અમદાવાદ, શુક્રવાર
સંજાગો કેટલીકવાર માણસની આકરી કસોટી કરતાં હોય છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને થોડા સમય પહેલાં બેંકમાંથી નિવૃત્ત થયેલા ગૃહસ્થ પત્ની સાથે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતાં. જ્યાં કૈલાસ પર્વત નજીક તેમનાં જીવનસંગિનીનું આકસ્મિક અવસાન થયું હતું. અચાનક આવી પડેલી વિપદા વચ્ચે પણ તેમણે પોતાની જાતને સંભાળી રાખી હતી. વિપરીત સંજાગો, પ્રતિકૂળ હવામાન વચ્ચે પારકા દેશમાંથી અર્ધાંગિનીનો મૃતદેહ પરત લાવવા તેઓ પરિસ્થિતિઓ સામે રીતસરના ઝઝૂમ્યા હતા. જીવનસાથીનું મૃત્યુ થયાના ૯૬ કલાક બાદ ચાર દિવસે મૃતદેહ લઇને તા.૨૧મીને બુધવારે રાત્રે અમદાવાદ હવાઇમથકે ઉતર્યા ત્યારે આ ગૃહસ્થ રીતસરના ભાંગી પડ્યા હતા. આ સમયે એરપોર્ટ પર હાજર તેમનાં સગાં-સંબંધીઓની આંખો પણ ભીની થઇ ગઇ હતી.
સમુદ્ર સપાટીથી ૨૧,૭૭૮ ફૂટની ઉંચાઇ પર સ્થિત કૈલાસ માનસરોવર હિન્દુઓનું મુખ્ય તીર્થસ્થળ છે. જીવતેજીવ કૈલાસ માનસરોવરની યાત્રા કરી લેવાનું શ્રદ્ધાળુઓનું સપનું હોય છે. સેટેલાઇટ વિસ્તારમાં સ્તવન બંગલોમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા જયપ્રકાશભાઇ મિશ્ર (ઉં.વ.૬૦) અને તેમનાં જીવનસંગિની અર્ચનાબહેન મિશ્ર (ઉં.વ.૫૫) પણ કંઇક આવી જ મહેચ્છા સાથે ગત તા.૯મી ઓગસ્ટે વહેલી સવારે અમદાવાદથી કૈલાસ માનસરોવરની યાત્રાએ જવા નીકળ્યા હતા. અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી નેપાળ કાઠમંડુ પશુપતિનાથનાં દર્શન કરીને તેઓ આગળ વધ્યાં હતાં. તા.૧૬મી ઓગસ્ટે આ દંપતિ માનસરોવર પહોંચ્યા હતા.
અહીં જયપ્રકાશભાઇ અને અર્ચનાબહેને કૈલાસ પર્વતની પરિક્રમા પૂરી કરી હતી. બીજા દિવસની પરિક્રમા માટે ઘોડા પર બેસીને ૧૯,૦૦૦ ફૂટની ઉંચાઇએ પર્વત પર પહોંચવાનું હતું. આથી દંપત્તિ તા.૧૭મીએ રાત્રે જ ડોલમાલા પાસ થઇને જુથુલપુકના ગેસ્ટહાઉસમાં પહોંચી ગયા હતા.
તેમના ગ્રુપમાં બીજા ૪૩ સભ્યો હતાં. જેમાં બે તબીબ પણ હતા. ગેસ્ટ હાઉસથી ૩૦૦ મીટર દૂર ઘોડાઓ સુધી બધાં યાત્રીઓ પહોંચી રહ્યાં હતાં. પરંતુ સો મીટર ચાલ્યા હશે ત્યાં અર્ચનાબહેનને શ્વાસ ચઢ્યો અને તેઓ એક પથ્થર પર બેસી ગયા અને જયપ્રકાશભાઇ સામે જાઇને કહેવા લાગ્યાં, ભગવાન કાં તો પરિક્રમા પૂરી કરાવે કાં તો તેના ચરણોમાં જગ્યા આપે. આટલું બોલીને તેઓ ઉભા થયા અને ચાલવા લાગ્યા. માંડ પચ્ચીસ ડગલાં ચાલ્યાં હશે ત્યાં અચાનક તેઓ ફસડાઇ પડ્યા. એક યાત્રીએ તરત તેમને ઓક્સીજન આપ્યો. ગ્રુપમાં રહેલા બંને તબીબોએ પમ્પિંગ કરવાનું શરૂ કર્યું અને ઇન્જેક્શન પણ આપ્યું. પરંતુ માત્ર અઢી મિનીટમાં તેઓ નિશ્ચેતન થઇ ગયા. હમણાં સુધી જયપ્રકાશભાઇને એમ જ હતું કે પત્નીને શ્વાસ ચઢ્યો છે એટલે તબીબો દવા આપી રહ્યા છે. પરંતુ સાથે રહેલા ગાઇડે જ્યારે ચાદર માગી ત્યારે તેમને ધ્રાસકો પડ્યો. જીવનસંગીની ખરેખર તેમને છોડીને જતાં રહ્યાં છે તે જાણી થોડી ક્ષણો આંખે અંધારા આવી ગયાં. જયપ્રકાશભાઇ શૂન્યમનસ્ક થઇ ગયા. બીજી દસ મિનિટ તેઓ કશું જ બોલી ન શક્યા. આવી સ્થિતિની તેઓએ કલ્પના પણ કરી ન હતી. તેઓ ઘરથી હજારો કિ.મી. દૂર હતા. ખભે માથું મૂકી રડીને દુઃખ હળવુ કરી શકાય તેવો કોઇ ઓળખીતો ચહેરો પણ ન હતો. ઇશ્વર તેમની આકરી કસોટી કરી રહ્યો હતો. પરંતુ પરિસ્થિતિ પારખીને તરત જ તેમણે આંસુઓને રોકી લીધાં અને લાગણીઓ પર કાબૂ મેળવી લીધો.
જયપ્રકાશભાઇને સાંત્વના આપીને ગાઇડ સિવાયનું ગ્રુપ આગળ વધ્યું. હવે તેમની સામે પત્નીનો મૃતદેહ પાછા ઘરે લઇ જવાનો મોટો પડકાર હતો. ગાઇડે જયપ્રકાશભાઇના પરિજનોને જાણ કરી કે તરત જ પુત્ર અર્ચિતે ફોન આભાર – નિહારીકા રવિયા કરી માતાની તબિયતની પૃચ્છા કરી. જયપ્રકાશભાઇ બોલ્યા, બેટા, તારાં મમ્મી તો કૈલાસમાં જ વસી ગયાં. બીજી તરફ ગાઇડે ઘટનાની જાણ કરતાં અડધા કલાકમાં જ સ્થાનિક ચીન પ્રશાસને એમ્બ્યુલન્સ મોકલી આપી. મૃતદેહને એમ્બ્યુલન્સમાં મુકવામાં આવ્યો. જયપ્રકાશભાઇએ ખોળામાં પત્નીનું માથુ લીધું. આંસુઓને રોકી લીધાં. હૃદયમાં એકસાથે હજાર શૂળ ઉતરી ગઇ હોય તેવી વેદના છતાં તેમણે સ્વસ્થતા જાળવી રાખી અને ૩૮ કિ.મી. દૂર આવેલા દારચેન પહોંચ્યા. જયપ્રકાશભાઇને ચીન હસ્તકના તિબેટમાં ભાષા સિવાયની કોઇ સમસ્યા ન નડી પરંતુ હજુ આગળ તેમની કસોટી થવાની બાકી હતી.
દારચેનથી લેન્ડક્રુઝર કાર આપવામાં આવી. મૃતદેહને તેમાં મૂકી ૧૨૦ કિ.મી. દૂર આવેલા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પાસે જ હોસ્પિટલ હતી. ચીન પ્રશાસને ઝડપી કામગીરી કરી ડેથ સર્ટિફિકેટ અને જરૂરી પોલીસ પરવાનગીના કાગળો આપ્યાં. ફરીથી તેમણે પત્નીનું માથું ખોળામાં લીધું. ભારે વેદના અને મનમાં અનેક વિચારો સાથે ૧૧૫૦ કિ.મી.નો લાંબો પ્રવાસ ખેડીને ૨૫ હજારની વસ્તી ધરાવતા શહેર કેરુંગ પહોંચ્યા. આ સમગ્ર રૂટ પર વાતાવરણ પ્રતિકૂળ. કારમાં મૃતદેહ હતો પણ બહાર ભારે વરસાદના કારણે કાચ ખોલી શકાય તેવી સ્થિતિ ન હતી. જયપ્રકાશભાઇના જીવનની આ સૌથી મુશ્કેલ ઘડીઓ હતી. આટલી લાંબી મુસાફરી બાદ પત્નીનો મૃતદેહ લઇને કેરુંગ આવ્યા. કેરુંગમાં રાત પસાર કરી ત્યારે તેમનું હૈયું વેદનાથી વિંધાઇ ગયું હતું. બીજા દિવસે ચીનની પોલીસે જરૂરી પ્રક્રિયા પૂરી કરી આપતાં સરહદ પાર કરી નેપાળના તિમુરે પહોંચ્યા. તિમુરે પહોંચતાં પહેલાં કાઠમંડુ જવા ચોપર બુક કરાવી રાખેલું. પરંતુ કરમની કઠણાઇ એવી રહી કે નેપાળ પ્રશાસન આવી દુઃખદ ઘટનાની આગોતરી જાણ કરી હોવા છતાં માનવીય સંવેદના દાખવવામાં ઉણું ઉતર્યું અને ચોપર મોડા પહોંચ્યા.
છેવટે તા.૧૯મીએ બપોરે બે વાગ્યે ચોપરમાં કાઠમંડુની ત્રિભુવન ટિચિંગ હોસ્પિટલ સંકુલમાં લેન્ડ કર્યું. અહીંથી એમ્બ્યુલન્સમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જયપ્રકાશભાઇને નેપાળ પ્રશાસનનો અહીં પણ કડવો અનુભવ થયો. હોસ્પિટલ સત્તાવાળાઓએ છેક બીજા દિવસે સવારે ૧૦ વાગ્યે પોસ્ટમોર્ટમ કર્યું. ઇન્ડિયન એમ્બેસીએ બધી વિધી ઝડપથી પતાવી આપી, પરંતુ નેપાળની હોમ મિનિસ્ટ્રી અને ત્યાંના વહીવટી તંત્રએ ઢીલાશ દાખવતાં મૃતદેહને એર કાર્ગો માં લઇ જવાની પ્રક્રિયા અટવાઇ પડી. કાઠમંડુ એરપોર્ટ પર પણ કસ્ટમ્સ ક્લીયરન્સ માં ચાર કલાક નીકળી ગયા. આમ છતાં જયપ્રકાશભાઇએ હિંમત ન હારી અને પત્નીના મૃતદેહ સાથે બેસી રહ્યા.
આ દરમિયાન અમદાવાદથી તેમનો પુત્ર, ભત્રીજા અને ભાણેજ કાઠમંડુ એરપોર્ટ પહોંચી ગયા. છેવટે ત્યાંથી અર્ચનાબહેનનો મૃતદેહ લઇને તા.૨૧મીએ બપોરે ૧૨.૩૦ કલાકે દિલ્હી અને દિલ્હીથી સાંજે ૭.૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. અત્યાર સુધી સ્વસ્થતા જાળવી રાખનારા જયપ્રકાશભાઇ મૃતદેહ લઇને આવ્યા ત્યારે સગા-સંબંધીઓને જોઇને ચોધાર આંસુએ રડી પડ્યા. જીવનસાથીને ગુમાવ્યાનું દુઃખ અને દબાવી રાખેલી લાગણીઓ અશ્રુધારારૂપે વહી રહી હતી. તા.૨૧મીએ બુધવારે રાત્રે નવ વાગ્યે વાડજ સ્મશાનગૃહમાં અર્ચનાબહેનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
કૈલાસ યાત્રાથી પત્નીનો મૃતદેહ લઇને આવવું પડશે તેવું જયપ્રકાશભાઇએ વિચાર્યું પણ ન હતું. કદાચ તેઓ એ ૯૬ કલાક હવે જીંદગીભર ભૂલી નહીં શકે. કૈલાસ માનસરોવરની યાત્રા માટે આ દંપતિ ફિટનેસ કેળવવા ૧૩ કિ.મી. ચાલીને જતા હતા. પરંતુ ઇશ્વરની લીલાઓને કોણ સમજી શક્યું છે? મિશ્ર દંપતિ વચ્ચે ગાઢ પ્રેમ હતો. જયપ્રકાશભાઇ નોકરીએ જવા નીકળતા ત્યારે અર્ચનાબહેન રોજ તેમને દરવાજા સુધી વળાવવા આવતા. તેમની વચ્ચેના અતૂટ પ્રેમના સાક્ષી રહેલા આસપાસની સોસાયટીઓના રહીશોની આંખો પણ જયપ્રકાશભાઇની વિતકકહાની સાંભળીને ભીની થઇ ગઇ હતી.