તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય પર માઈનિંગના કેસમાં કોર્ટે તેમને 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારતા વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષના આ નિર્ણયને લઇને કોંગ્રસના નેતાઓ અને આગેવાનો દ્વારા રાજ્ય વ્યાપી ધરણા કરીને ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે તે સમયે વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણીએ સમગ્ર મામલે દોષનો ટોપલો ભાજપ સરકાર પર ઢોળ્યો હતો.
જમીન કૌંભાડના સમગ્ર મામલે સેસન્સ કોર્ટે ભગવાન બારડને ફટકારવામાં આવેલી સજામાં સ્ટે આપ્યો હતો અને કોર્ટે ફટકારેલી સજાના આધારે ધારાસભ્યને ગેરલાયક ઠેરવીને વિધાનસભા અધ્યક્ષ દ્વારા તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવામા આવ્યું હતું, જેના કારણે તાલાલામાં પેટા ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલાને પડકારવા માટે ભગવાન બારડે ગુજરાત હાઈકોર્ટનો સહારો લીધો છે. હાઈકોર્ટમાં તેમણે વિધાનસભાના અધ્યક્ષના નિર્ણય અને સેસન્સ કોર્ટના નિર્ણયને પડકાર ફેંકતા એક અરજી કરી છે અને આ અરજીને લઇને તાત્કાલિક સુનાવણી કરવામાં આવે તેવો પણ ઉલ્લેખ તેમણે અરજીમાં કર્યો છે.