ડિગ્રી ઇજનેરીમાં હાલમાં ૩૯ હજાર બેઠકો ખાલી પડી છે આજ રીતે ડિપ્લોમા ઇજનેરીમાં ૩૦ હજારથી વધારે બેઠકો ખાલી પડે તેમ છે. ખાલી બેઠકોનો આંકડો દરવર્ષે સતત વધતો જાય છે. આ સ્થિતિ ચાલુ રહે તો આગામી દિવસમાં અનેક કોલેજો બંધ કરવી પડે તેમ છે. ભૂતકાળમાં અનેક સંચાલકોએ વિદ્યાર્થીઓ ન મળવાના કારણે કોલેજો બંધ કરી દીધી છે. સરકારે ચાલુ વર્ષે ખાલી પડતી બેઠકોની સમસ્યાને ગંભીર ગણીને આ મુદ્દે ચર્ચા-વિચારણા કરવા માટે ચાર સભ્યોની એક કમિટીની રચના કરવાની જાહેરાત કરી હતી.
આ કમિટી દ્વારા આગામી ૧૫ દિવસમાં ખાલી પડતી કોલેજોની મુલાકાત લઇને એક અહેવાલ તૈયાર કરીને સરકારને આપશે. જેના આધારે સરકાર આ બંધ પડેલી કોલેજોમાં નવા કોર્સ શરૂ કરવા અંગેનો નિર્ણય કરશે તેવુ નક્કી કરાયુ હતુ. જૂન મહિનામાં આ કમિટીની રચના કરવામાં આવી હતી. હજુસુધી કમિટીએ એકપણ સભ્ય કહેવા તૈયાર નથી કે કેટલી કમિટીની મુલાકાત લીધી અને સરકારને અહેવાલ સુપ્રત કર્યો છે કે નહી.
ગાંધીનગર ખાતે થોડા સમય પહેલા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજયના શિક્ષણવિદ્દોની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં રાજયમાં ચાલુ વર્ષે ડિગ્રી ઇજનેરી કોલેજોમાં ખાલી પડનારી ૩૯ હજારથી વધારે બેઠકો ઉપરાંત ભૂતકાળમાં ખાલી પડેલી બેઠકો અને કોલેજો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ન મળવાના કારણે અનેક સંચાલકોએ કોલેજો બંધ કરી દીધી છે. ચાલુ વર્ષે હજુ અનેક સંચાલકો કોલેજો બંધ કરવા દરખાસ્ત કરે તેવી શકયતાં છે.
આ પ્રકારની સ્થિતિ કેવી રીતે નિવારી શકાય તે અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ ચાર સભ્યોની એક કમિટીની રચના કરવાનુ નક્કી કરાયુ હતુ. નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતના કો-ઓર્ડીનેટર પ્રો.એ.યુ.પટેલના અધ્યક્ષસ્થાને એક કમિટી રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.હિમાંશુ પંડયા, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીનો પણ સમાવેશ કરાયો છે. આ કમિટી દ્વારા બંધ પડેલી ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી કોલેજો ઉપરાંત હાલમાં કોલેજ ચલાવી શકાય તેટલા વિદ્યાર્થીઓ મળ્યા નથી તેવી કોલેજના સંચાલકો સાથે ચર્ચા-વિચારણા કરવાનુ નક્કી કરાયુ હતુ.
આ પ્રકારની કોલેજોમાં વિદ્યાર્થીલક્ષી નવા કયા કયા કોર્સ ચલાવી શકાય તેમ છે તેનો સર્વે કરીને કમિટી ભલાણ કરે તેના આધારે આગામી દિવસોમાં શોર્ટ ટર્મ કોર્સ, સ્કીલ બેઇઝ કોર્સ શરૂ કરવા માટે આ કોલેજોને મંજુરી આપવામાં આવશ તેવુ નક્કી કરાયુ હતુ. હાલમાં આ કમિટીની માત્ર એક બેઠક મળી છે. બીજી વખત બેઠક મળી શકી નથી. સરકારને ૧૫ દિવસમાં તમામ કોલેજોને સર્વે કરીને અહેવાલ આપવાનુ નક્કી કરાયુ હતુ. કમિટીના સભ્યો કહે છે એક બેઠક મળી છે. હજુસુધી આવો કોઇ અહેવાલ તૈયાર કરાયો નથી. કેસીજી દ્વારા આ અહેવાલ તૈયાર કરવાનુ નક્કી કરાયુ હતુ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામા મળતી બેઠકોમાં મોટાપાયે કુલપતિઓ અને કેસીજીના સભ્યો કમિટીની રચના કરી દેતાં હોય છે પરંતુ એક વખત બેઠક મળ્યા પછી તે પરિણામ સુધી પહોંચી છે કે નહી તે જોવા માટે સરકારમાં કોઇ તંત્ર જ ઉપલબ્ધ નથી.