તૂવેરમાં કૌભાંડને લઇને બદનામ થયેલ સૌરાષ્ટ્ર ફરી તૂવેર કૌભાંડમાં વગોવાયું છે કેશોદ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદેલી તૂવેરમાં હલકી ગુણવતાની તુવેર કે સોયાબીન ભેળસેળ કરવાના કારસ્તાનનો પર્દાફાશ થતાં ખરીદીમાં ભ્રષ્ટાચારને લઇને વગોવાયું છે. કેશોદના કૌભાંડની તપાસ ચાલુ છે ત્યાં શુક્રવારે વિસાવદર યાર્ડમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા સહિતના ખેડૂતોએ જનતા રેડ કરી યાર્ડમાં પડેલા ૨૦૦૦થી વધુ કટ્ટામાં તુવેરમાં ગોલમાલ થઇ હોવાનો આક્ષેપ કરતાં ભારે ખળભળાટ મચી ગયો છે. જયારે પુરવઠા નિગમે પણ મોડે મોડે વિસાવદર યાર્ડની મુલાકાત લઇ તપાસ હાથ ધરી હોય તેવુ બહાર આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવની ખરીદીમાં તૂવેર પણ રાજકીય ઓથ હેઠળ જ ખરીદીમાં ભેળસેળને મોકળુ મેદાન મળી ગયું હોય તેવા એક પછી એક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. કેશોદ યાર્ડમાં તૂવેરમાં ભેળશેળનું કારસ્તાન કરાયું હતું અને ખેડૂત હિતરક્ષક સમિતિએ આ કૌભાંડનો પર્દાફાશ થતાં ગાંધીનગર સુધી ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા અને પુરવઠા નિગમના એમ.ડી., પુરવઠા મંત્રી રાદડિયા સહિત તૂવેર કૌભાંડમાં કોઇ ચમરબંધીને નહી છોડાય તેવા આશ્વાસન આપ્યા છે.
આ સંજોગોમાં વિસાવદર યાર્ડમાં પણ તૂવેરમાં કોક તારવી ગયું હોવાની આશંકા સાથે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા તથા ખેડૂત અગ્રણીઓ શુક્રવાર સાંજે વિસાવદર યાર્ડમાં પહોંચ્યા હતા અને અહીં જનતા રેડ કરી અને કેટલાક તૂવેરના કટ્ટામાં ભેળસેળ થઇ હોવાની આશંકા વ્યકત કરી અધિકારીઓને જાણ કરી હતી અને પુરવઠા નિગમના મોરી સહિતના અધિકારીઓ અહીં પહોંચી તપાસ હાથ ધરી છે.