બનાસકાંઠાના વાવ મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના લગ્નમાં ઠાકોર સેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ભાજપના નેતા શંકર ચૌધરી એક સાથે જોવા મળ્યા હતા. ત્રણેય નેતાઓને એકસાથે બેઠેલા જોઇને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ નેતાઓ જ્યારે જાહેર સ્ટેજ પરથી ભાષણ આપતા હોય છે, ત્યારે એકબીજા પર કટ્ટર દુશ્મનો જેવા પ્રહાર કરે છે. એક સમયે અલ્પેશ ઠાકોર શંકરસિંહ ચૌધરીને પોતાના કટ્ટર હરીફ સમજતા હતા. એક સમયે અલ્પેશ ઠાકોર શંકર ચૌધરી પર જાહેર મંચ પરથી પ્રહાર પણ કરતા હતા અને આ રીતે વાવમાં વિધાનસભાની ચૂંટણી સમયે ગેનીબેન ઠાકોરની સામે શંકરસિંહ ચૌધરી હરીફ ઉમેદવાર તરીકે ઊભા હતા, ત્યારે ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરીને હરાવ્યા હતા. ત્યારે આ જ હરીફો ગેનીબેનના દીકરાના લગ્નમાં એકબીજા સાથે મજાક કરતા, હસતા અને ભોજન કરતા જોવા મળ્યા હતા. આમ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લગ્નને પણ રાજકારણમાં ફેરવી નાંખ્યા હતા.