કોંગ્રેસના બનાવટી નેતા બની રાજીનામાનું તરકટ

જૂનાગઢ કોંગ્રેસના મહામંત્રી જીતેન્દ્ર મહેતાએ કાર્યકર્તાઓની અવગણના કરવાના આક્ષેપો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઅંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રસના પ્રમુખ નટુ પોંકિયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કરીને કહ્યું હતુ કે, જીતેન્દ્ર મહેતા નામનો કોઈ શખ્સ કોંગ્રેસમાં હતો જ નહીં આ વાત સદંતર ખોટી છે. જૂનાગઢ કોંગ્રેસની 7 માર્ચના રોજ નવી કારોબારીની રચના કરવામાં આવી છે. આ કારોબારીમાં વિસાવદરના જીતેન્દ્ર મહેતા નામનો કોઈ પણ વ્યક્તિ કારોબારીમાં કે મહામંત્રી નથી. જીતેન્દ્ર મહેતાના જે રાજીનામાંની વાત થઇ રહી છે, તે વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે. કોંગ્રેસમાં કોઈ ભંગાણ પડ્યું નથી. બાકી જે પદાધિકારીઓ જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના અને નગરપાલિકાના કોંગ્રેસને છોડીને ગયા છે તેઓને કોંગ્રેસ તરફથી નોટીસ પાઠવવામાં આવી છે. પ્રદેશે મંજૂર કરેલી કારોબારીમાં પણ જીતેન્દ્ર મહેતા નામના વ્યક્તિનો કોઈ ઉલ્લેખ નથી અને હું તેને ઓળખતો પણ નથી અને તે કોંગ્રેસમાં છે પણ નહીં.