કોંગ્રેસના નેતા જે બી પટેલના પુત્ર જીમી જમીન કૌભાંડી

કોંગ્રેસના રામભાઈ ભરવાડનો પુત્ર અનિલ ભરવાડ ઝડપાયો 

અમદાવાદ – મકરબામાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના ષડયંત્રમાં સામેલ બે પૂર્વ સબ રજીસ્ટ્રાર, એક તલાટી કમ મંત્રી, ખેડૂતો સહિત 10 લોકો સામે સિટી મામલતદારે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એકબીજાના મેળાપીપણાથી બોગસ દસ્તાવેજો બનાવી તેમજ કેટલાક દસ્તાવેજ ઉભા કરી અદાલતમાં હક્ક દાવો રજૂ કરીને 23,371 ચોરસ મીટર જમીન પચાવવામાં મકરબાના કોંગ્રેસી આગેવાન જયંતિભાઈ પટેલ ઉર્ફે જે.બી.પટેલ અને રામભાઈ ભરવાડના પુત્રો અનુક્રમે જીમી પટેલ અને અનિલ ભરવાડની સંડોવણી સામે આવતા તેમને ફરિયાદમાં આરોપી દર્શાવાયા છે.

વેજલપુર સર્વે નંબરની અને મકરબા વિસ્તારમાં આવેલી બે અલગ અલગ નંબરની કુલ 23,371 ચોરસ મીટર સરકારી જમીન પર સ્થાનિક ઠાકોર ખેતી કરતા હતા. જે જમીન સરકાર પાસે વેચાણથી માંગવામાં આવતા તેની મજુંરી અપાઈ ન હતી. જેથી ભૂ માફિયાઓએ તત્કાલિન તલાટી કમ મંત્રી વી.આર.ગોહિલ પાસે ખેડુતને નોટિસ આપી દિન-7માં જમીન ખાલી કરવા આદેશ કર્યો હતો. જો કે, આવો આદેશ કરવાનો તલાટી કમ મંત્રી પાસે કોઈ સત્તા હોતી નથી. તલાટી ગોહિલે એક ષડયંત્રના ભાગરૂપે ખેડૂતને જમીન ખાલી કરવાનો આદેશ આપતી નોટિસ મોકલી અદાલતમાં જમીન પરનો હક્ક અને કબ્જો હોવાનો પૂરાવો ઉભો કરી આપ્યો હતો. ત્યારબાદ નારણપુરા શાસ્ત્રીનગરમાં રહેતા હિરેન ત્રિવેદીએ ખેડૂતના પાવર આધારે કરોડો રૂપિયાની જમીનના વેચાણ કરાર જીમી જયંતિભાઈ પટેલ અને અનિલ રામભાઈ ભરવાડ (બંને રહે. મકરબા)ને કરી આપ્યા હતા. ચોપડે જમીનની માલિકી સરકારની બોલતી હોવા છતાં તત્કાલિન સબ રજીસ્ટ્રાર કે,આર.શાહ અને પી.ઝેડ.સોનીએ વેચાણ દસ્તાવેજ મજૂંર રાખ્યા હતા. સરકારી અધિકારીઓ સાથે કાવતરૂ રચી બોગસ દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાની મોકાની જમીન પચાવી પાડવાના પ્રયાસની ફરિયાદ સિટી મામલતદાર નવિન ભીખુભાઈ ભટ્ટે સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.