કોંગ્રેસની વધું બેઠક આવી રહી છે તેથી ભાજપ તોડફોડ કરે છે – હાર્દિક પટેલ

અલ્પેશ ઠાકોરના રાજીનામાં પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, બધા અમારા સંપર્કમાં છે, પરંતુ અત્યારે ભાજપમાં જોડાય તેવી વાત નથી. અમે ક્યાં ના પાડીએ છીએ. પરંતુ અત્યારે કોઈ એવી પાકા પાયે માહિતી આપી ન શકાય. અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાને લઈને કોઈ વાત અમારી પાસે આવી નથી. અલ્પેશ ઠાકોરની નારાજગીના સમાચારની અમને મીડિયાના માધ્યમથી જાણ થઈ છે.

હાર્દિક પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, લોકસભાના કોંગ્રેસની વધારે બેઠકો આવી રહી છે, એટલે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓને તોડવાના પ્રયાસો કરી રહી છે. જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી અલ્પેશ ઠાકોરની આવી કોઈ વાત નથી. પક્ષના હોદ્દેદારોએ તેમની સાથે વાત કરી હતી. સાંજે હું પણ તેમને મળવાનો પ્રયાસ કરવાનો છું..

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ અને ધારાસભ્ય ભગવાનજી ઠાકરે પણ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે.

રાજીનામુ આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મરીશું તો આ ગરીબ લોકો માટે બાકી કોઈની ગદ્દારીથી મરવું એના કરતા અમે ખુદના મોતથી મારવાનું પસંદ કર્યું છે. આવનારા સમયમાં અમે અમારી સેનાની તાકાત પણ બતાવીશું અને આવનારા સમયમાં અમે ગરીબોની તાકાત બતાવીશું. હવે અમે થાક્યા છીએ અમારે આવી રાજનીતિ નથી જોઈતી. અમે સંઘર્ષનો રસ્તો અપનાવ્યો છે અને એક મહિના પહેલા થયેલી પ્રેસ કોન્ફરન્સ પછી અમારા પ્રભારીએ અમારી સાથે સરખી રીતે વાત કરવાનું પણ પસંદ કર્યું નથી. અમને પદ નથી જોઈતું પણ અમને જ્યાં સન્માન ન મળે ત્યાં અમે ન રહી શકીએ. અમે કોઈ બીજી પાર્ટીમાં નથી જવાના જો જવું હોય તો તે વખતે ગયા હોત.  સેના અને કોંગ્રેસમાંથી એક જ પસંદ કરવાનું છે. મારા માટે સેના સર્વોપરી છે. એટલા માટે મેં સેના જ પસંદ કરી છે.

અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ છોડવા મામલે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરનું પક્ષ છોડવું એ અમારા માટે પણ એક ચિંતાનો વિષય છે.

પાટણ જિલ્લા ઠાકોર સેનાના ઉપપ્રમુખ ભાજપમાં જોડાયા છે. ઠાકોર સેનામાં ભંગાણ પડ્યું છે. બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર પરબત પટેલ પ્રચાર માટે માલણ ગામે પહોંચ્યા હતા ત્યારે પાલનપુરની આસપાસના 11 ગામના ઠાકોર સમાજના 150 કાર્યકરો ભાજપમાં ભળી ગયા હતા.