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગ (Casual Meeting) ને પણ મંજુરી આપી શકાશે નહીં.
જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની (Z Scale) કે જે તે રાજ્યના કાયદાની જોગવાઇ અનુસાર
સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલી હોય તેમને રાજ્ય સરકાર હસ્તકના સરકારી
વિશ્રામગૃહ કે અતિથિગૃહ, કેન્દ્ર સરકાર અગર રાજ્ય સરકારના જાહેર સાહસોના વિશ્રામગૃહ કે અતિથિગૃહમાં
રહેવા માટે રૂમ ફાળવી શકાશે.
રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ અથવા આંશિક નાણાંકીય સહાય મેળવતી કોઇપણ નાણાંકીય સંસ્થાએ કોઇપણ
વ્યક્તિ કે કોઇપણ કંપનીને લોન આચાર સંહિતાનો અમલ કરવાના સમયગાળા દરમિયાન માંડવાળ કરી શકાશે
નહીં.
ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષના હિતોને મદદરૂપ થાય તે હેતુથી રાજકીય સમાચારોનો અને સિદ્ધિઓના પ્રચારની જાહેરાત વર્તમાનપત્રો તથા અન્ય માધ્યમો દ્વારા સરકારી ખર્ચે કે જાહેર નાણા દ્વારા ન કરવામાં આવે, તેમજ સરકારી માધ્યમોનો દુરૂપયોગ ન થાય તે જોવાનું રહેશે.
મેદાન વગેરે જેવા જાહેર સ્થળોનો ચૂંટણી સભાઓ યોજવા માટે તેમજ ચૂંટણીની બાબતમાં હવાઇ ઉડ્ડયન માટે હેલીપેડનો ઉપયોગ કરવામાં સત્તાધારી પક્ષ એકહથ્થુ અધિકારો ભોગવશે નહીં. સત્તાધારી પક્ષ જે શરતોએ તેનો ઉપયોગ કરતો હોય એ જ શરતોએ અન્ય પક્ષો અને ઉમેદવારોને આવા સ્થળો અને સવલતોનો ઉપયોગ કરવા દેશે.
પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, વ્યવસાયિક શિક્ષણ આપતાં સંકુલો/મકાનો/સ્થળોનો ઉપયોગ સામાન્ય સંજોગોમાં કોઇપણ રાજકીય પક્ષના ઉમેદવાર/ટેકેદારો/મંત્રીશ્રી દ્વારા રાજકીય પ્રવૃત્તિ માટે થઇ શકે નહીં. અલબત્ત, રાજ્યમાં ચૂંટણી પ્રચારના હેતુ માટે મેદાનો ઉપલબ્ધ ન હોવાથી શાળા અને કોલેજોના મેદાનોનો ઉપયોગ કરવા માટે ચોક્કસ શરતોનું પાલન કરવાનું રહેશે.
આચાર સંહિતાના અમલ દરમિયાન સરકારી વેબસાઇટ ઉપરથી પ્રચારાત્મક વિગતો દૂર કરવાની રહેશે. કોઇપણ સરકારી કે જાહેર મકાનોમાં કોઇપણ જગ્યાએ વડાપ્રધાન, મુખ્યમંત્રી, મંત્રી અને બીજા કોઇપણ મહાનુભાવોના ફોટોગ્રાફ્સ સાથેના કેલેન્ડર, ચિત્રો વગેરે પ્રદર્શિત કરવા નહીં અને જો આવા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવેલા હોય તો તેને તાત્કાલિક દૂર કરવાના રહેશે.
ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે કેન્દ્ર સરકારના મંત્રીઓ કે અન્ય પદાધિકારીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સ યોજી શકશે નહીં. તે જ રીતે મુખ્યમંત્રી કે મંત્રીઓ કે રાજ્ય કક્ષાના મંત્રીઓ કે સંસદીય સચિવઓ સચિવાલયના વિભાગો, ખાતાના વડાઓ સાથે વ્યક્તિગત કે સામુહિક રીતે સરકારની યોજનાઓના અમલ-પ્રગતિની સમીક્ષા કરી શકશે નહીં.
આ ચૂંટણી સાથે સીધી રીતે સંકળાયેલ અધિકારીઓ કે કર્મચારીઓની ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હી દ્વારા જ્યારે લોકસભાની સામાન્ય ચૂંટણી કે વિધાનસભાની પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવે તે તારીખથી ચૂંટણી પ્રક્રિયા સંપન્ન ન થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન બદલીઓ કરી શકાશે નહીં.
ચૂંટણીની કામગીરી સંબંધમાં અધિકારીઓ કે કર્મચારીઓની રજા તેમજ બદલી પર પ્રતિબંધ માટે પણ સૂચનાઓ
બહાર પાડવામાં આવી છે.