કોંગ્રેસનું રાજકોટ શિસ્તભંગ માટે જાણીતું બની રહ્યું છે, રામાણી સામે પગલાં ક્યારે

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના કોર્પોરેટર અને ભાજપના પ્રમુખને મળીને વિવાદ સર્જવનારા નીતિન રામાણી સામે પગલાં ભરવાની તૈયારી શરૂં થઈ છે. નીતિન રામાણીએ ભાજપના બેનર મૂકાવ્યા છે તેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવી છે. એ ઉપરાંત અત્યાર સુધી તેમણે જે કંઇપણ કર્યુ છે એ તમામ હકિકત સાથેનો રિપોર્ટ તૈયાર કરવામા આવ્યો છે. વિધાનસભા સત્ર પુર્ણ થયે તેમની સામે પગલાં ભરવાની કોંગ્રેસે તૈયારી પૂરી કરી છે.

પાર્ટીથી વિમુખ રહેતા કોંગી કોર્પોરેટર નીતિન રામાણીએ રાજકોટ આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને આવકારવા પોતાના ફોટા સાથેના બેનર પોતાના વોર્ડમાં મુક્યા છે અને તેનાથી કોંગ્રેસમાં વધુ કકળાટ થયો છે. રામાણીની હકાલપટ્ટી નિશ્ચિત મનાઇ રહી છે. શિસ્તભંગ કરતા કોંગ્રેસની હાલત કફોડી બની છે. નીતિન રામાણીની અત્યાર સુધીની તમામ હરકત સામે હજુ સુધી પાર્ટીએ કોઇ પગલાં લીધા નથી. પરંતુ આ વખતે તેના વિરુધ્ધ પ્રદેશમાં મોકલવા માટે ધગધગતો રિપોર્ટ તૈયાર થઇ રહ્યો છે.

આમતો નીતિન રામાણીએ રાજકોટ શહેર કોંગ્રેસ અને મનપામાં પાર્ટીની અંદર રહેલી કથડેલી હાલત અંગે પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો ત્યાંરથી જ એવો સ્પષ્ટ સંકેત મળી ગયો હતો કે, રામાણી કંઇક નવાજૂની કરવાના મુડમાં છે. છેલ્લે જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીમાં સામાન્ય જનતાને પ્રવેશબંધીના વિરોધમાં વિપક્ષે સભાગૃહમાં બેસવાના બદલે પ્રેક્ષક ગેલેરીમાં રહીને વિરોધ કરવાનો જે કાર્યક્રમ આપ્યો હતો એ વખતે તમામ કોંગી કોર્પોરેટર પ્રેક્ષક ગેલેરીમાં હતા. એકમાત્ર નીતિન રામાણી સભાગૃહમાં એકલા બેઠા રહયા હતા

રાજકોટના વિપક્ષી નેતાની ખુરશી માટે ચાલતા આંતરિક રાજકારણમાં વર્તમાન નેતા વશરામ સાગઠિયા જૂથના ૧૨ સભ્યો એકજૂથ થઇને જનરલ બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા. પાર્ટી સામે ખુલ્લો બંડ પોકાર્યો હતો. ગેરહાજર ૧૨ અસંતુષ્ટ નગરસેવકોને પાર્ટીએ માત્ર નોટિસ જ આપી. પણ એ પછી પ્રદેશની નેતાગીરી નિમાણી થઇને બેસી ગઇ હતી.

સંખ્યાબંધ અસંતુષ્ટો  પાર્ટી સાથેથી છેડો ફાડે તેવા મુડમાં છે. મુખ્યમંત્રીને હંફાવનાર ધુરંધર એવા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ શહેર પ્રમુખપદેથી રાજીનામુ આપી દીધુ એ પછી અસંતુષ્ટો હવે ખુલ્લીને મેદાનમાં આવી રહ્યા છે.