કોંગ્રેસને બ્લેક મેઈલ કરતાં બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર

લોકસભા ચૂંટણીના થોડા દિવસ અગાઉ ભાજપ સાથે ગોઠવણ કરીને કોંગ્રેસની સામે પડેલાં ગદ્દાર નેતા અલ્પેશ ઠકોરે કોંગ્રેસને હરાવવા અને ભાજપને જીતાડવા માટે લોકસભાની બે બેઠક પર પ્રચાર કરતાં તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરીને તેમને ધારાસભ્ય પદેથી દૂર કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસના આ પગલા બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને ધમકી આપી કહ્યું હતું કે, હું વિધાનસભામાં રહેવા માગું છું. રહેવાનો છું. મને ખબર ન હતી કે કોંગ્રેસ આ હદ સુધી પણ જશે. આવનારા સમયમાં સમાજનું સંમેલન યોજાવા જઇ રહ્યું છે. તેમાં હું કોંગ્રેસની પોલ ખોલીશ. મને લોકોએ જીતાડ્યો છે ત્યારે મારે રાજીનામું આપવાની જરૂર નથી. હું લડી લઈશ.

કોંગ્રેસની માગ છે કે અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે તેથી તેને ગેરલાયક ઠેરવવામાં આવે. આ ઉપરાંત અલ્પેશે પક્ષ વિરોધી પ્રવૃત્તિ પણ કરી છે તેથી તેને સસ્પેન્ડ કરવાની માગણી કોંગ્રેસે કરી હતી.

OBC સમાજને અલ્પેશ ઠાકોર ઢાલ બનાવી રહ્યાં છે. અલ્પેશ ઠાકોરે બનાસકાંઠામાં પોતાના ઉમેદવારને લોકસભા ચૂંટણીમાં ઉભો રાખ્યો અને તેમના માટે પ્રચાર પણ કર્યો હતો. કોંગ્રેસ સામે ખુલ્લેઆમ બંડ પોકાર્યા પછી હવે આ નેતા રોજ નવા નિવેદનો કરી રહ્યાં છે. હવે અલ્પેશ કહી રહ્યાં છે કે મારી સામે તેમને જે પગલા લેવા હોય તે લે. હું મારું ધારાસભ્ય પદ બચાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરીશ.

કોંગ્રેસ શિસ્ત પાલન માટે પ્રયત્ન કરી રહી છે. તેવા સમયે અલ્પેશ ઠાકોરના ખુલ્લા બળવા પછી તેની સામે પગલા લેવા માટે મન બનાવી રહી છે. તો, કોંગ્રેસ પક્ષ તરીકે એ પણ જોઈ રહી છે કે કોઈ સમાજનું અહિત ન થાય અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસના નિર્ણયનો કોઈ દુરઉપયોગ ન કરે.

અલ્પેશ ઠાકોરે ગરીબોની વાત તો ખૂબ કરી, તેમનું કેટલું ભલુ થયું તે બિચારા ગરીબોને ખબર પરંતુ જ્યારે હવે કોંગ્રેસ પગલા લેવા જઈ રહી છે ત્યારે એ જ ગરીબો અલ્પેશ માટે ઢાલ બની જાય તો નવાઈ નહી.

આમ પહેલેથી જે અનુમાન હતું કે અલ્પેશ ભાજપના ઈશારે કામ કરે છે અને શંકરસિંહના રસ્તે જે જશે. એવું જ થયું છે. જેવું શંકરસિંહે કર્યું એવું અલ્પેશ કરી રહ્યો છે.