કોંગ્રેસે પાસના અતુલ પટેલનું અસ્તિત્વ ખતમ કરી નાખ્યું 

પાટીદાર અનામત આંદોલનના જાણીતા ચહેરા અને કોંગ્રેસ નેતા અતુલ પટેલ પર તેમના જ એક સમયના સાથી અને હાલના ભાજપ નેતા રેશ્મા પટેલે મોટું નિવેદન આપ્યું છે, જેને લઇને મોટો વિવાદ ઉભો થયો છે, રેશ્માએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે કોંગ્રેસે પહેલા તો પાસના પ્રવક્તા અતુલ પટેલને પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો અને બાદમાં તેમને હાંસિયામાં ધકેલી દીધા, થોડા દિવસો પહેલા કોંગ્રેસના સંગઠનનું નવું માળખુ જાહેર કર્યુ હતુ, 300 પદાધિકારીઓના જમ્બો માળખામાં પણ અતુલ પટેલનું નામ નથી, એનો મતલબ શું સમજવો ?

કોંગ્રેસનાં ચૂંટણી પ્રચારમાં અતુલ પટેલ

અતુલ પટેલે હાલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને જસદણ ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો, પાટીદાર આંદોલન પહેલા પણ તેઓ કોંગ્રેસ માટે કામ કરતા હતા, બાદમાં તેઓ પાટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકામાં હતા, તેઓ પાટીદાર અનામત આંદોલનની હાર્દિક પટેલ, રેશ્મા પટેલ, ચિરાગ પટેલ, દિનેશ બાંભણિયા અને વરુણ પટેલની ટીમમાં હતા, અતુલ પટેલનો દાવો હતો કે ભાજપે તેમને પાર્ટીમાં આવી જવા કરોડો રૂપિયાની ઓફર કરી હતી, તેમ છંતા સમાજ માટે તેઓ મક્કમ હતા અને ભાજપની ઓફર તેમને ફગાવી દીધી હતી, આંદોલનથી પાટીદાર સમાજને અનામત અપાવવા પાસની ટીમે સખત પ્રયાસ કર્યા હતા, જો કે બાદમાં હાર્દિક પટેલ સાથેના મતભેદોને કારણે પાસની આખી ટીમ વેરવિખેર થઇ ગઇ હતી.

અમિત ચાવડા, પરેશ ધાનાણીએ કરાવ્યો હતો કોંગ્રેસમાં પ્રવેશ

અતુલ પટેલ ખેડા જિલ્લાના નડિયાદથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ અત્યાર સુધી પાર્ટીએ તેમને કોઇ યોગ્ય જવાબદારી આપી નથી, ત્યારે રેશ્મા પટેલે આ બધી વાતોને લઇને કોંગ્રેસ સામે કટાક્ષ કર્યો છે, બીજી બાજુ રેશ્મા પણ ભાજપથી નારાજ ચાલી રહ્યાં છે અને ભાજપની વિરુદ્ધમાં વારંવાર નિવેદનો કરી રહ્યાં છે, ભાજપ આ મામલે ચૂપ છે, રેશ્માના નિવેદન પર અતુલ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જો કે આ મામલે તેઓ કોંગ્રેસથી જરા પણ નારાજ ન હોવાનું કહી રહ્યાં છે, ત્યારે રેશ્મા પટેલ કદાચ એમ કહેવા માંગે છે કે ભાજપ હોય કે કોંગ્રેસ બંને પાર્ટીઓએ પાસના પાટીદાર નેતાઓના રાજકીય ભવિષ્ય ખતમ કરી નાખવાના પ્રયાસ કર્યા છે.