કોંગ્રેસની અંદર ચાલી રહેલાં આંતરિક વિખવાદને લઇને 8 સભ્યોની એક ઉચ્ચ શક્તિ સમિતિ – હાઇપાવર કમિટીની રચના અમિત ચાવડાએ કરી તો છે પણ આ સમિતિ સમક્ષ સૌથી મોટો પ્રશ્ન તો બળવાખોરી અને પક્ષ વિરોધી ચાલતી પ્રવૃત્તિનો આવીને ઊભો છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય ધવલ ઝાલા અને મહેસાણામાં શિસ્ત ભંગ માટેના બનાવો આવીને પડેલાં છે. ઉચ્ચ શક્તિ સમિતિમાં અર્જુન મોઢવાડિયા, તુષાર ચૌધરી, નરેશ રાવલ, સિદ્વાર્થ પટેલ અને ભરતસિંહ સોલંકી છે.
આ સમિતિ સમક્ષ 2018-19માં કોંગ્રેસમાંથી પડેલા રાજીનામાં અને શિસ્તનો સૌથી મોટો પ્રશ્ન આવીને ઊભો છે.
કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં પાલિકામાં અસંતુષ્ટ 6 સભ્યોએ સમિતિઓમાંથી રાજીનામાં આપ્યાં છે. તેનો મોટો પ્રશ્ન આવીને કોંગ્રેસ માટે ઊભો થયો છે. ઉપરાંત હમણાં અલ્પેશ ઠાકોરે પક્ષના નેતૃત્વ સામે જાહેરમાં ઉચ્ચારો કર્યા હતા. ત્યાર બાદ તેઓ દિલ્હી ખાતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મળવા માટે ગયા ત્યારે રાહુલ ગાંધીએ તેમને મળવાનો ઈન્કાર કરી દઈને એવો સંદેશો આપ્યો હતો કે સમિતિ સમક્ષ પહેલા રજૂઆત કરો.
આ સમિતિ સમક્ષ પક્ષનાં સંગઠનનાં પ્રશ્નો અને આંતરિક બાબતોમાં નિર્ણય કરવાની જવાબદારી છે. લોકસભાની ચૂંટણી માટે આ સમિતિએ કામ શરૂ કરી દીધું છે. તે માટે તાજેતરમાં દિલ્હી જઈ આવ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં વિખવાદ વધી રહ્યાં છે.
કોંગ્રેસનાં નારાજ નેતાઓમાં પહેલેથી જ અલ્પેશ ઠાકોરનું નામ તો સૌથી આગળ છે. ઉપરાંત ઠાકોરના સાથીદાર ધારાસભ્ય ધવલ ઝાલા પણ અલ્પેશના પગલે છે. તેથી નવી સમિતિનું પહેલું કામ તો આ બન્ને નેતાઓની સામે શિસ્ત ભંગના પગલાં લેવાનું છે. અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ નારાજ છે.
દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા 30 વર્ષથી કાર્યકર રહેલાં સંજય પટવા સહિત આઠ વરિષ્ઠ નેતાઓએ પક્ષમાંથી રાજીનામાં ધરી દીધા હતા અને સુરત શહેર પ્રમુખ બાબુ રાયકા પર પરિવારના સભ્યોને અનેક પદો આપવાનો આરોપ જાહેરમાં મૂક્યો હતો. સુરતમાં જૂથબંધી એટલી હદે ચાલી રહી છે કે હવે 30 વર્ષ જુના કાર્યકર પટવા માટે કામ કરવું અશક્ય બની ગયું છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે, સુરત કોંગ્રેસના પ્રમુખની કાર્ય પદ્ધતિ સાથે હું અનુકૂળ થઈ શકું તેમ નથી. આ કારણોસર મારું નામ કોર સમિતિના સભ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે તેને રદ કરવામાં આવે.
જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશ કાકડિયા અને વીંછિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કડવા જોગરાજીયાએ કટોકટી સમયે રાજીનામાં આપી દીધા હતા. કોંગ્રેસના આગેવાનો આવી અમારા વિસ્તારમાં અમારી અવગણના કરે છે. એવો સૂર હતો.
જૂનાગઢ શહેર કોંગ્રેસમાં નવા નિમણૂક કરવામાં આવેલા પ્રમુખ વીનુ અમીપરાના વિરોધમાં શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ, મહામંત્રી સહિત 342 કાર્યકરોએ રાજીનામા આપ્યા હતા. આ ઉપરાંત સંગઠન અને વોર્ડના પ્રમુખોએ પણ રાજીનામા ધરી દીધા છે.
અમદાવાદ કોંગ્રેસના 500 કાર્યકર્તાઓએ રાજીનામાં આપ્યા હતા. ચાંદખેડાના કોંગી નેતાઓ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ થતા રોષે ભરાયા હતા.
વિજય રૂપાણી સામે ચૂંટણી લડનાર ઈન્દ્રનીલ રાજગુરુથી 2018માં રાજીનામાં આપવાની શરૂઆત થઈ હતી. કોંગ્રેસના કુંબરજી બાવળીયા સાથેની નારાજગીના પગલે તેમણે આ રાજીનામું આપ્યું હતું.
ભરુચ જિલ્લાના આમોદ કોંગ્રેસના નગરપાલિકાના 13 સભ્યોએ નારાજગી ને લઇ પાલિકા પ્રમુખને રાજીનામાં આપી દીધા હતા. આમ અહેમદ પટેલના વિસ્તારમાં પણ ગેરશિસ્ત જોવા મળે છે.
આણંદ તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષ પદે ભગવાન ચૌહાણની નિમણૂક કરવામાં આવતા કોંગ્રેસમાં રાજકીય ખેંચતાણને લઈને તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસની તાલીમ શિબિર સમયે તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 5 સભ્યોના રાજીનામા પડ્યા હતા. પક્ષમાં અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામા ધર્યા હતા.
આણંદ જિલ્લા પંચાયતમાં સમિતિઓની રચનામાં કોંગ્રેસના જૂના નેતાઓની અવગણના કરાઈ હોવાની બાબતે અસંતોષના પગલે પંચાયતના ચાર સભ્યોએ રાજીનામાં આપી દીધા હતા.
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીના વિસ્તાર અને હાલના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાંના વિસ્તારોની નજીકના આણંદમાં કોંગ્રેસના 30 કાર્યકરોએ અગાઉ 26 ફેબ્રુઆરી 2018મા સામૂહિક રાજીનામાં આપી દીધા હતા. કારણ કે તેમની મદદ પ્રદેશ પ્રમુખે કરી ન હતી.
મહેસાણાના જીવાભાઈ પટેલે રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણઈના વિસ્તાર અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને ઉપપ્રમુખે અચાનક રાજીનામાં આપી દીધા હતા. આતંરિક વિખવાદને અને વિપક્ષ નેતાની ગંદી રાજનીતિથી કંટાળી રાજીનામું આપ્યું હતું.