મહેસાણા, તા.૧૨
કડી તાલુકાના કૈયલ ગામની સીમમાં આવેલા ઓએનજીસીની વેલ નજીક ડિઝલ ટેંકમાંથી પરોઢીયાના સુમારે ડિઝલ ચોરીનો પર્દાફાશ થયો હતો. જોકે પોલીસને જોઈને ચોરી કરી રહેલા અજાણ્યા શખસો છૂમંતર થઈ ગયા હતા. આ અંગે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
કૈયલ ગામની સીમમાં ઓએનજીસીની વેલ નજીક ડ્રીલીંગ રીંગ પોઈન્ટ નંબર ઈ-760-13 ઉપર મશીનમાં ભરવા ટેંકમાં ડિઝલનો જથ્થો મુકવામાં આવ્યો હતો. આ ટેંકમાંથી ડિઝલ ચોરવાના ઈરાદે અજાણ્યા શખસોએ તાર ફેન્સીંગનુ કટીંગ કરીને ગત રાત્રે ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. તેમણે ટેંકમાંથી પાઈપો વડે સાથે લાવેલા કેરબામાં ડિઝલ ચોરી કરીને ભરવાનું શરૃ કર્યું હતું. તે વખતે ફરજ પરના એસઆરપી જવાન છત્રસિંહ ઝાલા, ગંભીર પટેલીયા, રાજેશ્વરસિંહ ડાભી સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન પાછળના ભાગે મુકેલી ડિઝલ ટેન્ક નજીક પહોંચ્યા હતા.
તે વખતે અહીં અજાણ્યા બે શખસો ડિઝલની ચોરી કરતા હોવાનું નજરે પડતાં સિક્યુરીટી જવાનોએ તેમને પડકાર્યા હતા. પરંતુ અંધારાનો લાભ ઉઠાવી ડિઝલચોર ટોળકીના શખસો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ઘટનાસ્થળેથી ઓએનજીસીની ડિઝલ ટેન્કમાંથી ચોરી કરીને ૭૫૦ લીટર ડિઝલનો જથ્થો ભરેલા પ્લાસ્ટીકના 30 કેરબાઓ સહિત 33 કેરબાઓ મળી આવ્યા હતા.
આ ઉપરાંત અહીંથી પાઈપ, ડીસમીસ, પક્કડ અને રિંગપાનુ સહિત ચોરી કરવાની ચીજવસ્તુઓ કબજે લેવામાં આવી હતી. ઘટના અંગે એસઆરપીના કમાન્ડર આર.એસ.પુનિયાને જાણ થતાં તેઓ કૈયલની સીમમાં દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટના અંગે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.