કેસર કેરીના ભાવ ઊંચા, મોંઘવારીથી ખેડૂતોને માટે ખોટનો ખાડો

ગીરની લોકપ્રિય કેસર કેરીની તાલાલા મેંગો માર્કેટમાં કેસરની હરાજીનો પ્રારંભ થયો છે. દર વર્ષની માફક આ વર્ષે પણ કેરીનો પાક સમયસર આવ્યો છે. ગયા વર્ષના 10 કિલોના સરેરાશ 310 રૂપિયે બોક્સના ભાવની સરખામણીએ આ વખતે 10 કિલોના બોક્સનો ભાવ સરેરાશ 400 રૂપિયા રહેવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. આમ તાલાલાની કેસર કેરીનો ભાવ આ વર્ષે 29 ટકા વધ્યો છે. 10 કિલો કેસર કેરીની 300 થી 700 રૂપિયા બોલી બોલાઈ હતી. ગત વર્ષની તુલનાએ આ વર્ષે કેસર કેરીના ભાવ ઉંચા રહેશે.

પ્રથમ દિવસે જ તાલાલા માર્કેટમાં 15 હજાર બોક્સ કેસર કેરી આવી હતી. જેમાં 300 થી 700 રૂપિયા સુધીની બોલી લાગી હતી. અને સરેરાશ 400 રૂપિયાનો ભાવ આંકવામાં આવ્યો હતો. ઋતુમાં કુલ 8 લાખ બોક્સ કેસર હરાજીમાં આવે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે.

તાલાલા કેરી બજારમાં સૂત્રો કહે છે કે, ગયા વર્ષો કરતાં 50 ટકા ઓછો પાક ઉતર્યો છે. એટલું જ નહીં કેરીના ભાવ અંગે પણ ખેડૂતો નારાજ છે. ખેડૂતોના મતે 20 કિલો કેસરના 500 રૂપિયા ચૂકવાય તો જ ખેડૂતોને પોસાય તેમ છે.  કેસર કેરીનું ઉત્પાદન ઘટતા તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

વર્ષ – તારીખ – 10 કિલોનાભાવ – બોક્સની આવક

2019 6 મે 400 – 7,00,000 થી 8,00,000

2018 3 મે 310 – 8,30,340

2017 22 એપ્રિલ 265 – 10,67,755

2016 3 મે 283 – 10,66,860

2015 19 મે 250 – 7,17,335

2014 6 મે 210 – 9,41,702